National

ગાંધી શાંતિ પુરસ્કાર એ ગીતા પ્રેસના 100 વર્ષના વારસાનું સમ્માન છે- PM મોદી

ગોરખપુર: (Gorakhpur) વડાપ્રધાન મોદીએ (PM Modi) શુક્રવારે ગોરખપુરના ગીતા પ્રેસના (Geeta Press) શતાબ્દી વર્ષની ઉજવણીના સમાપન સમારોહમાં હાજરી આપી હતી. આ અવસરે પીએમ મોદીએ કહ્યું કે ગીતા પ્રેસ વિશ્વનું એકમાત્ર પ્રિન્ટિંગ પ્રેસ છે જે સંસ્થા નથી, જીવન આસ્થા છે. ગીતાપ્રેસ કોઈ મંદિરથી ઓછું નથી. આ અવસરે મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે આ વિરાસત દરેક ઘરની ઓળખ છે. અત્યાર સુધી અહીં કોઈ વડાપ્રધાન આવ્યા નથી. ગીતા પ્રેસના કાર્યક્રમ બાદ તેઓ ગોરખપુર રેલ્વે સ્ટેશન (Railway Station) ગયા હતા જ્યાં તેમણે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી દેખાડી શરૂઆત કરાવી હતી. વડાપ્રધાન લગભગ 2.10 વાગ્યે ગોરખપુરના એરપોર્ટ પર પહોંચ્યા હતા. રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું હતું.

ગીતાપ્રેસ ગોરખપુરના શતાબ્દી કાર્યક્રમમાં બોલતા પીએમ મોદીએ કહ્યું કે તેમની આ વખતે ગોરખપુરની મુલાકાત વિકાસની સાથે સાથે વિરાસતની નીતિનું અદ્ભુત ઉદાહરણ છે. પીએમ મોદીએ પોતાના સંબોધનની શરૂઆત શ્રી હરિથી કરી હતી. ગીતા પ્રેસની આ ઓફિસ કરોડો લોકોનું મંદિર છે. પીએમ મોદીએ કહ્યું કે ગીતા પ્રેસ વિશ્વનું એકમાત્ર પ્રિન્ટિંગ પ્રેસ છે. જે સંસ્થા નથી, જીવન આસ્થા છે. ગીતાપ્રેસ કોઈ મંદિરથી ઓછું નથી. તેમના નામની સાથે સાથે તેમના કામમાં પણ ગીતા છે. ગીતામાં કૃષ્ણ છે. ગીતા પ્રેસના ધાર્મિક પુસ્તકો લોકોને માર્ગદર્શન આપી રહ્યા છે. અમારી સરકારે ગીતા પ્રેસને ગાંધી શાંતિ પુરસ્કાર આપ્યો છે. આ સન્માન ગીતા પ્રેસના 100 વર્ષના વારસાનું સમ્માન તેમણે કહ્યું કે ગીતાપ્રેસ સાથે ગાંધીજીનો ખૂબ નજીકનો સંબંધ છે. તેમણે કહ્યું કે ગીતાપ્રેસને ગાંધી શાંતિ સન્માન મળવું એ તેના વારસા માટે સન્માનની વાત છે.

ગીતા પ્રેસમાં સંબોધન દરમ્યાન પીએમ મોદીએ કહ્યું કે ગીતા પ્રેસના આ કાર્યક્રમ પછી હું ગોરખપુર રેલ્વે સ્ટેશન જઈશ. ગોરખપુર રેલવે સ્ટેશનના આધુનિકીકરણનું કામ પણ આજથી જ શરૂ થવા જઈ રહ્યું છે. આ વખતે મારી ગોરખપુરની મુલાકાત વિકાસનું ઉદાહરણ છે. જ્યારે મેં ગોરખપુર સ્ટેશનનો ફોટો સોશિયલ મીડિયા પર મૂક્યો તો લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. ગીતા પ્રેસના કાર્યક્રમ બાદ પીએમ મોદી ગોરખપુર રેલ્વે સ્ટેશન પહોંચ્યા હતા. ત્યાં પહોંચી તેમણે જંકશનનો મોડલ જોયો હતો. આ પછી તેમણે વંદે ભારતમાં બાળકો સાથે વાતચીત કરી હતી.

ગીતા પ્રેસના કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું કે ગીતા પ્રેસ ભારતને જોડે છે. દેશભરમાં તેની 20 શાખાઓ છે. ગીતા પ્રેસનો સ્ટોલ દેશભરના દરેક રેલવે સ્ટેશન પર જોવા મળે છે. ગીતા પ્રેસ 1 ભારત, શ્રેષ્ઠ ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. જ્યારે દેશ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે ત્યારે ગીતા પ્રેસએ 100 વર્ષની યાત્રા પૂર્ણ કરી છે.

Most Popular

To Top