ભારતના અર્થતંત્ર માટે જાપાનથી મોટી ખુશખબર આવી છે. જાપાનની ક્રેડિટ રેટિંગ એજન્સી જાપાન ક્રેડિટ રેટિંગ એજન્સી (JCR)એ ભારતની લાંબા ગાળાની વિદેશી ચલણ અને સ્થાનિક ચલણની સોવરિન ક્રેડિટ રેટિંગને એક પાયરી વધારીને ‘BBB+’થી ‘A-’ કરી છે. સાથે જ રેટિંગનો અભિગમ ‘સ્થિર’ રાખવામાં આવ્યો છે. JCRએ ભારતનું કન્ટ્રી સીલિંગ પણ એક પાયરી વધારીને ‘A’ કર્યું છે. આ નિર્ણયને ભારત માટે ખાસ મહત્વનો માનવામાં આવી રહ્યો છે, કારણ કે 35 વર્ષથી વધુ સમય બાદ દેશને ફરી ‘A’ શ્રેણીની રેટિંગ મળી છે. અગાઉ 1988માં મૂડીઝે ભારતને ‘A2’ રેટિંગ આપ્યું હતું. ત્યારબાદ 1990-91ના ચુકવણી સંતુલન સંકટ દરમિયાન ભારતની રેટિંગ નીચે આવી હતી.
જાપાનની એજન્સીએ કયા કારણોસર રેટિંગ વધારી
JCRના જણાવ્યા પ્રમાણે ભારતની અર્થવ્યવસ્થા છેલ્લા કેટલાક સમયથી આશરે 7%ના ઊંચા દરે વધી રહી છે. આ વૃદ્ધિ પાછળ મુખ્યત્વે દેશની મજબૂત સ્થાનિક માંગ, ખાનગી વપરાશ અને સરકારી રોકાણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. એજન્સીએ સરકારની એવી નીતિઓની પણ નોંધ લીધી છે, જે અર્થતંત્રની ઉત્પાદકતા અને લાંબા ગાળાના વિકાસને મજબૂત કરી રહી છે.
તેમાં ખાસ કરીને:
- ડિજિટલ જાહેર માળખાનો વિકાસ
- વસ્તુ અને સેવા કર એટલે કે GSTનો અમલ
- ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સરકારી મૂડી ખર્ચ
- નાણાકીય વ્યવસ્થામાં સુધારા
- બેન્કિંગ ક્ષેત્રની મજબૂત બનેલી સ્થિતિ
નો સમાવેશ થાય છે.
FY2026માં 7.7%ની આર્થિક વૃદ્ધિ
JCRએ નોંધ્યું છે કે નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન ભારતની વાસ્તવિક આર્થિક વૃદ્ધિ 7.7% રહી હતી. મજબૂત ખાનગી વપરાશ અને સરકારી રોકાણને કારણે વૃદ્ધિને ટેકો મળ્યો હતો. એજન્સીને નાણાકીય વર્ષ 2026-27માં પણ ભારતનો વિકાસ દર 6%થી ઉપર રહેવાની અપેક્ષા છે. એટલે વૈશ્વિક સ્તરે પડકારો હોવા છતાં ભારતીય અર્થતંત્રની ગતિ મજબૂત રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
સરકારની નાણાકીય સ્થિતિમાં પણ સુધારો
ભારતના રાજકોષીય ખાધમાં પણ ઘટાડો નોંધાયો છે. JCRના મૂલ્યાંકન પ્રમાણે કેન્દ્ર સરકારની રાજકોષીય ખાધ નાણાકીય વર્ષ 2024-25માં GDPના 4.7%થી ઘટીને નાણાકીય વર્ષ 2025-26માં 4.4% થઈ છે. આ દરમિયાન સરકારનો મૂડી ખર્ચ ઊંચો રહ્યો છે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં રોકાણને પ્રાથમિકતા આપવામાં આવી છે. JCRએ સરકારી ખર્ચની ગુણવત્તામાં આવેલા આ સુધારાને પણ રેટિંગ વધારવાના મહત્વના કારણોમાં સામેલ કર્યો છે.
બેન્કિંગ ક્ષેત્રની સ્થિતિ પણ બની મજબૂત
ભારતની નાણાકીય વ્યવસ્થામાં આવેલા સુધારાને પણ JCRએ મહત્વ આપ્યું છે. બેન્કિંગ ક્ષેત્રની સંપત્તિની ગુણવત્તામાં સુધારો થયો છે અને બેડ લોન એટલે કે બિન-કાર્યરત લોનનો ગુણોત્તર ઘટ્યો છે. નાદારી અને દેવાળિયાપણું સંહિતા, સરકાર દ્વારા મૂડી સહાય અને ભારતીય રિઝર્વ બેન્કની વધુ મજબૂત દેખરેખથી બેન્કિંગ વ્યવસ્થાની સ્થિતિ સુધરી હોવાનું એજન્સીએ નોંધ્યું છે. બેન્કોની મૂડી પૂરતી અને નફાકારકતા પણ મજબૂત રહી છે. બિન-બેન્કિંગ નાણાકીય ક્ષેત્રમાં પણ સંપત્તિની ગુણવત્તા અને મૂડી પૂરતી સ્થિતિમાં સુધારો થયો છે.
‘A-’ રેટિંગનો અર્થ શું થાય
ક્રેડિટ રેટિંગ દેશની નાણાકીય જવાબદારીઓ ચૂકવવાની ક્ષમતા અને જોખમનું આંતરરાષ્ટ્રીય મૂલ્યાંકન છે. રેટિંગ જેટલી સારી હોય, સામાન્ય રીતે રોકાણકારોને તે દેશની નાણાકીય સ્થિતિમાં એટલો વધુ વિશ્વાસ જોવા મળે છે. ‘A-’ રેટિંગ ભારતની અગાઉની ‘BBB+’ સ્થિતિ કરતાં એક સ્તર ઉપર છે. સાથે ‘સ્થિર’ અભિગમ રાખવામાં આવ્યો હોવાથી હાલના મૂલ્યાંકન મુજબ આગામી સમયગાળામાં રેટિંગમાં તાત્કાલિક ઘટાડા કે વધારાની દિશામાં કોઈ સ્પષ્ટ દબાણ દર્શાવવામાં આવ્યું નથી.
નાણાં મંત્રાલયે પણ નિર્ણયને આવકાર્યો
કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલયે JCRના નિર્ણયનું સ્વાગત કર્યું છે. મંત્રાલયે કહ્યું કે આ અપગ્રેડ ભારતની મજબૂત અને સ્થિર આર્થિક વૃદ્ધિ, નાણાકીય વ્યવસ્થામાં સુધારો, સરકારી નાણાંની ગુણવત્તામાં વધારો અને મજબૂત બાહ્ય સ્થિતિને દર્શાવે છે. આ અપગ્રેડ એવા સમયે આવ્યો છે જ્યારે અગાઉ પણ કેટલીક મોટી આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સીઓએ ભારતના રેટિંગમાં સુધારા કર્યા છે. 2025માં મૂડીઝ ડીબીઆરએસ, એસએન્ડપી અને જાપાનની રેટિંગ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ ઈન્ફોર્મેશન એટલે કે R&I તરફથી ભારત માટે સકારાત્મક રેટિંગ ફેરફારો થયા હતા. R&Iએ સપ્ટેમ્બર 2025માં ભારતનું રેટિંગ ‘BBB’થી વધારીને ‘BBB+’ કર્યું હતું.
હવે નજર આગળના રેટિંગ પર
JCRના આ નિર્ણયથી ભારતની આંતરરાષ્ટ્રીય નાણાકીય છબી વધુ મજબૂત થવાની શક્યતા છે. જોકે રેટિંગ એજન્સીએ કેટલાક પડકારો તરફ પણ ધ્યાન દોર્યું છે, જેમાં રાજકોષીય વ્યવસ્થાપન અને કેન્દ્ર તથા રાજ્યો વચ્ચેની નાણાકીય વ્યવસ્થાની જટિલતા સામેલ છે.
તેથી આ અપગ્રેડ ભારતના અર્થતંત્ર માટે મોટો સકારાત્મક સંકેત છે, પરંતુ આગળ પણ મજબૂત વૃદ્ધિ સાથે નાણાકીય શિસ્ત જાળવવી મહત્વપૂર્ણ રહેશે.