Gujarat

આણંદના સારસા ખાતે પ્રસ્તાવિત ઇથેનોલ પ્લાન્ટનો સ્થાનિકોનો ઉગ્ર વિરોધ- પ્રોજેક્ટ તાત્કાલિક રદ કરવા માગણી – અમિત ચાવડાનો મુખ્યમંત્રીને પત્ર

અમદાવાદ, તા. 5

આણંદના સારસા ગામ ખાતે પ્રસ્તાવિત ઇથેનોલ પ્લાન્ટ સામે સ્થાનિક લોકો તથા ગ્રમાજનોએ ઉગ્ર વિરોધ કર્યો છે. સારસા ખાતે ઇથેનોલ પ્લાન્ટ શરૂ કરવાનો પ્રસ્તાવ છે, તેની સામે ગામના લોકો અને આજુબાજુના ગામના લોકોનો ઉગ્ર વિરોધ છે. ઇથેનોલ પ્લાન્ટના કારણે સમગ્ર વિસ્તારમાં હવા, પાણી તેમજ જમીનના પ્રદૂષણ થી લોકોના આરોગ્યને મોટું નુકસાન થશે, તેથી રાજ્ય સરકારએ પ્રોજેક્ટને તાત્કાલિક ધોરણે રદ કરવો જોઈએ, તેવી માગણી પ્રદેશ કોગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખથી કરી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખેલા પત્રમાં અમિત ચાવડાએ વધુમાં જણાવ્યું છે કે, આ પ્લાન્ટના કારણે ખેતી, પશુપાલન, પર્યાવરણ અને લોકોના આરોગ્ય પર ગંભીર અસર થવાની શક્યતા હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આણંદ તાલુકાના સારસા ગામમાં સીટી સર્વે નંબર NA-1383/1 તથા રેવન્યુ સર્વે/બ્લોક નંબર 1365, 1369 અને 1370/1 ખાતે ઇથેનોલ પ્લાન્ટ સ્થાપવાનો પ્રસ્તાવ છે. જોકે ગામના સર્વ સમાજના લોકો તેમજ આસપાસના ગામોના રહેવાસીઓ આ પ્રોજેક્ટનો સખત વિરોધ કરી રહ્યા છે.

ઇથેનોલ પ્લાન્ટના કારણે હવા, પાણી અને જમીન પ્રદૂષિત થવાની ભીતિ છે, જેના કારણે સ્થાનિક લોકોના આરોગ્ય પર ગંભીર અસર પડી શકે છે. સમગ્ર વિસ્તારની જમીન અત્યંત ફળદ્રુપ છે અને ભૂગર્ભ જળ પણ ઉત્તમ ગુણવત્તાવાળું છે. આવા સંજોગોમાં પ્રદૂષણના કારણે ખેતી અને પશુપાલન આધારિત સ્થાનિક અર્થતંત્રને મોટું નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

અમિત ચાવડાએ જણાવ્યું છે કે સારસા અને આસપાસના વિસ્તારોના લોકો વિકાસલક્ષી કાર્યોમાં હંમેશા સહભાગી રહ્યા છે, પરંતુ આ પ્રોજેક્ટના સંભવિત દૂષ્પ્રભાવો અંગે ગંભીર ચિંતા હોવાથી તેનો વિરોધ અનિવાર્ય બન્યો છે. રાજ્ય સરકારને આ પ્રોજેક્ટને તાત્કાલિક ધોરણે રદ કરવાની માંગ કરી છે.

વધુમાં તેમણે ચેતવણી આપતાં જણાવ્યું હતું કે જો સ્થાનિકોની લાગણી અને પર્યાવરણ સંબંધિત ચિંતાઓને ધ્યાનમાં લઈને ઇથેનોલ પ્લાન્ટનો પ્રસ્તાવ રદ કરવામાં નહીં આવે, તો ગામ અને તાલુકાના લોકો સાથે મળીને આવનારા દિવસોમાં ઉગ્ર જનઆંદોલન શરૂ કરવામાં આવશે.

Most Popular

To Top