Vadodara

ફતેગંજ બ્રિજ પર બ્રેક ન લાગતાં મહારાષ્ટ્ર જતી બસે અનેક વાહનોને અડફેટે લીધા,ટ્રાફિકજામ

( પ્રતિનિધિ )વડોદરા,તા.1

વડોદરાના ફતેગંજ બ્રિજ પર એક પછી એક અકસ્માતોની ઘટના સર્જાતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અમદાવાદથી મહારાષ્ટ્ર તરફ જઈ રહેલી બસના બ્રેક યોગ્ય રીતે કામ ન કરતાં બસે આગળ ચાલી રહેલા ત્રણથી વધુ વાહનોને પાછળથી ટક્કર મારી હતી.

અકસ્માતમાં કારચાલકોના વાહનોને ભારે નુકસાન થયું હતું. કારચાલકોના જણાવ્યા મુજબ બસની બેદરકારીના કારણે પાછળથી ટક્કર વાગી હતી. ઘટનાના થોડા સમય બાદ એ જ બ્રિજ પર વડોદરા મહાનગરપાલિકાની ડ્રેનેજ વિભાગની એક ગાડીએ પણ બે વાહનોને પાછળથી ટક્કર મારતા વધુ નુકસાન થયું હતું. સળંગ બનેલી બંને ઘટનાઓના કારણે ફતેગંજ બ્રિજ પર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. ઘટનાના પગલે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ, બંને અકસ્માતોમાં મળી અંદાજે પાંચ જેટલા વાહનોને નુકસાન પહોંચ્યું છે. જોકે સદનસીબે કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી ટ્રાફિક હળવો કર્યો હતો.

Most Popular

To Top