Editorial

હંટાવાયરસના વૈશ્વિક રોગચાળાનો ભય ચિંતા કરાવવા માંડ્યો

એપ્રિલ અને મે ૨૦૨૬ દરમિયાન ડચ ધ્વજ ધરાવતા વૈભવશાળી સહેલાણી જહાજર પર અચાનક હંટાવાયરસનો રોગચાળો ફાટી નિકળ્યો. આ જહાજ આર્જેન્ટિનાથી કેપ વર્ડે અને ત્યારબાદ કેનેરી આઇલેન્ડ્સ તરફની મુસાફરી પર હતું. ધનવાન પર્યટકો તેમાં સહેલગાહે નિકળ્યા હતા અને મોટી મુશ્કેલીમાં ફસાઇ ગયા. બીજી મે ૨૦૨૬ના રોજ, આ ક્રૂઝ શિપ પર ગંભીર શ્વસન સંબંધી બીમારી ધરાવતા મુસાફરોનો એક સમૂહ મળી આવતા વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)ને જાણ કરવામાં આવી હતી. તે સમયે, શિપ ઓપરેટરના જણાવ્યા અનુસાર, ૧૪૭ મુસાફરો અને ક્રૂ સભ્યો જહાજ પર હતા, અને ૩૪ મુસાફરો તેમજ કર્મચારીઓ અગાઉ ઉતરી ગયા હતા. ૪ મે ના રોજ પ્રકાશિત થયેલા છેલ્લા ‘ડિસીઝ આઉટબ્રેક ન્યૂઝ’ પછી, શંકાસ્પદ કેસોમાંથી ત્રણની પુષ્ટિ થઈ હતી, અને વધુ એક પુષ્ટિ થયેલ કેસ નોંધાયો હતો. ૮ મે સુધીમાં, ત્રણ મૃત્યુ (કેસ મૃત્યુદર ૩૮%) સહિત કુલ આઠ કેસ નોંધાયા છે.

છ કેસ લેબોરેટરીમાં હન્ટાવાયરસ ચેપ તરીકે પુષ્ટિ પામ્યા છે, જે તમામ ‘એન્ડીઝ વાયરસ’  તરીકે ઓળખાયા છે. આ જહાજને પહેલા તો સાઉથ આફ્રિકા નજીક થોભાવવામાં આવ્યું અને બિમાર મુસાફરોને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા. ત્યારબાદ આ જહાજ આગળ વધ્યું અને તેને સ્પેનના કેનેરી ટાપુઓના ટેનેરિફ પર થોભાવવામાં આવ્યું અને હુના વડાની સીધી દેખરેખ હેઠળ આ જહાજ ખાલી કરાવવામાં આવ્યું. આ જહાજ પર ૨૦ જેટલા દેશોના પર્યટકો હતા અને જુદા જુદા દેશોએ ખાસ વિમાનો મોકલીને પોતાના નાગરિકોને બોલાવી લીધા. હવે આ પર્યટકોને ચોક્કસ મુદ્દત સુધી પોતાના દેશમાં ક્વોરેન્ટાઇન કે એકાંતવાસમાં રાખવામાં આવશે. પરંતુ આ પ્રકરણે દુનિયામાં આનો રોગચાળો ફેલાવાનો ભય ઉભો કરી દીધો છે.

કેટલાક પર્યટકો આ જહાજ પર રોગાચાળો જાહેર થતા પહેલા જ ઉતરી ગયા હતા તેઓ ચિંતાનો વિષય છે. કારણ કે તેઓ ચેપગ્રસ્ત હોય તો પોતાના વિસ્તારોમાં બીજાઓને ચેપ લગાડે તેવો ભય છે. આ માટે તેમના સંપર્ક ટ્રેસિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ઇન્ટરનેશનલ હેલ્થ રેગ્યુલેશન્સ (IHR) ૨૦૦૫ માધ્યમ દ્વારા, તમામ નેશનલ IHR ફોકલ પોઈન્ટ્સ (NFPs) ને જાણ કરવામાં આવી છે અને તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે સંપર્ક ટ્રેસિંગમાં સહાય કરી રહ્યા છે. WHO આ ઘટના દ્વારા વૈશ્વિક વસ્તી માટેના જોખમનું મૂલ્યાંકન ‘ઓછું’ ગણે છે અને રોગચાળાની સ્થિતિ પર નજર રાખવાનું તેમજ જોખમ મૂલ્યાંકનને અપડેટ કરવાનું ચાલુ રાખશે. જહાજ પરના મુસાફરો અને ક્રૂ માટે જોખમ ‘મધ્યમ’ માનવામાં આવે છે.

યુરોપ અને એશિયામાં જોવા મળતા હન્ટાવાયરસ હેમરેજિક ફીવર વિથ રીનલ સિન્ડ્રોમ (HFRS) પેદા કરવા માટે જાણીતા છે, જે મુખ્યત્વે કિડની અને રક્તવાહિનીઓને અસર કરે છે. વિશ્વના આ ભાગમાં માનવ-થી-માનવ સંક્રમણના પુરાવા મળ્યા નથી. માનવીમાં હન્ટાવાયરસ સંક્રમણ મુખ્યત્વે ચેપગ્રસ્ત ઉંદરોના પેશાબ, મળ અથવા લાળના સંપર્ક દ્વારા અથવા દૂષિત સપાટીઓને સ્પર્શ કરવાથી થાય છે. આ સંસર્ગ સામાન્ય રીતે ઉંદરોનો ઉપદ્રવ ધરાવતી ઇમારતોની સફાઈ દરમિયાન થાય છે, જોકે ભારે ઉપદ્રવવાળા વિસ્તારોમાં સામાન્ય પ્રવૃત્તિઓ દરમિયાન પણ તે થઈ શકે છે.

માનવ કેસો મોટે ભાગે ગ્રામીણ વિસ્તારો જેવા કે જંગલો, ખેતરો અને વાડીઓમાં નોંધાય છે, જ્યાં ઉંદરોની હાજરી વધુ હોય છે અને ચેપ લાગવાની શક્યતા વધારે હોય છે. HPS ના લક્ષણોમાં માથાનો દુખાવો, ચક્કર આવવા, ઠંડી લાગવી, તાવ, સ્નાયુઓનો દુખાવો અને ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સમસ્યાઓ જેવી કે ઉબકા, ઉલટી, ઝાડા અને પેટનો દુખાવો સામેલ છે, જેના પછી અચાનક શ્વાસ લેવામાં તકલીફ અને લો બ્લડ પ્રેશરની સમસ્યા ઊભી થાય છે. HPS ના લક્ષણો સામાન્ય રીતે વાયરસના સંપર્કમાં આવ્યાના ૧ થી ૬ અઠવાડિયા પછી દેખાય છે, જોકે તે ૧ થી ૮ અઠવાડિયાના સમયગાળા દરમિયાન ગમે ત્યારે દેખાઈ શકે છે. વૈશ્વિક સ્તરે હન્ટાવાયરસ સંક્રમણ પ્રમાણમાં ઓછું જોવા મળે છે.

૨૦૨૫ માં, અમેરિકાના ક્ષેત્રમાં આઠ દેશોએ ૨૨૯ કેસ અને ૫૯ મૃત્યુ નોંધાવ્યા હતા, જેનો મૃત્યુદર ૨૫.૭% હતો. યુરોપિયન ક્ષેત્રમાં ૨૦૨૩ માં ૧૮૮૫ હન્ટાવાયરસ કેસ નોંધાયા હતા, જે ૨૦૧૯ થી ૨૦૨૩ વચ્ચેનો સૌથી નીચો દર હતો. પૂર્વ એશિયામાં, ખાસ કરીને ચીન અને કોરિયામાં, હજુ પણ વાર્ષિક હજારો કેસ નોંધાય છે, જો કે છેલ્લા દાયકાઓમાં તેમાં ઘટાડો થયો છે. એશિયા અને યુરોપમાં આ રોગનો મૃત્યુદર ૧% થી ૧૫%ની વચ્ચે છે, જ્યારે અમેરિકામાં તે ૫૦% સુધી હોઈ શકે છે. હાલમાં આ માટે કોઈ માન્ય સારવાર કે રસી ઉપલબ્ધ નથી, પરંતુ વહેલી તકે મળેલી સઘન સારવાર અને આધુનિક ICU સુવિધા દર્દીના બચવાની શક્યતામાં સુધારો કરી શકે છે.

અત્યારે દુનિયા માંડ કોવિડના રોગચાળામાંથી બહાર નિકળીને થોડી સ્થિર થઇ છે. તેને યુદ્ધો અને સંધર્ષો તો પરેશાન કરી જ રહ્યા છે ત્યાં હવે હંટાવાયરસનો રોગચાળો ફાટવાનો ભય તેને બીવડાવવા માંડ્યો છે. WHOએ જો કે ધરપત આપી છે કે આ જહાજના પર્યટકોમાંથી રોગચાળો ફેલાવાનું બહુ જોખમ નથી. છતાં કેટલુંક સંક્રમણ માણસમાંથી માણસમાં થયું છે તે થોડી ચિંતાજનક બાબત છે. આશા રાખીએ કે આ સંક્રમણ બિલકુલ અપવાદરૂપ જ હોય અને હવે માણસથી માણસમાં આ રોગના સંક્રમણની કોઇ ઘટના નહીં બને.

Most Popular

To Top