Savli

તુવેરના ખેતરમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ : SOGના દરોડામાં ₹7.90 લાખનો જથ્થો ઝડપાયો


ગૂટરડી ગામે તુવેરના પાકની આડમાં ઉગાડવામાં આવ્યા હતા 19.800 કિલો લીલા ગાંજાના છોડ

બે સગા ભાઈઓની ધરપકડ, NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે હાથ ધરી કાર્યવાહી

(પ્રતિનિધિ) વડોદરા

વડોદરા ગ્રામ્ય એસ.ઓ.જી. (SOG) પોલીસે સાવલી તાલુકાના ગૂટરડી ગામે ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા ગાંજાના વાવેતરનો પર્દાફાશ કરી લાખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. પોલીસે તુવેરના પાકની વચ્ચે ઉગાડવામાં આવેલા 19.800 કિલો લીલા ગાંજાના છોડ જપ્ત કરી બે સગા ભાઈઓની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ, એસ.ઓ.જી. પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે ગૂટરડી ગામના બે શખ્સો પોતાના કબ્જા-ભોગવટાના ખેતરમાં ગાંજાના છોડનું વાવેતર કરી તેનો ઉછેર કરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે બે સરકારી પંચોને સાથે રાખી ખેતરમાં દરોડો પાડ્યો હતો.

તપાસ દરમિયાન ખેતરમાં તુવેરના પાકની વચ્ચે છૂટાછવાયા રીતે ઉગાડવામાં આવેલા નશાકારક ગાંજાના છોડ મળી આવ્યા હતા. સ્થળ પર બોલાવવામાં આવેલા એફ.એસ.એલ. (FSL) અધિકારી દ્વારા પ્રાથમિક તપાસમાં આ છોડ ગાંજાના હોવાનું નિશ્ચિત કરવામાં આવ્યું હતું.

પોલીસે ખેતરમાંથી કુલ 19.800 કિલો વજનના લીલા ગાંજાના છોડ જપ્ત કર્યા હતા, જેની અંદાજિત કિંમત ₹7,90,000 હોવાનું જણાવાયું છે.

આ મામલે ખેતરના માલિક એવા બે સગા ભાઈઓ નરવંતભાઈ ભુલાભાઈ પરમાર અને લક્ષ્મણભાઈ ભુલાભાઈ પરમાર (રહે. ગૂટરડી, તા. સાવલી)ની અટકાયત કરવામાં આવી છે. પોલીસે બંને આરોપીઓ સામે ડેસર પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. (NDPS) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ દ્વારા ગેરકાયદેસર માદક પદાર્થોના ઉત્પાદન અને વેચાણ સામે ચલાવવામાં આવતી ઝુંબેશ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

રિપોર્ટર: વિમલ પટેલ

Most Popular

To Top