Charchapatra

અખંડ ભારત એક દિવાસ્વપ્ન

આર. એસ. એસ. પ્રમુખ મોહન ભાગવતે ફરી એક વખત “અખંડ ભારત”નો સૂર આલાપ્યો છે.. એમણે કહ્યું કે; નેપાળ, શ્રીલંકા, મ્યાનમાર, ભૂતાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન ઇત્યાદિ દેશો એક વખતે ભારતના જ ભૂખંડ હતાં અને હવે આવનારાં 15 વર્ષમાં આ બધા દેશો ભારતમાં ભળી જશે એવી દિવાસ્વપ્ન જેવી વાતો (કહેતા ભી દિવાના સુનતા ભી દિવાના.) જેવી વાત કરી. સરકારનો વિરોધ કરનારાઓને દેશદ્રોહીમાં ખપાવનાર અને એમને પાકિસ્તાન જતાં રહો એવું કહેનારા હોય તો પછી, પાકિસ્તાન 15 વર્ષ પછી ભારતમાં ભળી જશે એવું કહેનારા પણ હોય જ ને. છેલ્લાં આઠ એક વર્ષમાં મુસ્લિમો વિરુદ્ધ જે ઝેર ઘોળવામાં આવી રહ્યું છે અને જે નફરતનું વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે તે જોતાં મોહન ભાગવત સાહેબને પ્રશ્ન પૂછવાનું મન થાય કે, પાકિસ્તાન અને બાંગ્લા દેશના મુસ્લિમો પણ 15 વર્ષ પછી ભારતમાં ભળી જાય તો તમે એ અખંડ ભારત દેશને કઈ રીતે “મેનેજ” કરી શકશો?

આમ તો ચીનને લાલ આંખ બતાવવાની વાત થઈ હતી. ચીને અરુણાચલમાં ગામડાંઓ ઊભાં કરી દીધાં છતાંય લાલ આંખ બતાવવાની વાત તો દૂર રહી, પણ ચીન સામે આંખ પણ ઊંચી નથી કરી શકાતી. પહેલાં ચીનનો અરુણાચલ પ્રદેશ પર ફરી રહેલા ડોળાને નાથવાની કોશિશ તો કરો, પછી અખંડ ભારતની ડંફાસો મારજો. મૂળે તો દેશ આઝાદ થયો એ પહેલાં દેશ 564 જેટલાં રજવાડાંઓમાં ખંડિત હતો. ૧૯૧૫ માં દક્ષિણ આફ્રિકાથી ગાંધીજી ભારત આવ્યા પછી તેમણે પહેલું કામ દેશને એકત્રિત કરવાનું કર્યું, ત્યાર બાદ દેશની આઝાદી માટે સમગ્ર દેશ એકજૂટ થઈ શક્યો હોય તો તેનું શ્રેય ગાંધીજીને જ જાય. ૫૬૪ રજવાડાંઓમાંથી બે ત્રણ રજવાડાંઓને બાદ કરતાં બધાં જ રજવાડાંઓ સરળતાથી ભારતમાં જોડાઈ ગયાં એનું  શ્રેય પણ ગાંધીજીને જ જાય છે.

આડા ફાટેલા હૈદરાબાદ, જુનાગઢ, ભોપાલ અને ઇન્દોર જેવાં રજવાડાંઓને દેશમાં ભેળવવામાં સરદાર વલ્લભભાઈ પટેલની કુનેહ અને દીર્ઘદૃષ્ટિને કારણે એ કામ સરળ બન્યું. અત્યારે જે દેશનો નકશો છે એ કંડારવાનું કામ ગાંધીજીએ કર્યું અને એ કંડારાયેલા નકશા પર મહોર મારવાનું કામ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું. કાશ્મીરમાંથી 370 ની કલમ હટયા પહેલાં અને હટયા પછી પરિસ્થિતિમાં બહુ ઝાઝો ફરક પડયો નથી. આજે ય કાશ્મીરનું સંચાલન બંદૂકને નાળચે જ થઈ રહ્યું છે. વિસર્જન કરવું સહેલું છે, પરંતુ સર્જન કરવું દુષ્કર છે.
સુરત     – પ્રેમ સુમેસરા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top