
આસામ અને પશ્ચિમ બંગાળમાં મોટી રાજકીય સફળતા બાદ હવે ભારતીય જનતા પાર્ટી (BJP) સંગઠન અને સરકાર બંને સ્તરે મોટા ફેરફારોની તૈયારીમાં હોવાનું માનવામાં આવી રહ્યું છે. આસામમાં NDA સરકાર સતત ત્રીજી વખત સત્તામાં આવી છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં પ્રથમ વખત BJP સરકાર રચાતા પાર્ટીમાં ઉત્સાહનો માહોલ છે. આ જીત બાદ હવે સૌની નજર ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી રાજકીય રણનીતિ પર છે. ગુવાહાટીમાં યોજાયેલા ભવ્ય શપથ ગ્રહણ સમારોહમાં હિમંત બિસ્વા શર્માએ ફરી મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રીઓ, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને NDAના સાથી પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા. બીજી તરફ, કોલકાતામાં 9 મેના રોજ BJPની પહેલી પશ્ચિમ બંગાળ સરકારનું શપથ ગ્રહણ પણ ચર્ચામાં રહ્યું હતું.
આ વચ્ચે હવે કેન્દ્ર સરકારમાં કેબિનેટ ફેરબદલની અટકળો જોર પકડી રહી છે. 26 મેના રોજ મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, જ્યારે 9 જૂન 2026એ મોદી 3.0 સરકારને બે વર્ષ પૂર્ણ થશે. અગાઉના કાર્યકાળના ટ્રેન્ડ પર નજર કરીએ તો વડાપ્રધાન મોદીએ લગભગ બે વર્ષ બાદ મંત્રીમંડળમાં ફેરફાર કર્યા હતા. તેથી આ વખતે પણ કેબિનેટ વિસ્તરણ અથવા વિભાગોમાં મોટા બદલાવની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ કેન્દ્ર સરકારમાં કુલ 72 મંત્રીઓ છે, જ્યારે બંધારણીય મર્યાદા મુજબ 81 મંત્રીઓ સુધી નિમણૂક થઈ શકે છે. રાજકીય સૂત્રોના જણાવ્યા મુજબ, કેટલાક નવા ચહેરાઓને તક મળી શકે છે, જ્યારે કેટલાક વર્તમાન મંત્રીઓની કામગીરીના આધારે જવાબદારીઓ બદલાઈ શકે છે. આગામી વર્ષે અનેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. એવામાં BJP પ્રાદેશિક અને જાતિ સમીકરણોને ધ્યાનમાં રાખીને પોતાની ટીમ મજબૂત બનાવવા માગે છે. ખાસ કરીને દક્ષિણ ભારત, પૂર્વ ભારત અને યુવાનોમાં પક્ષનો પ્રભાવ વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
ભાજપના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમને લઈને પણ પાર્ટીમાં ભારે ચર્ચા ચાલી રહી છે. માનવામાં આવે છે કે તેઓ ટૂંક સમયમાં પોતાની કોર ટીમ જાહેર કરી શકે છે. પાર્ટી સૂત્રોના જણાવ્યા મુજબ, નવી ટીમમાં અનુભવી નેતાઓની સાથે યુવા ચહેરાઓને પણ મોટી જવાબદારી આપવામાં આવશે. ખાસ કરીને 50 વર્ષથી ઓછી ઉંમરના નેતાઓને સંગઠનમાં આગળ લાવવાનો પ્રયાસ થઈ શકે છે. BJP હવે આગામી 15-20 વર્ષ માટેનું નેતૃત્વ તૈયાર કરવા માગે છે. આ માટે યુવા અને ટેકનોલોજી સમજતા નેતાઓને સંગઠનમાં સ્થાન મળી શકે છે. સાથે સાથે મહિલાઓને પણ વધુ પ્રતિનિધિત્વ આપવા પર ભાર મુકાઈ રહ્યો છે. મહિલા અનામત અને મહિલા સશક્તિકરણના મુદ્દે BJP પોતાની રાજકીય છાપ વધુ મજબૂત બનાવવા માંગે છે. તેથી નવી ટીમમાં મહિલાઓની સંખ્યા વધવાની શક્યતા છે. RSS અને BJP વચ્ચે પણ નવી ટીમ અંગે સતત ચર્ચા ચાલી રહી હોવાનું કહેવામાં આવે છે. RSS એવા ચહેરાઓને આગળ લાવવા ઈચ્છે છે જે વિચારધારા સાથે મજબૂત રીતે જોડાયેલા હોય અને લાંબા ગાળે સંગઠનને મજબૂત બનાવી શકે. આવતા મહિનાઓમાં BJPમાં સંગઠન અને સરકાર બંને સ્તરે મોટા રાજકીય ફેરફારો જોવા મળી શકે છે. આસામ અને બંગાળની જીત બાદ હવે પક્ષનું ધ્યાન ‘મિશન 2027’ પર કેન્દ્રિત થઈ ગયું હોવાનું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે.