SURAT

આજથી સુરતીઓ માત્ર 25 રૂપિયામાં સિટીબસ અને BRTSમાં આખો દિવસ મુસાફરી કરશે

સુરત: (Surat) સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યાને ધ્યાને રાખી મનપા દ્વારા માસ ટ્રાન્સપોર્ટેશનની (Mass Transportation) સુવિધા શરૂ કરવામાં આવી છે. મનપા દ્વારા હાલ સિટીબસ તેમજ બીઆરટીએસ બસ શહેરમાં ચલાવવામાં આવી રહી છે. જેમાં વધુમાં વધુ મુસાફરો આ સુવિધાનો લાભ લઈ રહ્યાં છે. સમગ્ર ભારતમાં સુરત શહેર માત્ર એક જ શહેર છે જ્યાં એક ટિકીટ થી સિટીબસ અને બીઆરટીએસમાં (City Bus And BRTS) મુસાફરી કરી શકાય છે. આ સેવાનો મહત્તમ લોકો લાભ લઈ શકે તે માટે મનપા દ્વારા તા. 21 જુલાઈથી એટલે આજથી “સુમન પ્રવાસ ટિકીટ” સેવાની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત સુરતીઓ રૂા. 25 ની ટિકીટમાં આખો દિવસ મનપાની બસ સેવામાં મુસાફરી (Travelling) કરી શકાશે.

  • જાહેર પરિવહન સેવાને વેગવંતી બનાવવા સુરત મહાનગરપાલિકાની અનોખી પહેલનો મેયર હેમાલીબેન બોઘાવાલાના હસ્તે શુભારંભ
  • 25 રૂપિચાની ટિકિટ લઈ સિટી બસમાં સમગ્ર સુરત શહેરમાં એક દિવસની અનલિમીટેડ મુસાફરી કરી શકાશે
  • વિદ્યાર્થીઓ, મધ્યમ વર્ગ, નોકરિયાત વર્ગ તેમજ બહારથી સુરત હરવા-ફરવા આવતા પ્રવાસીઓને મોટો ફાયદો થશે

સુરત મહાનગરપાલિકા દ્વારા યોજાયેલી સુરત સિટિલિંક લિ.ની ૩૫મી બોર્ડ મિટીંગમાં લેવાયેલા નિર્ણય મુજબ હવે તા.૨૧ જુલાઈથી રૂ.૨૫ ની ટિકિટ લઈને સિટી બસ તેમજ BRTS માં સમગ્ર સુરત શહેરમાં એક દિવસની અનલિમીટેડ મુસાફરી કરી શકાશે. રૂ.૨૫ની ‘સુમન પ્રવાસ ટિકિટ’ને લીલી ઝંડી મળી જતા મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલાના હસ્તે નવયુગ કોલેજના BRTS સ્ટેન્ડથી રૂ.૨૫/-ની કિંમતની ‘સુમન પ્રવાસ ટિકિટ’ સેવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, હાલમાં બીઆરટીએસના કુલ 13 રૂટ તેમજ સિટીબસના કુલ 45 રૂટ ઉપર આશરે દૈનિક 2,30,000 જેટલા નાગરિકો જાહેર પરિવહન સેવાનો લાભ લઇ રહ્યા છે.

મનપાની આ યોજનાથી નિયમિતપણે સિટી બસ, BRTS સેવાનો ઉપયોગ કરતા વિદ્યાર્થીઓ, મધ્યમ વર્ગ, નોકરિયાત વર્ગ તેમજ બહારથી સુરત હરવા-ફરવા આવતા પ્રવાસીઓને મોટો ફાયદો થશે. આ યોજનાથી લોકોની આર્થિક બચત તો થશે જ સાથોસાથ શહેરમાં ખાનગી વાહનોના ઓછા ઉપયોગ થકી પ્રદૂષણ પણ ઘટશે. જણાવી દઈએ કે આગામી તા.૧ સપ્ટેમ્બરથી તા.૩૦ સપ્ટેમ્બર સુધી સુરત મનીકાર્ડમાં TAP-IN/TAP-OUT એપ્લિકેશન તથા સિટિલિંક મોબાઈલ એપ મારફત ટિકિટ બુક કરવાં પર મુસાફરીમાં ૧૦૦ % રાહત આપવામાં આવશે.

Most Popular

To Top