SURAT

સુરત: ઘૂંટણનું ઓપરેશન કરનાર ડોક્ટર માટે દર્દીએ લખ્યું પુસ્તક

સુરત: ઘણાં સમય સુધી પથારીવશ રહ્યા બાદ ડોકટરની સારવારથી ચાલતા થયેલા શીલા શ્રીવાસ્તવે પોતાનાં ડોક્ટર કુશ વ્યાસ માટે એક પુસ્તક લખી એમને ગિફ્ટ કર્યું, આ પુસ્તકનું વિમોચન તાજેતરમાં સુરત શહેરનાં માનનીય પોલીસ કમિશનર અજયકુમાર તોમરનાં હસ્તે વિમોચિત કરાયું હતું. સાયન્સ સેન્ટરનાં એમ્ફી થિયેટર ખાતે વિમોચિત થયેલા આ પુસ્તકનાં વિમોચન પ્રસંગે જાણીતા કવિ અને સાઇકિયાટ્રીસ્ટ ડો.મુકુલ ચોક્સી, નવભારત સાહિત્ય મંદિરનાં રોનક શાહ ઉપસ્થિત રહ્યા હતા.

  • ખાનગી હોસ્પિટલના ડો.કુશ વ્યાસ માટે તેમના પેશન્ટ શીલા શ્રીવાસ્તવે લખેલા પુસ્તક ‘સેકંડ ઇનિંગ વીથ ડો.કુશ વ્યાસ’ નું વિમોચન થયું !
  • સુરત શહેરનાં માનનીય પોલીસ કમિશનર અજયકુમાર તોમરનાં હસ્તે પુસ્તક વિમોચિત કરાયું


શીલા શ્રીવાસ્તવનો દિકરો ઇન્ડિયન નેવીમાં કામ કરે છે. શીલા શ્રીવાસ્તવ ઘણાં સમયથી પથારીવશ હતા અને ચાલી શકતા નહોતા. સુરતમાં એકલા રહેતા શીલાબેન પોતાનાં રોજ-બરોજનાં કાર્યો પણ જાતે કરી શકે એમ ન્હોતા. એમણે ઘૂંટણ રિપ્લેસમેન્ટ સર્જન ડો.કુશ વ્યાસને બતાવ્યું હતું. ડો.કુશ વ્યાસે એમની સર્જરી કરી અને શીલાબેન ચાલતા થઇ ગયા અને શીલાબેનનું જીવન બદલાઇ ગયું. પોતે હવે ક્યારેય ચાલી ન શકે એવું માની લેનારા શીલાબેન ડો.કુશ વ્યાસની મદદથી પોતાનાં જીવનમાં થયેલો આ ચમત્કાર લોકો સુધી પહોંચે અને આશા ગુમાવી દેનારા બીજા વડીલો યોગ્ય સારવારની મદદથી ચાલતા થાય એ હેતુથી ડો.કુશ વ્યાસ માટે પુસ્તક લખ્યું, ‘સેકંડ ઇનિંગ વીથ ડો.કુશ વ્યાસ’

ડો. કુશ વ્યાસ માટે લખાયેલા આ પુસ્તકમાં શીલાબેને કુશ વ્યાસની મદદથી ઘૂંટણની સમસ્યાઓ અને એનું નિદાન, ડો.કુશ વ્યાસનાં પેશન્ટ્સની વાતો લખી છે. જે ઘૂંટણની સમસ્યાથી પીડાતી વ્યક્તિઓ માટે દિવાદાંડી સમાન બની શકે છે.

પુસ્તક જોઈ તબીબ ભાવુક થયા
આ પુસ્તક વિશે વાત કરતા ડો.કુશ વ્યાસ કહે છે કે એક ડોકટર જ્યારે પેશન્ટની સારવાર કરે છે ત્યારે એનાં મનમાં એક જ ગોલ હોય છે. પેશન્ટ સંપૂર્ણપણે સાજું થઇ જાય. શીલાબેન મારી પાસે આવ્યા ત્યારે મારા મનમાં એક જ વાત હતી કે એ ચાલતા થઇ જાય, એ ચાલતા થયા અને ત્યારપછી થોડા દિવસોમાં એમણે આ પુસ્તક લખી મારા હાથમાં મૂક્યું ત્યારે મારી આંખો ભીની થઇ ગયેલી. એક પેશન્ટ એનાં ડોક્ટરને આવી ભેટ આપી શકે, એ મારા માટે ખાસ વાત હતી. હું સામાન્ય રીતે મારા સોશિયલ મિડીયા પર અને શક્ય હોય ત્યાં ઘૂંટણની તકલીફો વિશે અને એનાં નિદાન વિશે લોકોમાં અવેરનેસ આવે એ માટેનાં કાર્યો કરતો હોઉં છું. શીલાબેને આ નોલેજ અને અવેરનેસની વાતોને પણ આ પુસ્તકમાં સમાવી લીધા છે. હું શીલાબેનનો વિશેષ આભાર માનું છું અને વડીલોને શીલાબેન લિખિત આ પુસ્તક વાંચવા અપીલ કરું છું.

Most Popular

To Top