બાંકીપુર પેટાચૂંટણી પહેલા મહાગઠબંધનમાં મતભેદ, કોંગ્રેસ અને RJD આમને-સામને
બિહારની બાંકીપુર વિધાનસભા પેટાચૂંટણી પહેલાં રાજ્યની રાજનીતિમાં નવા સમીકરણો સર્જાયા છે. જન સુરાજ પાર્ટીના સ્થાપક અને જાણીતા રાજકીય વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે બાંકીપુર બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરતાં સમગ્ર રાજકીય માહોલ ગરમાયો છે. આ નિર્ણય માત્ર ભાજપ માટે જ નહીં પરંતુ વિપક્ષી મહાગઠબંધન માટે પણ પડકારરૂપ બન્યો છે. સૌથી વધુ ચર્ચાનો વિષય એ છે કે પ્રશાંત કિશોરની ઉમેદવારી બાદ કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ (RJD) વચ્ચે ખુલ્લા મતભેદ સામે આવ્યા છે.
પ્રશાંત કિશોર અત્યાર સુધી દેશના અનેક રાજ્યોમાં સફળ ચૂંટણી વ્યૂહરચનાકાર તરીકે ઓળખાતા રહ્યા છે. અનેક રાજકીય પક્ષોને ચૂંટણી જીતાડનાર પ્રશાંત કિશોર હવે પ્રથમ વખત પોતે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. જન સુરાજ પાર્ટી માટે પણ આ ચૂંટણી પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઈ છે, કારણ કે આ જ ચૂંટણીથી પાર્ટીની વાસ્તવિક રાજકીય તાકાતનું મૂલ્યાંકન થશે.
ભાજપના ગઢમાં સીધી ટક્કર
બાંકીપુર વિધાનસભા બેઠક લાંબા સમયથી ભાજપનો મજબૂત ગઢ માનવામાં આવે છે. આ બેઠક પરથી ભાજપે સતત જીત નોંધાવી છે અને અહીં પાર્ટીનું સંગઠન પણ ખૂબ મજબૂત છે. તાજેતરમાં બેઠક ખાલી થતાં ચૂંટણી પંચે પેટાચૂંટણી જાહેર કરી છે. આવી સ્થિતિમાં પ્રશાંત કિશોરે આ બેઠક પસંદ કરીને સીધો ભાજપને પડકાર ફેંક્યો છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ નિર્ણય માત્ર ચૂંટણી લડવાનો નથી પરંતુ બિહારમાં પોતાની રાજકીય ઓળખ મજબૂત કરવાનો પ્રયાસ પણ છે.
કોંગ્રેસે આપ્યો પ્રશાંત કિશોરને સમર્થનનો સંકેત
પ્રશાંત કિશોરની ઉમેદવારી જાહેર થયા બાદ કોંગ્રેસના કેટલાક નેતાઓએ અલગ જ વલણ અપનાવ્યું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓનું કહેવું છે કે જો ભાજપને હરાવવી હોય તો સમગ્ર વિપક્ષે એક જ ઉમેદવાર પાછળ એકત્ર થવું જોઈએ.તેમના મત મુજબ પ્રશાંત કિશોર વિપક્ષના સંયુક્ત ઉમેદવાર બની શકે છે.મહત્વ નું છે કે કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે જો પ્રશાંત કિશોર મહાગઠબંધનના નેતાઓ સાથે ચર્ચા કરે તો તેમને સમર્થન આપવાની સંભાવના નકારી શકાય નહીં. કોંગ્રેસનું માનવું છે કે વિરોધી મતોનું વિભાજન થશે તો તેનો સીધો લાભ ભાજપને મળશે.
RJDએ સ્પષ્ટ કહી દીધું – ઉમેદવાર અમે જ ઉતારશું
કોંગ્રેસના નિવેદન બાદ RJDએ તરત જ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. પાર્ટીના પ્રવક્તાઓએ જણાવ્યું કે બાંકીપુર બેઠક પર RJD પોતાનો ઉમેદવાર ઉતારશે અને કોઈ અન્ય પક્ષના ઉમેદવારને સમર્થન આપવાનો પ્રશ્ન જ ઉભો થતો નથી. RJDનું કહેવું છે કે છેલ્લા ચૂંટણીમાં પાર્ટીને અહીં નોંધપાત્ર મત મળ્યા હતા અને મહાગઠબંધનમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉમેદવાર નક્કી કરવાનો અધિકાર પણ RJDનો છે.પાર્ટીના નેતાઓએ કોંગ્રેસના વ્યક્તિગત અભિપ્રાયને સત્તાવાર વલણ ગણવાનો ઇનકાર કર્યો છે અને જણાવ્યું છે કે કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વનું જ નિવેદન અંતિમ ગણાશે.
મહાગઠબંધનમાં મતભેદ ખુલ્લેઆમ સામે
બાંકીપુર પેટાચૂંટણી પહેલાં કોંગ્રેસ અને RJD વચ્ચે જોવા મળેલા જુદા-જુદા અભિપ્રાયોએ મહાગઠબંધનની એકતા અંગે સવાલો ઉભા કર્યા છે. અત્યાર સુધી ભાજપ સામે એકજૂટ લડવાની વાત કરનાર વિપક્ષ હવે ઉમેદવારી મુદ્દે વિખૂટો પડતો દેખાઈ રહ્યો છે.રાજકીય નિરીક્ષકોનું કહેવું છે કે જો મહાગઠબંધન એક ઉમેદવાર નક્કી કરવામાં નિષ્ફળ જશે તો વિરોધી મતોનું વિભાજન થશે અને તેનો સૌથી મોટો લાભ ભાજપને મળી શકે છે. આ મુદ્દો હવે બિહારની રાજનીતિમાં ચર્ચાનો કેન્દ્ર બન્યો છે.
પ્રશાંત કિશોર માટે પણ અગ્નિપરીક્ષા
પ્રશાંત કિશોર માટે આ ચૂંટણી અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. અત્યાર સુધી તેઓ ચૂંટણી વ્યૂહરચના ઘડતા રહ્યા હતા, પરંતુ હવે પ્રથમ વખત મતદારોનો સીધો સામનો કરશે. જીત મળે તો જન સુરાજ પાર્ટીને બિહારમાં મજબૂત રાજકીય વિકલ્પ તરીકે સ્થાપિત થવાની તક મળશે,પરાજય પાર્ટીના ભવિષ્ય માટે પડકારરૂપ બની શકે છે. વિશ્લેષકો માને છે કે પ્રશાંત કિશોરે ભાજપના સૌથી મજબૂત ગઢમાં ઉમેદવારી જાહેર કરીને રાજકીય આત્મવિશ્વાસ દર્શાવ્યો છે. હવે જોવાનું રહેશે કે મતદારો તેમની રાજકીય વિચારધારાને કેટલો સ્વીકાર આપે છે.
ત્રિકોણીય જંગની શક્યતા
હાલના રાજકીય સંજોગો જોતા બાંકીપુરમાં ભાજપ, જન સુરાજ અને RJD વચ્ચે ત્રિકોણીય ચૂંટણી થવાની પૂરી શક્યતા છે. કોંગ્રેસ જો અલગ ઉમેદવાર ન ઉતારે અથવા પ્રશાંત કિશોરને સમર્થન આપે તો પણ મહત્વ નું છે કે RJDના વલણને કારણે મહાગઠબંધનની એકતા મુશ્કેલ બની શકે છે.ત્રિકોણીય જંગમાં મતવિભાજનનું ગણિત સૌથી મહત્વપૂર્ણ બનશે. બાંકીપુરમાં ભાજપનું પરંપરાગત મતબેંક મજબૂત હોવાથી વિરોધી મત વહેંચાય તો ભાજપને સીધો ફાયદો મળી શકે છે.
ચૂંટણી કાર્યક્રમ જાહેર
ભારતના ચૂંટણી પંચે બાંકીપુર સહિત ત્રણ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી જાહેર કરી છે. બાંકીપુર બેઠક માટે ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 15 જુલાઈ છે. ઉમેદવારી પાછી ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 30 જુલાઈએ મતદાન યોજાશે, જ્યારે 3 ઓગસ્ટે મતગણતરી કરવામાં આવશે. હવે આગામી દિવસોમાં તમામ રાજકીય પક્ષો ઉમેદવારો જાહેર કરીને પ્રચાર તેજ કરશે.
બિહારની રાજનીતિ પર દૂરગામી અસર
બાંકીપુરની પેટાચૂંટણી માત્ર એક બેઠકની ચૂંટણી નથી, પરંતુ બિહારની આગામી રાજકીય દિશા નક્કી કરનારી ચૂંટણી તરીકે જોવામાં આવી રહી છે. પ્રશાંત કિશોરની સક્રિય ચૂંટણી રાજનીતિમાં એન્ટ્રી, કોંગ્રેસ અને RJD વચ્ચેના મતભેદ, ભાજપની મજબૂત તૈયારી અને જન સુરાજની નવી રાજકીય વ્યૂહરચના આ બધાને કારણે સમગ્ર દેશની નજર હવે બાંકીપુર પર છે.
આ ચૂંટણીના પરિણામો માત્ર એક ધારાસભ્ય નક્કી કરશે એટલું જ નહીં, પરંતુ બિહારના વિપક્ષની એકતા, જન સુરાજ પાર્ટીની લોકપ્રિયતા અને ભાજપના રાજકીય પ્રભાવ અંગે પણ મહત્વપૂર્ણ સંદેશ આપશે. હવે જોવાનું એ રહેશે કે શું ખરેખર મહાગઠબંધન અંતિમ ક્ષણે એકજૂટ થાય છે કે પછી મતભેદ યથાવત્ રહે, બાંકીપુરમાં ખરેખર ત્રિકોણીય જંગ જોવા મળે છે.