Dakshin Gujarat

એટીએમ મશીનમાં કાર્ડ ફસાવી રૂપિયા ઉપાડી લેતી ગેંગ ઝડપાઈ

નવસારી : એટીએમ મશીનમાં એટીએમ કાર્ડ ફસાવી રૂપિયા ઉપાડી લેતી ગેંગના 5 સભ્યોને પલસાણા પોલીસ ઝડપી પાડી નવસારી સહીત 4 જિલ્લાઓમાં થયેલી 6 ચોરીના ભેદ ઉકેલી કાઢ્યા હતા. ત્યારબાદ આ આરોપીઓનો કબ્જો નવસારી ટાઉન પોલીસે લેતા તેમને કોર્ટમાં રજુ કર્યા હતા. જેથી કોર્ટે આરોપીઓને જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો.

મળતી માહિતી મુજબ, સુરત પલસાણા પોલીસને બાતમી મળી હતી કે, રાજ્યના જિલ્લાઓમાં એ.ટી.એમ. કાર્ડથી ફ્રોડ કરતી ગેંગના માણસો પલસાણાના સાંકી ગામના સુદર્શન સોસાયટીના મકાન નં. 213 માં રોકાયેલા છે. જે બાતમીના આધારે તપાસ કરતા 4 યુવાન અને એક મહિલા મળી આવી હતી. જેઓની પાસેથી શંકાસ્પદ એ.ટી.એમ. કાર્ડ, મોબાઈલ, સીમકાર્ડ તથા રોકડા રૂપિયા મળી આવ્યા હતા. જેથી પોલીસે પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે, જે એ.ટી.એમ. મશીન ઉપર સિક્યુરીટી ગાર્ડ ન હોય તેવા એ.ટી.એમ. ઉપર રૂપિયા ઉપાડવા આવતા ઇસમોને વિશ્વાસમાં લઈ એ.ટી.એમ.નો પીન મેળવી રૂપિયા ઉપાડી લેતા હતા. જે બાબતે જિલ્લાઓમાં તપાસ કરતા ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ 6 ગુનાઓ નોંધાયા છે.
ઝડપાયેલા આરોપીઓએ નવસારીમાં રેલ્વે સ્ટેશન પાસે પગાર ઉપાડવા ગયેલા યુવાનનો એ.ટી.એમ. મશીનમાં ફસાવી દીધા બાદ યુવાન એ.ટી.એમ. મૂકી ત્યાંથી જતો રહ્યો હતો. જેથી આ આરોપીઓએ તેમના એ.ટી.એમ. માંથી ૩૫ હજાર રૂપિયા ઉપાડી લીધા હતા. આ બાબતે નવસારી ટાઉન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. જેથી નવસારી ટાઉન પોલીસે પલસાણા પોલીસ પાસેથી આ તમામ આરોપીઓનો કબ્જો લઈ કોર્ટમાં રજુ કર્યા હતા. જ્યાં કોર્ટે આરોપીઓને જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો.

પકડાયેલા આરોપીઓ
(1) ઝારખંડ અને હાલમાં પલસાણાના સાંકી ગામે સુદર્શન સોસાયટીમાં રહેતા શિવશંકર રામુપ્રસાદ પ્રસાદ (2) બિહાર અને હાલ સાંકી ગામે રહેતો સુભાષ સુદર્શનસિંગ ભુમીહાર (3) બિહાર અને હાલ સાંકી ગામે રહેતો ભરતભાઈ ઉમેશપ્રસાદ ભુમીહાર (4) એમ.પી. અને હાલ તુંડી ગામે દ્વારકેશ રેસીડન્સીમાં રહેતા અરુણ પંચોરી અને (5) એક મહિલા

પોલીસે કબ્જે કરેલો મુદ્દામાલ
રોકડા 2,60,600 લાખ રૂપિયા, 21 હજારના 7 મોબાઈલ, 6 એ.ટી.એમ. કાર્ડ અને 8 સીમકાર્ડ મળી કુલ્લે 2,81,600 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આરોપીઓની મોડસ ઓપરેન્ડી
આરોપીઓ સિક્યુરીટી ગાર્ડ હાજર ન હોય તેવા એ.ટી.એમ.ને ટાર્ગેટ બનાવી એ.ટી.એમ. રૂમમાં પ્રવેશી એ.ટી.એમ. મશીનના કાર્ડ સ્ક્રેચ કરવાની જગ્યા ઉપર ફેવીસ્ટિક લગાવી તેમજ એ.ટી.એમ. મશીન ઉપર સિક્યુરીટી ગાર્ડ મોબાઈલ નંબર લખેલું પાટિયું એ.ટી.એમ. ઉપર મૂકી બહાર નીકળી જતા. તે દરમિયાન કોઈ મશીનમાં રૂપિયા ઉપાડવા માટે આવે ત્યારે તેઓનું એ.ટી.એમ. કાર્ડ એ.ટી.એમ. મશીનમાં ચોંટી જઈ ફસાઈ જતા આરોપીઓ પૈકીની મહિલા તેઓને મદદ કરવાના બહાને સિક્યુરીટી ગાર્ડ નંબર ઉપર ફોન કરવાનું જણાવતી હતી. જે ફોન તેમની સાથેના સહ આરોપીઓ ફોનમાં વાત કરી ભોગ બનનાર વ્યક્તિને વિશ્વાસમાં લઈ તેઓનો એ.ટી.એમ. પીન દાખલ કરવા જણાવી એ.ટી.એમ.માં મદદ કરવાના બહાને હાજર મહિલા તે એ.ટી.એમ. પીન નંબર જોઈ લેતી. ત્યારે ફોનમાં વાત કરતો વ્યક્તિ ભોગ બનનારને નજીકની બેંકની શાખા ઉપર જવા જણાવતા હતા. તે દરમિયાન ફસાયેલા એ.ટી.એમ. કાર્ડ બહાર કાઢી લઈ તે કાર્ડનો ફરીથી ઉપયોગ કરી તેઓના એકાઉન્ટમાં રહેલા રૂપિયા ઉપાડી લઈ છેતરપિંડી વિશ્વાસઘાત કરવાની એમ.ઓ. ધરાવે છે.

આરોપીઓએ અન્ય જગ્યાએ કરેલા ગુનાઓની કબુલાત
આરોપીઓએ વરાછા નાકા પાસે સુરત ડીસ્ટ્રીકટ બેંકના એ.ટી.એમ.માંથી એ.ટી.એમ. પીન મેળવી 12 હજાર રૂપિયા ઉપાડ્યા હતા. જીવરાજ ચા સર્કલ પાસેની આઈ.ડી.એફ.સી. બેંકના એ.ટી.એમ.માંથી 3500 રૂપિયા ઉપાડ્યા હતા. છાપરાભાઠા પાસે આવેલા એ.ટી.એમ.માંથી 1 હજાર રૂપિયા ઉપાડ્યા હતા. વાડીનાથ ચોકના એસ.બી.આઈ. બેંકના એ.ટી.એમ.માંથી 4500 રૂપિયા ઉપાડ્યા હતા. સુરતના પૂણા ગામે વિસ્તારમાં આઈ માતા ચોક પાસે આવેલા એચ.ડી.એફ.સી. બેંકના એ.ટી.એમ. માંથી 10,500 રૂપિયા ઉપાડ્યા હતા. 6 દિવસ પહેલા ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં બેંક ઓફ બરોડા બેંકના એટીએમમાંથી 4 હજાર રૂપિયા ઉપાડ્યા હતા. આ સિવાય દસેક જગ્યાએથી એટીએમ પીન મેળવી રૂપિયા ઉપાડવાનો પ્રયત્નો કર્યા હતા.

આરોપી સુભાષ ભુમીહારનો ઈતિહાસ ગુનાહિત
મૂળ બિહારના ગયા જિલ્લાના રજુંદા ગામે અને હાલ સુરત પલસાણા તાલુકાના સાંકી ગામે સુદર્શન સોસાયટીમાં રહેતા સુભાષ સુદર્શનસિંગ ભુમિહાર વિરુદ્ધ દિલ્હીના દ્વારકા જિલ્લાના બિન્દાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

Most Popular

To Top