Gujarat Main

ટાયર નીકળી જતા બ્રિજની વચ્ચોવચ્ચ કન્ટેનર આડું પડ્યું, હાઈવે પર બંને તરફ 10 કિ.મી. લાંબો ટ્રાફિક જામ થયો

અમદાવાદ: વરસતા વરસાદ વચ્ચે અકસ્માતના (Accident) બનાવ વધ્યા છે ત્યારે આજે શુક્રવારે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે નં. 8 (NH8) પર બામણગામ નજીક બ્રિજ (Bridge) પર એક કન્ટેનર પલ્ટી મારી જતા 10 કિ.મી. લાંબો ટ્રાફિક (Traffic) જામ સર્જાયો હતો. વડોદરાથી કરજણ વચ્ચેનો રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. વાહનચાલકો હાઈવે પર ફસાઈ ગયા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર એક કન્ટેનર અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક ટાયર નીકળી ગયું હતું. જેના લીધે કન્ટેનર પલટી મારી ગયું હતું. આ ઘટના બામણગામ નજીકના બ્રિજ પર બની હતી. કન્ટેનરના ટાયરો હાઈવે પર પડ્યા હતા, જ્યારે બ્રિજ પર કન્ટેનર આડું પડ્યું હતું, જેના લીધે વરસાડાથી લઈ બામણગામ સુધીનો રસ્તો બંધ થઈ ગયો હતો અને ટ્રાફિક જામની સ્થિતિ ઉદ્દભવી હતી.

બ્રિજની વચ્ચોવચ્ચ કન્ટેનર આડું પડ્યં હોવાના લીધે આખોય બ્રિજ બ્લોક થઈ ગયો હતો. વાહન તો ઠીક માણસો પણ ચાલતા જઈ શકે તેટલી જગ્યા રહી નહોતી. તંત્રને હાઈવે બ્લોક કરવાની ફરજ પડી હતી. બંને તરફ 10 કિ.મી. લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો.

નોંધનીય છે કે છેલ્લાં કેટલાંક દિવસોથી પડી રહેલાં મૂશળધાર વરસાદના લીધે ઠેર ઠેર પાણી ભરાવાના અને રસ્તા તૂટી જવાના બનાવ બન્યા છે, જેના લીધે અકસ્માતોનું પ્રમાણ પણ વધ્યું છે. બામણગામ પાસે પણ રસ્તા તૂટી જવાના લીધે અવારનવાર ટ્રાફિક જામ થતો રહે છે ત્યારે આજે બ્રિજ પર વચ્ચોવચ્ચ મસમોટું કન્ટેનર આડું પડતા બંને તરફ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.

તંત્ર દ્વારા આ કન્ટેનરને ખસેડી લેવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, પરંતુ બંને તરફ 10 કિ.મી. સુધી વાહનોની કતાર લાગેલી હોય ચાલવાની પણ જગ્યા નહીં હોવાના લીધે તંત્રને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો.

Most Popular

To Top