14થી 15 વર્ષની કિશોરીઓ માટે મનપાનું નિઃશુલ્ક HPV રસીકરણ અભિયાન 31 મે સુધી ચાલશે
અમદાવાદ,
અમદાવાદ શહેરમાં ગર્ભાશયના કેન્સર જેવા ગંભીર અને જીવલેણ રોગ સામે કિશોરીઓને સુરક્ષા પૂરી પાડવા અમદાવાદ મનપા દ્વારા શહેરવ્યાપી HPV રસીકરણ અભિયાન અર્તગત વિશેષ મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 12મે, 2026 સુધીમાં 31,579 જેટલી રસીઓ મુકાઈ છે. જેમાં શહેરની 14થી 15 વર્ષની પાત્ર કિશોરીઓ માટે નિઃશુલ્ક HPV વેક્સિન આપવામાં આવી રહી છે.
શહેરમાં કુલ 48,443 કિશોરીઓને HPV રસીકરણ આપવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. જેમાંથી 12 મે 2026 સુધીમાં 31,579 રસીઓ મુકાઈ ગઈ છે એટલે કે 65 ટકા કિશોરીઓને HPV રસી આપવામાં આવી ચૂકી છે. આ અભિયાન અંતર્ગત 31 મે 2026 સુધી ચાલનારી આ વિશેષ મેગા ડ્રાઈવનું આયોજન આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. આ મેગા ડ્રાઈવ દરમિયાન શહેરની પાત્ર કિશોરીઓ કોઈપણ અર્બન હેલ્થ સેન્ટર અથવા મનપા સંચાલિત હોસ્પિટલમાં જઈને નિઃશુલ્ક HPV રસી મેળવી શકશે. ખાનગી હોસ્પિટલોમાં આ વેક્સિન માટે અંદાજે રૂ. 3000 ઉપરાંત કન્સલ્ટેશનનો ખર્ચ થતો હોય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સર્વાઈકલ કેન્સર જેવા ગંભીર રોગથી બચવા માટે HPV રસી સૌથી સુરક્ષિત અને અસરકારક ઉપાય માનવામાં આવે છે. આ અભિયાન 31 મે, 2026 સુધી ચાલુ રહેશે અને શહેરની 14થી 15 વર્ષની પાત્ર કિશોરીઓ આ નિઃશુલ્ક રસીકરણનો લાભ લઈ શકશે.