સીકલસેલ નાબૂદી માટે ઐતિહાસિક પહેલ
ગાંધીનગર: ગુજરાતમાં આદિવાસી સમુદાયોના આરોગ્ય સુધારવા અને વારસાગત રોગોને મૂળમાંથી સમજવા રાજ્ય સરકારે મહત્ત્વાકાંક્ષી “ગુજરાત ટ્રાયબલ જિનોમ સિક્વેન્સિંગ પ્રોજેક્ટ” શરૂ કર્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યભરના વિવિધ આદિવાસી સમુદાયોમાંથી અંદાજે 4,000 બાયોલોજિકલ ડીએનએ (DNA) સેમ્પલ એકત્રિત કરવામાં આવશે અને તેમાંમાંથી આશરે 2000 વ્યક્તિના સંપૂર્ણ જિનોમનું સિક્વેન્સિંગ કરવામાં આવશે. આ સાથે ગુજરાત આદિજાતિ સમુદાયો માટે વિશિષ્ટ જિનોમિક ડેટાબેઝ તૈયાર કરનાર દેશનું પ્રથમ રાજ્ય બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
રાજ્યના વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે આદિવાસી સમુદાયોમાં ખાસ કરીને સિકલ સેલ એનિમિયા, થેલેસેમિયા, એનિમિયા, G6PD ડિફિશિયન્સી તેમજ કેટલાક પ્રકારના કેન્સર જેવા જીનેટિક રોગોનું પ્રમાણ વધુ જોવા મળે છે. આવા રોગોની વહેલી ઓળખ અને નિવારણ માટે જીનોમ સિક્વેન્સિંગ અત્યંત ઉપયોગી સાબિત થશે. આ પ્રોજેક્ટ હેઠળ રાજ્યના આશરે 20 જેટલા આદિવાસી સમુદાયોનો સમાવેશ કરવામાં આવશે. પુરુષ અને સ્ત્રી બંનેના સમાન પ્રમાણમાં સેમ્પલ લેવામાં આવશે. એકત્રિત ડેટાના આધારે ભવિષ્યમાં સમુદાયોને રોગો સામે સજાગ બનાવવા, લગ્ન પૂર્વે જીનેટિક માર્ગદર્શન આપવા અને આવનારી પેઢીમાં ગંભીર વારસાગત રોગોનું પ્રમાણ ઘટાડવામાં મદદ મળશે.
ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર (જીબીઆરસી)ના ડાયરેક્ટર ડૉ. સ્નેહલ બગથરીયાએ જણાવ્યું કે જીનોમ સિક્વેન્સિંગ દ્વારા કોઈપણ વ્યક્તિના જીનેટિક ગુણધર્મો અંગે વિસ્તૃત માહિતી મળી શકે છે. જો જીનેટિક ખામી સમયસર શોધાઈ જાય અને તે સારવાર યોગ્ય હોય તો બાળપણથી જ તેનું નિવારણ શક્ય બને છે. પ્રિવેન્ટિવ હેલ્થકેર દ્વારા આવનારી પેઢીને ગંભીર બીમારીઓથી બચાવી શકાય છે. જીબીઆરસીએ કોરોના મહામારી દરમિયાન 14 હજારથી વધુ જીનોમ સિક્વેન્સિંગ કરીને મહત્ત્વપૂર્ણ કામગીરી બજાવી હતી અને અત્યાર સુધીમાં 170થી વધુ સંશોધન પેપર્સ પણ પ્રકાશિત કર્યા છે.
શું છે સિકલ સેલ એનીમિયા ?
સિકલ સેલ એનિમિયા એ હીમોગ્લોબિનમાં થતી વારસાગત ખામીના કારણે થતો ગંભીર રક્તરોગ છે. આ રોગમાં લોહીના રક્તકણોનો આકાર ગોળમાંથી દાતરડાં જેવો બની જાય છે, જેના કારણે શરીરમાં પૂરતો ઓક્સિજન પહોંચતો નથી અને દર્દીને ઝડપથી થાક લાગે છે. જો માતા અને પિતા બંનેમાં સિકલ સેલનો જનીન હોય તો બાળકમાં આ રોગ થવાની શક્યતા લગભગ 25 ટકા રહે છે. ગુજરાતમાં દાહોદ, પંચમહાલ, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાઓમાં આ રોગનું પ્રમાણ વધુ જોવા મળે છે.
સિકલ સેલ એનિમિયાના દર્દીઓ શું કરવુ અને શું ન કરવું
(1) આવા દર્દીઓએ ઠંડા પાણીમાં સ્નાન કરવાનું ટાળીને હંમેશા હૂંફાળા અથવા ગરમ પાણીનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે અતિશય ઠંડી શરીર પર પ્રતિકૂળ અસર કરે છે.
(2) તેલવાળું અને પચવામાં મુશ્કેલ ખોરાકથી દૂર રહેવું જરૂરી છે જેથી શરીર પર વધારાનો બોજ ન પડે.
(3) દર્દીઓએ પૂરતો આરામ કરવો જોઈએ અને ભારે શારીરિક મહેનત અથવા અતિશય દોડધામ ટાળવું જોઇએ.
(4) ઠંડા વાતાવરણ, એસી અથવા વધુ ઠંડકવાળા સ્થળોથી પણ બચવું જરૂરી છે.
(5) શરીરમાં ઓક્સિજનની ઉણપ થવાની શક્યતા રહેતી હોવાથી પૂરતું પાણી પીવું જોઈએ જેથી શરીર હાઇડ્રેટ રહે.