India

કેરળના આગામી CM રેસમાં સૌથી આગળ! રાહુલ ગાંધીના વિશ્વાસુ નેતા ગણાતા કેસી વેણુગોપાલ કોણ?

કેરળમાં કોંગ્રેસની આગેવાની હેઠળના યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) ને મળેલી મોટી જીત બાદ હવે સૌથી મોટો સવાલ એ છે કે રાજ્યનો આગામી મુખ્યમંત્રી કોણ બનશે? આ રેસમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાહુલ ગાંધીના નજીકના વિશ્વાસુ ગણાતા કે.સી. વેણુગોપાલનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે વેણુગોપાલને મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યા છે.

કોંગ્રેસના ટોચના નેતા રાહુલ ગાંધી દ્વારા દિલ્હીમાં કેરળ કોંગ્રેસના પૂર્વ પ્રમુખો અને સિનિયર નેતાઓ સાથે બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં કેરળના આગામી મુખ્યમંત્રી માટે ચર્ચા કરવામાં આવી હતી. અહેવાલો મુજબ, બેઠકમાં હાજર મોટા ભાગના નેતાઓએ કે.સી. વેણુગોપાલના નામને સમર્થન આપ્યું હતું, જેના કારણે તેમની દાવેદારી વધુ મજબૂત બની છે.

વિદ્યાર્થી રાજકારણથી રાષ્ટ્રીય રાજકારણ સુધીનો સફર
કે.સી. વેણુગોપાલનો જન્મ 1963માં કેરળના કન્નુર જિલ્લામાં થયો હતો. તેઓએ વિદ્યાર્થી જીવનથી જ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેઓ પ્રથમ કેરળ સ્ટુડન્ટ્સ યુનિયન (KSU) સાથે જોડાયા અને બાદમાં યુથ કોંગ્રેસમાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ સંભાળી. તેઓ રાજ્ય સ્તરે KSU અને યુથ કોંગ્રેસના પ્રમુખ પણ રહ્યા હતા. તેમણે 1996માં પ્રથમ વખત અલપ્પુઝા બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી જીતી અને ત્યારબાદ 2001 અને 2006માં પણ સતત જીત મેળવી હતી. કેરળ સરકારમાં તેઓ પર્યટન અને દેવસ્વમ મંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે.

રાહુલ ગાંધીના નજીકના સાથીદાર
કે.સી. વેણુગોપાલને કોંગ્રેસમાં રાહુલ ગાંધીના સૌથી વિશ્વાસુ અને સ્ટ્રેટેજિક નેતાઓમાં ગણવામાં આવે છે. તેઓ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના (AICC) જનરલ સેક્રેટરી તરીકે મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી રહ્યા છે. કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવામાં તેમજ અનેક રાજ્યોમાં ચૂંટણી રણનીતિ તૈયાર કરવામાં તેમની મોટી ભૂમિકા રહી છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે બંને સાથે તેમની નજીકની કામગીરીને કારણે તેઓ પાર્ટીમાં ખૂબ જ પ્રભાવશાળી નેતા બની ગયા છે. ઘણા રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે કેરળમાં કોંગ્રેસની જીત બાદ હવે પાર્ટી હાઈકમાન્ડ વિશ્વાસુ અને સંગઠનક્ષમ ચહેરાને CM તરીકે પસંદ કરવા માંગે છે, જેના કારણે વેણુગોપાલનું નામ આગળ આવ્યું છે.

CM રેસમાં કોનો મુકાબલો?
કેરળ CM પદ માટે હાલ મુખ્યત્વે ત્રણ નામોની ચર્ચા ચાલી રહી છે, કે.સી. વેણુગોપાલ, વી.ડી. સતીશન અને રમેશ ચેન્નીથલા. જોકે, કોંગ્રેસની આંતરિક બેઠકોમાં વેણુગોપાલને વધુ સમર્થન મળ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે. બીજી તરફ વી.ડી. સતીશનને પણ કાર્યકરો અને કેટલાક નેતાઓનું મજબૂત સમર્થન છે, જેના કારણે કોંગ્રેસ હાઈકમાન્ડ માટે નિર્ણય સરળ નથી રહ્યો.

રસ્તા સુધી પહોંચ્યો CM પદનો વિવાદ
કેરળમાં મુખ્યમંત્રી પદને લઈને કોંગ્રેસના અલગ-અલગ ગૃપો વચ્ચે ખુલ્લી શક્તિપ્રદર્શન જેવી સ્થિતિ સર્જાઈ છે. કેટલાક વિસ્તારોમાં વેણુગોપાલ અને સતીશન સમર્થકો દ્વારા પોસ્ટર-બેનરો અને જાહેર પ્રદર્શન પણ જોવા મળ્યા હતા. કોંગ્રેસ હાઈકમાન્ડે આ પ્રકારના દબાણને ગંભીરતાથી લીધું છે અને અંતિમ નિર્ણય પહેલાં તમામ જૂથો સાથે ચર્ચા શરૂ કરી છે.

આજે થઈ શકે મોટી જાહેરાત
દિલ્હીમાં સતત બેઠકો બાદ હવે કોંગ્રેસ ટૂંક સમયમાં કેરળના આગામી મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી શકે છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે જો અંતિમ ક્ષણે કોઈ મોટો ફેરફાર નહીં થાય તો કે.સી. વેણુગોપાલને કેરળના નવા મુખ્યમંત્રી તરીકે પસંદ કરવામાં આવી શકે છે.

Most Popular

To Top