Comments

પીએમ મોદી કેમ ઇચ્છે છે કે તમે સોનું ખરીદવાનું ટાળો અને એક વર્ષ માટે વર્ક ફ્રોમ હોમ કરો?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આપણને ખર્ચમાં કાપ મૂકવાના પગલાં અપનાવવા વિનંતી કરી છે. તેઓ ઇચ્છે છે કે આપણે સોનાની ખરીદી ટાળીએ, વિદેશ પ્રવાસ મોકૂફ રાખીએ અને ઘરેથી કામ કરીએ. કારણ કે, આપણે અત્યારે ચાલી રહેલા ઈરાન-અમેરિકા યુદ્ધ અને ક્રૂડ ઓઇલના વધતા ભાવના આર્થિક પરિણામોનો સામનો કરી રહ્યા છીએ. 10 મેના રોજ હૈદરાબાદમાં ભાજપની રેલીને સંબોધતાં મોદીએ કહ્યું હતું કે, ભારત માટે વિદેશી હૂંડિયામણ અનામત જાળવી રાખવું અને ઇંધણનો વપરાશ ઘટાડવો જરૂરી છે. કારણ કે, પશ્ચિમ એશિયામાં લાંબા સમયથી ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક સપ્લાય ચેઇન દબાણ હેઠળ છે.

અમેરિકા-ઈરાન યુદ્ધને કારણે વિશ્વના સૌથી મહત્ત્વપૂર્ણ ઓઇલ શિપિંગ રૂટ પૈકીના એક એવા ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’માં અઠવાડિયાંઓથી આંશિક અવરોધ સર્જાયો છે, જેનાથી લાંબા સમય સુધી પુરવઠાની અછતની આશંકા ઊભી થઈ છે. મોદીની આ અપીલ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાનના તાજેતરના શાંતિ પ્રસ્તાવોને ફગાવી દીધા બાદ આવી છે, જેના કારણે વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવ બેરલ દીઠ 105 યુએસ ડોલરની ઉપર પહોંચી ગયા છે. આનાથી વિશ્વભરમાં ફુગાવો અને ઊર્જા સુરક્ષા અંગેની ચિંતાઓ વધી છે.

ઈરાને તેના સમૃદ્ધ યુરેનિયમ સ્ટોકપાઇલનો કેટલોક હિસ્સો બીજા દેશમાં ટ્રાન્સફર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ તેની પરમાણુ સુવિધાઓને તોડી પાડવાનો ઇનકાર કર્યો હતો, જે યુદ્ધ સમાપ્ત કરવા માટે અમેરિકાની મુખ્ય માંગ છે. ભારત, જે તેની ક્રૂડ ઓઇલની જરૂરિયાતના 88%થી વધુ આયાત કરે છે, તેને વૈશ્વિક તેલના ભાવમાં તીવ્ર વધારાથી મોટો ફટકો પડ્યો છે. તાજેતરના અઠવાડિયામાં અમેરિકી ડોલર સામે રૂપિયો પણ ઘણો નબળો પડ્યો છે.

ખાસ કરીને, મોદીએ આપણને ઘરેથી કામ કરવા માટે કેમ આગ્રહ કર્યો? મોદીએ કહ્યું કે ઇંધણનો વપરાશ ઘટાડવા અને વિદેશી હૂંડિયામણ બચાવવા માટે દેશે કોવિડ-19 રોગચાળા દરમિયાન અપનાવેલી આદતોને પુનર્જીવિત કરવી જોઈએ. મોદીએ કહ્યું, આપણે કોરોના દરમિયાન વર્ક-ફ્રોમ-હોમ, વર્ચ્યુઅલ મીટિંગ્સ, વીડિયો કોન્ફરન્સિંગ અને બીજી ઘણી પદ્ધતિઓ વિકસાવી હતી. આપણને તેની આદત પડી ગઈ હતી. સમયની માંગ છે કે તે પદ્ધતિઓ ફરી શરૂ કરવામાં આવે.

પીએમ મોદીએ નાગરિકોને અપીલ કરી કે તેઓ જ્યાં પણ શક્ય હોય મેટ્રો રેલ સેવાઓ, કારપૂલિંગ અને ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરીને પેટ્રોલ અને ડીઝલનો કરકસરપૂર્વક ઉપયોગ કરો. વડા પ્રધાને ઇંધણ-સઘન માર્ગ પરિવહન પર નિર્ભરતા ઘટાડવા માટે માલસામાનના પરિવહનને રેલવે તરફ વાળવાનું પણ આહ્વાન કર્યું હતું. સાચી વાત શું છે? આ વર્ષની શરૂઆતમાં પશ્ચિમ એશિયામાં સંઘર્ષ વધ્યા પછી ભારત પર ઇંધણ આયાતનું ભારણ ઝડપથી વધ્યું છે. અધિકારીઓએ ચેતવણી આપી છે કે, ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’માં સતત વિક્ષેપના કારણે તેલના ભાવ મહિનાઓ સુધી ખૂબ ઊંચા રહી શકે છે. સરકારી તેલ કંપનીઓ હાલમાં ગ્રાહકોને ઇંધણના ભાવ વધારાથી બચાવવા માટે મોટું નુકસાન વેઠી રહી છે.

મોદીએ ભારતીયોને ઓછામાં ઓછા એક વર્ષ માટે સોનું ખરીદી ટાળવાની અપીલ પણ કરી હતી અને કહ્યું હતું કે, વૈશ્વિક સંકટ સમયે સોનાની આયાત ભારતના વિદેશી હૂંડિયામણના ભંડાર પર વધારાનું દબાણ લાવે છે. સોનું ખરીદવા માટે વિદેશી હૂંડિયામણનો વ્યાપક ઉપયોગ થાય છે. રાષ્ટ્રીય હિતમાં આપણે એક વર્ષ સુધી સોનું ન ખરીદવાનો સંકલ્પ કરવો જોઈએ. ભારત સોનાના વિશ્વના સૌથી મોટા આયાતકારોમાંનું એક છે અને લગ્ન તથા તહેવારોની સીઝનમાં ખરીદીમાં નોંધપાત્ર વધારો થાય છે. કારણ કે, સોનું મોટા ભાગે આયાત કરવામાં આવતું હોવાથી વધુ માંગના કારણે ડોલરનો પ્રવાહ વધે છે અને દેશનું આયાત બિલ વધે છે.

વડા પ્રધાને નાગરિકોને વિદેશી ચલણ બચાવવા માટે બિન-જરૂરી વિદેશ પ્રવાસ, વિદેશમાં વેકેશન અને ડેસ્ટિનેશન વેડિંગને એક વર્ષ માટે મુલતવી રાખવા પણ જણાવ્યું હતું. ચાલુ અમેરિકા-ઈરાન યુદ્ધે વૈશ્વિક સોનાના ભાવમાં અસ્થિરતા પેદા કરી છે. સામાન્ય રીતે, ભૌગોલિક રાજકીય કટોકટી દરમિયાન સોનાને ‘સુરક્ષિત’સંપત્તિ માનવામાં આવે છે, એટલે કે રોકાણકારો યુદ્ધ અથવા વૈશ્વિક અનિશ્ચિતતા દરમિયાન તે ખરીદવા દોડે છે.

જોકે, વર્તમાન સંઘર્ષે વધુ જટિલ પરિસ્થિતિ સર્જી છે. કારણ કે, વધતા ક્રૂડ તેલના ભાવ લાંબા સમય સુધી ફુગાવા અને વૈશ્વિક સ્તરે ઊંચા વ્યાજ દરોનો ભય જન્માવી રહ્યા છે. ટ્રમ્પે ઈરાનના તાજેતરના શાંતિ પ્રસ્તાવને ફગાવી દીધા બાદ તેલના ભાવમાં ફરી વધારો થયો છે. વધતા તેલના ભાવ વિશ્વભરમાં ફુગાવાનું જોખમ વધારે છે, જે યુએસ ફેડરલ રિઝર્વ જેવી મધ્યસ્થ બેંકોને લાંબા સમય સુધી વ્યાજ દરો ઊંચા રાખવા માટે પ્રોત્સાહિત કરે છે.

તેના બદલામાં સોના પર નકારાત્મક અસર પડે છે. કારણ કે, તે વ્યાજ અથવા ઉપજ આપતું નથી. જ્યારે વ્યાજ દરો ઊંચા રહે છે ત્યારે રોકાણકારો ઘણીવાર સોનાના બદલે બોન્ડ્સ અને અન્ય નિશ્ચિત-આવકના સાધનો જેવી વ્યાજ આપતી સંપત્તિઓને પસંદ કરે છે. પરિણામે, ક્રૂડના ભાવમાં ઉછાળો અને યુએસ ડોલર મજબૂત થયા પછી 11 મેના રોજ હાજર સોનાના ભાવમાં ઘટાડો થયો હતો. શાંતિ સમજૂતીની આશાઓ ધૂંધળી થતાં હાજર સોનાના ભાવમાં આશરે 0.6%નો ઘટાડો નોંધાયો હતો.

ભારત માટે, વધતા વૈશ્વિક સોનાના ભાવ વધારાનો આર્થિક બોજ ઊભો કરે છે. કારણ કે, દેશ વિદેશી ચલણનો ઉપયોગ કરીને તેનું મોટા ભાગનું સોનું આયાત કરે છે. ઇંધણ સંરક્ષણ અને ઘટાડેલી આયાત ઉપરાંત, મોદીએ ખાદ્ય તેલનો વપરાશ ઘટાડવા, રાસાયણિક ખાતરોનો ઉપયોગ ઘટાડવા અને કુદરતી ખેતી અને સ્વદેશી ઉત્પાદનોને વધુ અપનાવવાનું પણ આહ્વાન કર્યું હતું. મોદી સરકારે વૈશ્વિક બજારોના દબાણ છતાં અત્યાર સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવ મોટા ભાગે યથાવત રાખ્યા છે. જોકે, અધિકારીઓનું કહેવું છે કે જો ક્રૂડના ભાવ ઊંચા રહેશે તો ઇંધણ રિટેલરો અનિશ્ચિત સમય સુધી નુકસાન સહન કરી શકશે નહીં. અપેક્ષા મુજબ, મોદીના ‘કોવિડ જેવી વ્યવસ્થા’ના ઉલ્લેખથી બજારોમાં ખળભળાટ મચી ગયો હોઈ શકે છે.

એક વાત સ્પષ્ટ છે: મોદી માત્ર સલાહ નથી આપી રહ્યા. તેઓ આપણને તૈયાર કરી રહ્યા છે. અત્યારે આપણે શેનો સામનો કરી રહ્યા છીએ? તેલના ભાવમાં વધારો? ચોક્કસપણે, ઇંધણના ભાવમાં મોટો વધારો થઈ શકે છે. 2026ના બાકીના સમય માટે કોઈ મોટી વિધાનસભા ચૂંટણી નથી. ચૂંટણીનો આગામી રાઉન્ડ – ગોવા, મણિપુર, પંજાબ અને ઉત્તરાખંડમાં – 2027 ની શરૂઆત સુધી યોજાશે નહીં. આ રાજ્યોમાં વિધાનસભાની મુદત માર્ચ 2027 માં સમાપ્ત થઈ રહી છે.

આ બાબત કેન્દ્રને અત્યારે ઊંચા ભાવના આર્થિક બોજને સહન કરવા અને સરકારી તિજોરીને સ્થિર કરવા માટે પાંચથી છ મહિનાનો નિર્ણાયક સમયગાળો આપે છે, જે ૨૦૨૭ની ચૂંટણીઓ પહેલાં લોકપ્રિય નિર્ણયો લેવા માટે પૂરતો અવકાશ પૂરો પાડે છે.મોદી કેવા પ્રકારનું રાજકીય જોખમ લેવા તૈયાર છે, તે આગામી મહિનાઓમાં આર્થિક નીતિઓની દિશા નક્કી કરશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top