શંકાસ્પદ દવા નિકાસ અને આંતરરાષ્ટ્રીય નેટવર્ક સાથે સંકળાયેલા હોવાના અહેવાલો રાજ્યની પ્રતિષ્ઠા માટે ગંભીર ચિંતાનો વિષય- રાજ્ય અને કેન્દ્રના ડ્રગ કન્ટ્રોલ વિભાગો પ્રવૃત્તિઓને શોધવામાં કેમ નિષ્ફળ રહ્યા?
અમદાવાદ
રાજકોટ નજીક હડમતાળા વિસ્તારમાં આવેલી ફાર્મા કંપની પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તથા હવાલા નેટવર્ક સાથે સંભવિત સંબંધોના અહેવાલોને લઈને રાજ્ય સરકારએ ‘વ્હાઇટ પેપર’ જાહેર કરવાની કોગ્રેસે માંગ કરી છે.
પ્રદેશ કોંગ્રેસના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાત દેશનું સૌથી મોટું ફાર્માસ્યુટિકલ ઉત્પાદન કેન્દ્ર ગણાય છે. આવી સ્થિતિમાં કરોડો રૂપિયાના ગેરકાયદે નાણાકીય વ્યવહારો, શંકાસ્પદ દવા નિકાસ અને આંતરરાષ્ટ્રીય નેટવર્ક સાથે સંકળાયેલા હોવાના અહેવાલો રાજ્યની પ્રતિષ્ઠા માટે ગંભીર ચિંતાનો વિષય છે.
જો સુરત, અંકલેશ્વર અને અન્ય ફાર્મા હબમાં આવેલી કેટલીક કંપનીઓ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક સાથે સંકળાયેલી હોવાનું તપાસમાં સામે આવી રહ્યું હોય, તો રાજ્ય અને કેન્દ્રના ડ્રગ કન્ટ્રોલ વિભાગો વર્ષો સુધી આ ગેરકાયદે પ્રવૃત્તિઓને શોધવામાં કેમ નિષ્ફળ રહ્યા?
સરકારએ સમગ્ર મામલે ‘વ્હાઇટ પેપર’ જાહેર કરીને કઈ કંપનીઓ તપાસ હેઠળ છે, કેટલા પ્રમાણમાં ગેરકાયદે નિકાસ થઈ હતી અને નિયમનકારી તંત્ર ક્યાં નિષ્ફળ ગયું તેની માહિતી જાહેર કરવી જોઈએ સાથે જ તપાસ હેઠળ આવેલી કંપનીઓના માલિકો, ડિરેક્ટરો અથવા સંબંધિત વ્યક્તિઓના રાજકીય સંબંધો અને ફંડિંગ અંગે પણ પારદર્શક માહિતી જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.
ડૉ. મનીષ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સ્પષ્ટ કરે કે શું કોઈ વર્તમાન અથવા ભૂતપૂર્વ ભાજપ નેતા, તેમના પરિવારજનો અથવા નજીકના સહયોગીઓનો આ કંપનીઓ સાથે સીધો કે આડકતરો સંબંધ છે કે નહીં. છેલ્લા દસ વર્ષમાં આ કંપનીઓની કેટલી વખત તપાસ કરવામાં આવી હતી અને ડ્રગ કન્ટ્રોલ વિભાગે કોઈ અનિયમિતતા નોંધેલી હતી કે નહીં.
જો આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્કના તાર ગુજરાત સુધી પહોંચતા હોય, તો માત્ર કંપની સંચાલકો જ નહીં પરંતુ તેમને સંરક્ષણ આપનાર દરેક વ્યક્તિ સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ. સમગ્ર મામલે સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ કરી સત્ય બહાર આવવું જોઈએ, ભલે તે કેટલું પણ અસ્વસ્થ કરનારું કેમ ન હોય.