સુરત: સુરત મહાનગરપાલિકા દ્વારા ઉમરવાડા જળવિતરણ મથકથી આવતી 1200 મીમી વ્યાસની પાણીની લાઇનમાં પડેલા લીકેજના રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી આગામી 19 મેના રોજ સેન્ટ્રલ ઝોનના અનેક વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરવાશે. મનપાએ અસરગ્રસ્ત વિસ્તારોના નાગરિકોને અગાઉથી જ જરૂરીયાત મુજબ પાણીનો સંગ્રહ કરી રાખવા અપીલ કરી છે.
મનપાના હાઇડ્રોલિક વિભાગના જણાવ્યા મુજબ, સહારાદરવાજા વિસ્તારમાં નવાબવાડી રોડ પરથી પસાર થતી ઉમરવાડા જળવિતરણ મથકની મુખ્ય પાણી લાઇનમાં છેલ્લા કેટલાક દિવસોથી લીકેજ થવાને કારણે પાણીનો વ્યય થતો હતો. સાથે જ સેન્ટ્રલ ઝોનના કેટલાક વિસ્તારોમાં પુરતા પ્રેશરથી પાણી નહીં મળતું હોવાની ફરિયાદો પણ ઉઠવા પામી હતી. આ સમસ્યાને ધ્યાનમાં રાખી મનપા દ્વારા આગામી 18 મેના રોજ સવારે 8 વાગ્યાથી લીકેજ રીપેરીંગની કામગીરી શરૂ કરવામાં આવશે. મનપાના અંદાજ મુજબ 19 મેના રોજ સવારે 11 વાગ્યા સુધીમાં કામગીરી પૂર્ણ થઈ જશે. ત્યારબાદ પાણી પુરવઠો પૂર્વવત કરવામાં આવશે. કાળઝાળ ગરમી વચ્ચે પાણી પુરવઠો બંધ રહેતા લોકોને મુશ્કેલી ન પડે તે માટે મનપાએ જરૂરીયાત મુજબ પાણીનો સંગ્રહ કરી રાખવા અપીલ કરી છે.
પાણી પુરવઠાથી અસરગ્રસ્ત વિસ્તારો
- બેગમપુરા
- સલાબતપુરા
- ગોપીપુરા
- સગરામપુરા
- નાનપુરા
- રૂદરપુરા
- સોની ફળિયા