Sports

વૈભવ સૂર્યવંશીની ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી ક્યારે? IPL બાદ BCCIએ આપ્યો મોટો સંકેત

IPL 2026માં પોતાના તોફાની પ્રદર્શનથી સમગ્ર ક્રિકેટ જગતનું ધ્યાન ખેંચનાર 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી હવે ભારતીય ક્રિકેટના સૌથી ચર્ચિત યુવા ખેલાડીઓમાં સામેલ થઈ ગયો છે. માત્ર 15 વર્ષની ઉંમરે જે સિદ્ધિ હાંસલ કરવી ઘણા ખેલાડીઓ માટે સપના સમાન હોય છે, તે વૈભવે પોતાની પ્રથમ જ મોટી ટુર્નામેન્ટમાં મેળવી લીધી છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે આ યુવા બેટ્સમેનને ટીમ ઈન્ડિયાની સિનિયર જર્સી પહેરવાની તક ક્યારે મળશે? રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા વૈભવ સૂર્યવંશીએ IPL 2026માં ધમાકેદાર બેટિંગ કરીને અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા. તેની આક્રમક બેટિંગ અને સતત મેચ જીતાડનારી ઇનિંગ્સના કારણે તે સમગ્ર સિઝનમાં ચર્ચાનું કેન્દ્ર રહ્યો હતો. માત્ર રન જ નહીં, પરંતુ તેણે અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ પણ જીત્યા હતા, જેના કારણે ક્રિકેટ નિષ્ણાતો અને ચાહકો બંને તેના ભવિષ્યને લઈને ઉત્સાહિત છે.

IPL 2026 દરમિયાન વૈભવે 16 ઇનિંગ્સમાં કુલ 776 રન ફટકાર્યા હતા. તેની સરેરાશ 48.50 રહી હતી, જ્યારે સ્ટ્રાઇક રેટ 237.30 જેટલો અદભુત રહ્યો હતો. સમગ્ર ટુર્નામેન્ટમાં તેણે એક સદી અને પાંચ અડધી સદી નોંધાવી હતી. તેના બેટમાંથી 63 ચોગ્ગા અને 72 છગ્ગા નીકળ્યા હતા, જે તેની વિસ્ફોટક બેટિંગનો પુરાવો છે. આ પ્રદર્શનના આધારે વૈભવે માત્ર ઓરેન્જ કેપ જ નહીં, પરંતુ ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સિઝન, મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર અને સર્વોચ્ચ સ્ટ્રાઇક રેટ જેવા મોટા એવોર્ડ પણ જીત્યા હતા. તે IPL ઇતિહાસમાં સૌથી નાની ઉંમરે ઓરેન્જ કેપ જીતનાર ખેલાડી બન્યો હતો. આ ઉપરાંત તેણે કોઈપણ એક T-20 ટુર્નામેન્ટમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો વિશ્વ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો.

IPLની ફાઇનલ બાદ BCCI સચિવ દેવજીત સાઇકિયાએ વૈભવના પ્રદર્શન અંગે ખાસ નિવેદન આપ્યું હતું. મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે વૈભવ એક અસાધારણ પ્રતિભા ધરાવતો ખેલાડી છે અને તેનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે BCCI તમામ શક્ય પ્રયાસ કરશે જેથી વૈભવ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના સર્વોચ્ચ સ્તર સુધી પહોંચી શકે. BCCIના આ નિવેદનને ઘણા ક્રિકેટ નિષ્ણાતો ટીમ ઈન્ડિયામાં વૈભવની સંભવિત એન્ટ્રીનો મોટો સંકેત માની રહ્યા છે. જોકે હાલ BCCI તેની ઉતાવળમાં સિનિયર ટીમમાં પસંદગી કરવા કરતાં તેને યોગ્ય માર્ગદર્શન અને અનુભવ આપવાની દિશામાં આગળ વધી રહી છે.

વૈભવનો આગામી પડાવ ઈન્ડિયા-A ટીમ સાથેનો રહેશે. 9 જૂનથી શરૂ થનારી શ્રીલંકા ટ્રાય સિરીઝ માટે તેને ટીમમાં સ્થાન મળ્યું છે. આ ટુર્નામેન્ટમાં તેનું પ્રદર્શન તેની કારકિર્દી માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. જો તે અહીં પણ પોતાની પ્રતિભાનો જાદુ ચલાવશે તો સિનિયર ટીમ માટે તેની દાવેદારી વધુ મજબૂત બનશે. ક્રિકેટ વિશ્લેષકોનું માનવું છે કે આયર્લેન્ડ અથવા ઝિમ્બાબ્વે જેવા પ્રવાસોમાં BCCI નવા ખેલાડીઓને તક આપે છે. આવી સ્થિતિમાં વૈભવનું નામ પણ મજબૂત દાવેદારોમાં સામેલ થઈ શકે છે. આ ઉપરાંત એશિયન ગેમ્સ 2026 માટે પણ તેને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.

વૈભવ અગાઉ ભારતની અંડર-19 ટીમ અને ઇમર્જિંગ ટીમ્સ એશિયા કપમાં પણ દેશનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે. એટલે કે આંતરરાષ્ટ્રીય સ્તરે રમવાનો અનુભવ પણ તેની પાસે છે. ફાઇનલ બાદ પોતાના સપના અંગે વાત કરતાં વૈભવે જણાવ્યું હતું કે તેનું અંતિમ લક્ષ્ય ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમવાનું છે. તેના મતે, ટેસ્ટ ક્રિકેટ જ એક ખેલાડીની સાચી કસોટી છે અને તે ભવિષ્યમાં આ ફોર્મેટમાં પોતાને સાબિત કરવા માંગે છે. IPLમાં રેકોર્ડબ્રેક પ્રદર્શન, BCCIનો વિશ્વાસ અને સતત મળતી તકોને જોતા કહી શકાય કે ભારતીય ક્રિકેટને ભવિષ્યનો એક મોટો સ્ટાર મળી ગયો છે. હવે કરોડો ક્રિકેટ ચાહકોની નજર એ વાત પર રહેશે કે વૈભવ સૂર્યવંશી ક્યારે પ્રથમ વખત ટીમ ઈન્ડિયાની સિનિયર જર્સીમાં મેદાન પર ઉતરતો જોવા મળશે.

Most Popular

To Top