રેલવેની કમ્પાઉન્ડ વોલના કારણે વરસાદી કાંસ રૂંધાતા સ્થાનિકો મુશ્કેલીમાં
(પ્રતિનિધિ), વડોદરા. તા.6
વડોદરા :- માંજલપુર વિસ્તારમાં આવેલા અર્પણ પાર્કથી અવધૂત નગર અને વિશ્વામિત્રી રોડ તરફ જતી વરસાદી કાંસ રેલવે તંત્ર દ્વારા બનાવવામાં આવેલી કમ્પાઉન્ડ વોલના કારણે સંપૂર્ણપણે રૂંધાઈ ગઈ હોવાની ગંભીર ફરિયાદ ઉઠી છે. સ્થાનિક રહીશો દ્વારા જનહિતમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્થાનિક પ્રશાસન સમક્ષ લેખિત રજૂઆત કરીને આ ચોમાસે સર્જાનારી જળબંબાકારની સ્થિતિમાંથી ઉગારવા માટે તાકીદે યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી છે.
માંજલપુરના 4-અર્પણ પાર્ક, મોર મેગા સ્ટોર પાસે, વિશ્વામિત્રી રોડ ખાતે રહેતા સામાજિક અગ્રણી રાણા ભરતભાઈ શંકરલાલ દ્વારા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર અને રેલવે તંત્રને એક પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. પત્રમાં જણાવ્યા મુજબ, આશરે બે વર્ષ પહેલાં રેલવે વિભાગ દ્વારા અર્પણ પાર્ક, અવધૂત નગર અને વિશ્વામિત્રી રોડના રેલવે વિભાગના વિસ્તારમાં એક મજબૂત કમ્પાઉન્ડ વોલ નું નિર્માણ કરવામાં આવ્યું હતું.
આ દિવાલના નિર્માણ સમયે સ્થાનિક ભૌગોલિક પરિસ્થિતિનો ખ્યાલ ન રખાતા, આસપાસની તમામ સોસાયટીઓનું વરસાદી પાણી જે કાંસ મારફતે વહી જતું હતું, તે કાંસ જ હવે આ રેલવેની નવી કમ્પાઉન્ડ વોલની અંદર દબાઈ ગઈ છે. પરિણામે, ચોમાસા દરમિયાન કુદરતી રીતે વહી જતાં વરસાદી પાણીના નિકાલનો માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે.
સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, જો ચોમાસું પૂરેપૂરું બેસી જશે અને ભારે વરસાદ થશે, તો આ વિસ્તાર ટાપુમાં ફેરવાઈ જશે અને લોકો રોગચાળા તેમજ આર્થિક નુકસાનીનો ભોગ બનશે. રેલવે તંત્ર અને મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે યોગ્ય સંકલન ન હોવાને કારણે સ્થાનિક જનતાએ વગર વાંકે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
સમગ્ર મામલે જનહિતને ધ્યાનમાં રાખીને રહીશોએ માંગ કરી છે કે, રેલવેની કમ્પાઉન્ડ વોલમાં જતી રહેલી આ વરસાદી કાંસમાંથી પાણીનો સુચારુ નિકાલ થાય તે માટે અર્પણ પાર્ક અને અવધૂત નગરના રોડ પર વૈકલ્પિક અથવા કાયમી નવી ડ્રેનેજ/કાંસ લાઈનની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે. સ્થાનિકોએ તંત્ર સમક્ષ આશા વ્યક્ત કરી છે કે ચોમાસાની ઋતુ બરાબર જામી જાય તે પહેલાં યુદ્ધના ધોરણે આ કામગીરી પૂર્ણ કરવામાં આવે જેથી કોઈ મોટી હોનારત કે જનજીવન ખોરવાઈ જવાની ઘટનાને અટકાવી શકાય.