SURAT

કેન્સરના દર્દીનો કેમોથેરાપીનો ક્લેઈમ નકારનાર વીમા કંપનીને સુરતની ગ્રાહક કોર્ટે સબક શીખવાડ્યો

સુરત (Surat): કેન્સરના (Cancer) દર્દીએ (Patient) કરાવેલા અલગ-અલગ ટેસ્ટ અને કેમોથેરાપીની (ChemoTherapy) સારવારના ખર્ચનો ક્લેઈમ (Claim) વીમા કંપનીએ (Insurance Company) એવું કહીને નામંજૂર કર્યો હતો કે દર્દીએ હોસ્પિટલાઈઝેશન થવું જરૂરી ન હતું. ત્યાર બાદ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણમાં (SuratDistrictConsumerCourt) ફરિયાદ કરાતાં ગ્રાહક કમિશને વીમા કંપની પક્ષે સેવામાં ખામી રહી છે એવું કહી ક્લેઈમની રકમ 4,49,124 રૂપિયા ચૂકવવા હુકમ કર્યો હતો.

  • વીમા કંપનીએ ક્લેઈમ નકારીને કહ્યું કે, ‘ફરિયાદી હોસ્પિટલમાં નિદાન માટે ગયા હતા તો તેમને દાખલ થવાની જરૂરત ન હતી’
  • દર્દીને રૂ.4,49 લાખ ચૂકવવા સુરતની ગ્રાહક કોર્ટે વીમા કંપનીને હુકમ કર્યો

કેસની વિગત એવી છે કે, ફરિયાદી બીપીનભાઈ શાહે નેશનલ ઇન્સ્યુરન્સ કંપની (NationalInsuranceCompany) પાસેથી 5 લાખ રૂપિયાનો મેડિક્લેઈમ લીધો હતો. વીમો ચાલુ હતો, એ દરમિયાન જૂન-2018માં તેમની તબિયત ખરાબ થતાં હોસ્પિટલમાં બતાવતાં ફેફસાંનું એક પ્રકારનું કેન્સર હોવાની ખબર પડી હતી.

ડોક્ટરે તેમને ઇનડોર પેશન્ટ તરીકે દાખલ કર્યા અને કેમોથેરાપી કરવામાં આવી હતી. રિપોર્ટ, કેમોથેરાપી અને દવા મળી કુલ 4,49,124 રૂપિયાનો ખર્ચ થયો હતો. ફરિયાદીએ વીમા કંપનીમાં આ ખર્ચ માટે ક્લેઈમ કર્યો હતો. વીમા કંપનીએ ઇ-મેઈલ દ્વારા ફરિયાદીનો ક્લેઈમ નામંજૂર કર્યો હતો.

વીમા કંપનીએ ફરિયાદીને જણાવ્યું હતું કે, ફરિયાદી હોસ્પિટલમાં માત્ર નિદાનના હેતુ માટે દાખલ થયા હતા. વીમા પોલિસીની શરતો મુજબ માત્ર નિદાનના હેતુ માટે વીમેદાર હોસ્પિટલમાં દાખલ થયો હોય તો હોસ્પિટલાઈઝેશનની જરૂર નથી. માટે વીમા કંપની ક્લેઈમ ચૂકવવા જવાબદાર નથી.

આથી ફરિયાદીએ એડ્વોકેટ શ્રેયસ દેસાઈ અને પ્રાચી દેસાઈ મારફત સુરત જિલ્લા ગ્રાહક કમિશનમાં ઇન્સ્યુરન્સ કંપની વિરુદ્ધ ફરિયાદ કરી હતી. સુનાવણી પેન્ડિંગ હતી, એ દરમિયાન ફરિયાદીનું અવસાન થયું હતું. ત્યાર બાદ તેમની પત્ની કલ્પનાબેન અને તેમની ત્રણ દીકરી કાનૂની વારસો તરીકે ફરિયાદી તરીકે જોડાયાં હતાં.

ફરિયાદીના એડ્વોકેટ શ્રેયસ દેસાઈ અને પ્રાચી દેસાઈની દલીલો ગ્રાહ્ય રાખી ગ્રાહક કમિશને વીમા કંપનીને ફરિયાદીનાં વારસદારોને ક્લેઈમની રકમ 4,49,124 રૂપિયા ફરિયાદની તારીખથી વાર્ષિક 9 ટકા લેખે અને અન્ય ખર્ચ પેટે 10 હજાર રૂપિયા ચૂકવવા હુકમ કર્યો હતો.

Most Popular

To Top