SURAT

સુરત બનશે ગ્રીન સિટી! ઈલેક્ટ્રિક બસો, ગ્રીન સ્ટીલ અને પાણી વ્યવસ્થાને લઈને PMનું વિઝન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરત ખાતે વિવિધ વિકાસ પ્રોજેક્ટોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે સંબોધન કરતાં ગ્રીન ગ્રોથ, રિન્યુએબલ એનર્જી, પાણી વ્યવસ્થાપન અને સુરતના વિકાસને લઈને અનેક મહત્વપૂર્ણ વાતો કરી. તેમણે જણાવ્યું કે દુનિયા ગ્રીન ફ્યુચર તરફ આગળ વધી રહી છે અને ભારત પણ આ દિશામાં ઝડપથી કામ કરી રહ્યું છે. મોદીએ સુરતીઓને અભિનંદન પાઠવતા કહ્યું કે શહેરના વિકાસને નવી ગતિ આપવા માટે અનેક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારત આજે ‘પ્રકૃતિ સાથે પ્રગતિ’ના મંત્ર સાથે આગળ વધી રહ્યું છે અને વિકાસની સાથે પર્યાવરણનું પણ ધ્યાન રાખી રહ્યું છે.

પ્રધાનમંત્રીએ ગુજરાતની પ્રશંસા કરતાં જણાવ્યું કે રાજ્યએ વર્ષો પહેલાં જ ક્લાઈમેટ ચેન્જ અંગે આગવી પહેલ કરી હતી. ગુજરાતે આ સદીની શરૂઆતમાં જ ક્લાઈમેટ ચેન્જ માટે અલગ વિભાગ બનાવ્યો હતો, જે દેશનું પ્રથમ એવું પગલું હતું. તેમણે યાદ અપાવ્યું કે પાટણ જિલ્લાના ચારણકા ગામમાં ભારતનો પ્રથમ સોલાર પ્લાન્ટ સ્થાપિત થયો હતો, જેના દ્વારા ગુજરાતે સમગ્ર દેશને નવી દિશા આપી હતી. સુરતની ‘સર્ક્યુલર વોટર ઈકોનોમી’નો ઉલ્લેખ કરતાં મોદીએ જણાવ્યું કે શહેરમાં વેસ્ટ વોટરને ટ્રીટ કરીને ઉદ્યોગોને સપ્લાય કરવામાં આવે છે. આ વ્યવસ્થાથી એક તરફ ગંદા પાણીનું યોગ્ય સંચાલન થાય છે તો બીજી તરફ પાણીમાંથી આવક પણ ઊભી થાય છે. તેમણે કહ્યું કે છેલ્લા 12 વર્ષથી દેશમાં ‘વેસ્ટ ટુ વેલ્થ’નું અભિયાન ચાલી રહ્યું છે, જે શહેરોને વધુ સ્વચ્છ અને હરિયાળા બનાવવામાં મદદરૂપ બન્યું છે.

પીવાના પાણીની વ્યવસ્થા અંગે તેમણે જણાવ્યું કે સુરતમાં એવા પ્રયાસો કરવામાં આવ્યા છે જેના કારણે આવનારા અનેક દાયકાઓ સુધી શહેરની પાણીની જરૂરિયાતો પૂરી કરી શકાય તેવી વ્યવસ્થા ઉભી થઈ રહી છે. ગ્રીન ટ્રાન્સપોર્ટ અંગે વાત કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે સુરત સ્વચ્છતાની સાથે હવે ગ્રીન ગ્રોથમાં પણ અગ્રેસર બની રહ્યું છે. તેમણે કહ્યું કે શહેર એવી દિશામાં આગળ વધી રહ્યું છે જ્યાં ભવિષ્યમાં રસ્તા પર દોડતી તમામ બસો ઈલેક્ટ્રિક હશે. મોદીએ સુરત મેટ્રોના વિસ્તરણનો પણ ઉલ્લેખ કર્યો અને જણાવ્યું કે હજીરા ઔદ્યોગિક વિસ્તાર આવનારા સમયમાં ગ્રીન સ્ટીલના ઉત્પાદન માટે ઓળખ મેળવશે. તેમના મતે આ પહેલો સુરતને વધુ આધુનિક અને પર્યાવરણમૈત્રી શહેર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

વૈશ્વિક પડકારોની ચર્ચા કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં દુનિયાએ કોરોના મહામારી, યુદ્ધો અને ઊર્જા સંકટ જેવા અનેક પડકારોનો સામનો કર્યો છે. પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવમાં ભારે વધઘટ જોવા મળી છે અને ગેસની વૈશ્વિક સપ્લાય ચેન પણ પ્રભાવિત થઈ છે. તેમ છતાં, 140 કરોડ ભારતીયોના સંયુક્ત પ્રયાસોથી દેશ દરેક સંકટનો મજબૂતીથી સામનો કરી રહ્યો છે. ઊર્જા ક્ષેત્રમાં આત્મનિર્ભરતાને મહત્વપૂર્ણ ગણાવતા મોદીએ જણાવ્યું કે વૈશ્વિક સંકટોએ સાબિત કર્યું છે કે એનર્જીમાં સ્વાવલંબન કેટલું જરૂરી છે. તેમણે કહ્યું કે એક તરફ ભારતે તેલ અને ગેસની સપ્લાય વધુ સુરક્ષિત બનાવી છે, તો બીજી તરફ રિન્યુએબલ એનર્જીમાં પણ મોટા પાયે રોકાણ કર્યું છે. સૌર ઊર્જાના ક્ષેત્રમાં થયેલી પ્રગતિનો ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે 12 વર્ષ પહેલાં ભારતમાં સોલાર પાવરનું ઉત્પાદન ખૂબ મર્યાદિત હતું, જ્યારે આજે ભારત દુનિયાના ટોપ-5 સોલાર ઊર્જા ઉત્પાદક દેશોમાં સ્થાન ધરાવે છે. પ્રધાનમંત્રીના ભાષણમાં ગ્રીન ગ્રોથ, સ્વચ્છ ઊર્જા, પાણી સંચાલન, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુરતના ભવિષ્યના વિકાસ પર ખાસ ભાર જોવા મળ્યો.

Most Popular

To Top