IPL 2026માં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે મહત્વપૂર્ણ મુકાબલો રમાવાનો છે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજાનારી આ મેચ બંને ટીમો માટે પોઇન્ટ્સ ટેબલની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યની છે. બંને ટીમ હાલમાં 6-6 પોઇન્ટ્સ સાથે બરાબરી પર છે, પરંતુ સારા રન રેટના કારણે હૈદરાબાદ ચોથા સ્થાને છે. હૈદરાબાદની ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડ પર જીતની હેટ્રિક નોંધાવવાના આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતરશે. બીજી તરફ, દિલ્હી કેપિટલ્સ માટે આ મેચ સાતત્ય મેળવવાની તક છે, કારણ કે ટીમ અત્યાર સુધી અનિયમિત પ્રદર્શન કરી રહી છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધી 26 મેચ રમાઈ છે, જેમાં SRHએ 13 અને DCએ 11 મેચ જીતી છે, જ્યારે એક મેચ ટાઈ રહી છે અને એકનું પરિણામ આવ્યું નહોતું.સનરાઇઝર્સ માટે સૌથી મોટો પડકાર કેપ્ટન પેટ કમિન્સની ગેરહાજરી છે. કમિન્સ ટીમ સાથે જોડાયો હોવા છતાં આ મેચમાં રમશે નહીં. તેની જગ્યાએ ઈશાન કિશન કેપ્ટનશીપ સંભાળી રહ્યો છે. જોકે શરૂઆતમાં બોલિંગ નબળી લાગી રહી હતી, પરંતુ છેલ્લી બે મેચમાં યુવા બોલરો પ્રફુલ્લ હિંગે, સાકિબ હુસૈન અને શિવાંગ કુમારે પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે. ખાસ કરીને ઈશાન મલિંગાએ ડેથ ઓવરોમાં શાનદાર બોલિંગ કરીને ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તે હાલ 6 મેચમાં 8 વિકેટ સાથે ટીમનો ટોપ વિકેટ ટેકર છે.
બોલિંગમાં સુધારો છતાં હૈદરાબાદની બેટિંગ ચિંતાનો વિષય બની છે. ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા અને ઈશાન કિશન જેવી ટોચની લાઇનઅપ મોટી ભાગીદારી બનાવી શકી નથી. ટીમનો હાઈ-રિસ્ક અભિગમ ઘણી વખત ઉંધો પડે છે, જેના કારણે મિડલ ઓર્ડર પર દબાણ વધી જાય છે. હેનરિક ક્લાસેન પર સૌથી વધુ જવાબદારી આવી છે. તે 6 મેચમાં 283 રન સાથે ટીમનો સર્વાધિક રન બનાવનાર ખેલાડી છે, પરંતુ તેને વધુ સપોર્ટની જરૂર છે. દિલ્હી કેપિટલ્સની વાત કરીએ તો ટીમમાં અનુભવી ખેલાડીઓ હોવા છતાં સાતત્યનો અભાવ દેખાઈ રહ્યો છે. કેએલ રાહુલ, પથુમ નિસાંકા અને ટ્રિસ્ટન સ્ટબ્સ રન બનાવી રહ્યા છે, પરંતુ કોઈએ મેચ જીતાડે તેવી મોટી ઇનિંગ્સ રમી નથી. સમીર રિઝવી, જેણે શરૂઆતમાં સારું પ્રદર્શન કર્યું હતું, તે છેલ્લા ત્રણ મેચમાં નિષ્ફળ રહ્યો છે. જો દિલ્હીને જીત મેળવવી હોય, તો ટોપ ઓર્ડરે વધુ જવાબદારી લેવી પડશે.બોલિંગમાં લુંગી એન્ગિડી ટીમ માટે મહત્વનો ખેલાડી બની રહ્યો છે. તેણે 5 મેચમાં 7 વિકેટ લઈને પેસ એટેકને સંભાળ્યો છે. અક્ષર પટેલ મધ્ય ઓવરોમાં નિયંત્રણ રાખે છે, પરંતુ કુલદીપ યાદવનું ફોર્મ ચિંતાજનક છે. મુકેશ કુમાર અને ટી. નટરાજનથી ડેથ ઓવરોમાં વધુ અસરકારક પ્રદર્શનની અપેક્ષા રહેશે.
હૈદરાબાદનું રાજીવ ગાંધી સ્ટેડિયમ બેટિંગ માટે અનુકૂળ માનવામાં આવે છે. અહીં હાઈ-સ્કોરિંગ મેચો જોવા મળે છે. અત્યાર સુધી 86 મેચમાંથી 48 મેચ ચેઝ કરતી ટીમે જીતી છે, જે દર્શાવે છે કે ટોસ મહત્વનો બની શકે છે. આ સીઝનમાં SRHએ અહીં 3માંથી 2 મેચ જીતી છે. હવામાનની વાત કરીએ તો આજે ગરમી રહેશે, તાપમાન 25થી 36 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે અને વરસાદની કોઈ શક્યતા નથી. આજની મેચમાં હૈદરાબાદ પોતાની જીતની લય જાળવવા ઉતરશે, જ્યારે દિલ્હી સાતત્ય મેળવવા માટે ઝઝૂમશે. બંને ટીમો માટે આ મુકાબલો સીઝનની દિશા નક્કી કરી શકે છે.