ગુજરાતને દેશનું સૌથી સ્વચ્છ રાજ્ય બનાવવાના સંકલ્પ સાથે પાટનગર ગાંધીનગરથી ‘નમો સ્વચ્છતા અભિયાન’ની રાજ્યવ્યાપી ભવ્ય શરૂઆત કરવામાં આવી છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર સ્થળો અને હોસ્પિટલોમાં ગંદકી કરનારા તત્વો સામે કડક કાર્યવાહીની ચીમકી આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે, “રસ્તાઓ કે જાહેર સ્થળો પર ગમે ત્યાં પાન-મસાલાની પિચકારી મારનારા લોકો સુધરી જાય, નહીંતર આવા લોકો સામે હવે કડક કાર્યવાહી થશે જ!”
બીજી તરફ પાટનગરના પડોશી અને ગુજરાતના સૌથી મોટા મહાનગર અમદાવાદમાં જ સ્વસ્છતા અભિયાન બાબતે કોર્પોરેટર્સમાં ઉદાસીનતા જોવા મળી રહી છે! સ્વચ્છતા અભિયાનના વર્કશોપમાં 192 પૈકી 20 જ કોર્પોરેટર્સે ભાગ લીધો હતો. અને બાકીના 172 કોર્પોરેટર્સ ગેરહાજર રહ્યા હતા. હવે વાત એવી છે કે કાર્યક્રમમાં ગેરહાજર રહેનાર કાઉન્સેલર્સને નોટિસ આપવામાં આવશે. તમામ કાઉન્સિલરો અને કમિટી ચેરમેન પાસે ખુલાસો માંગવામાં આવશે. ભૂતકાળમાં પણ કાર્યક્રમોમાં ગેરહાજર રહ્યા હશે તો તેની પણ યાદી તૈયાર કરાશે.
CM પટેલે કહ્યું, ‘…આકરાં પગલાં લેવાશે‘
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સ્વચ્છતા એ માત્ર સરકારી અભિયાન નથી, પરંતુ તેને આપણે આપણો રોજિંદો સ્વભાવ અને સંસ્કાર બનાવવા પડશે.હોસ્પિટલ અને સાર્વજનિક સ્થળોએ પાન-માવા ખાઈ પિચકારી મારનારાઓને મુખ્યમંત્રીએ ચીમકી આપી હતી. જાહેર સ્થળોએ ગંદકી ફેલાવનારા વિરૂદ્ધ કાર્યવાહી કરવા ભૂપેન્દ્ર પટેલે સૂચના આપી હતી. ખાસ કરીને સિવિલ હોસ્પિટલ અને અન્ય સાર્વજનિક સ્થળોને ગંદા કરનારા તત્વો પર વહીવટી તંત્ર બાજ નજર રાખશે.