World

ઇરાન-અમેરિકા તણાવ વચ્ચે મોટો વળાંક, યુરેનિયમ ટ્રાન્સફર માટે તેહરાન તૈયાર

    ઇરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે હવે એક મહત્વપૂર્ણ રાજદ્વારી ફેરફાર સામે આવ્યો છે. ઇરાને પહેલીવાર સંવર્ધિત યુરેનિયમ ત્રીજા દેશમાં ટ્રાન્સફર કરવા માટે તૈયારી દર્શાવી છે. અત્યાર સુધી તેહરાન સતત એવો આગ્રહ રાખતું હતું કે તેનું યુરેનિયમ દેશની બહાર નહીં જાય, પરંતુ હવે આ વલણમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. આ નિર્ણય રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની એ ઓફર સાથે જોડાયેલો માનવામાં આવી રહ્યો છે, જેમાં રશિયાએ ઇરાનનું સંવર્ધિત યુરેનિયમ પોતાના દેશમાં રાખવાની તૈયારી દર્શાવી હતી. નિષ્ણાતો માને છે કે ઇરાનનું આ નવું વલણ અમેરિકા અને પશ્ચિમી દેશો સાથે ચાલી રહેલી તણાવભરી વાટાઘાટોમાં એક મહત્વપૂર્ણ સંકેત છે. આ દરમિયાન ઇરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધવિરામ અને પરમાણુ મુદ્દે હજુ પણ મડાગાંઠ યથાવત છે. બંને દેશો એકબીજા પર અતાર્કિક માંગો અને વાટાઘાટોને મુશ્કેલ બનાવવાના આરોપ લગાવી રહ્યા છે.

    અહેવાલો મુજબ, ઇરાને પાકિસ્તાન મારફતે અમેરિકા સુધી એક પ્રસ્તાવ પહોંચાડ્યો હતો. તેમાં તાત્કાલિક યુદ્ધ સમાપ્ત કરવાની માંગ સાથે હીઝબુલ્લાહ અને ઇઝરાયેલ વચ્ચેના સંઘર્ષને પણ સમાવવામાં આવ્યો હતો. જોકે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ પ્રસ્તાવને સંપૂર્ણપણે અસ્વીકાર્ય ગણાવ્યો હતો. બીજી તરફ, ઇરાને પણ અમેરિકાની દરખાસ્તને અવાસ્તવિક ગણાવીને ફગાવી દીધી હતી. તેહરાનનું કહેવું છે કે અમેરિકા હજુ પણ એકપક્ષીય શરતો મૂકી રહ્યું છે અને પહેલા ઇરાન પરના પ્રતિબંધો હટાવ્યા વિના પરમાણુ કાર્યક્રમ અંગે ચર્ચા કરવા માગે છે. ઇરાને સ્પષ્ટ કહ્યું છે કે તે કોઈ રાહત નથી માંગતું, પરંતુ પોતાનો અધિકાર માંગે છે. સાથે જ તેહરાને એવી પણ માંગ કરી છે કે અમેરિકા તેની આર્થિક અને નૌકાદળની ઘેરાબંધી દૂર કરે. ત્યારબાદ જ પરમાણુ કાર્યક્રમ અને યુરેનિયમ સંવર્ધન અંગે આગળની ચર્ચા શક્ય બનશે. હાલ પરિસ્થિતિ એટલી ગંભીર છે કે મિડલ ઇસ્ટમાં ફરી મોટા યુદ્ધની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઇરાને હોર્મુઝની સામુદ્રધુની આસપાસ પોતાની ઘેરાબંધી જારી રાખી છે, જ્યારે અમેરિકા પણ ઇરાન પર દબાણ વધારી રહ્યું છે.

    આ દરમિયાન ટ્રમ્પ આ અઠવાડિયે ચીનની મુલાકાત લેવાના છે. માનવામાં આવી રહ્યું છે કે આ પ્રવાસ દરમિયાન તેઓ ચીન પર દબાણ લાવવાનો પ્રયાસ કરશે, જેથી બેઇજિંગ ઇરાનને સમાધાન માટે મનાવી શકે. ચીન હાલમાં ઇરાનના ક્રૂડ ઓઇલનો સૌથી મોટો ખરીદદાર છે અને અમેરિકી પ્રતિબંધોની વચ્ચે પણ તેણે ઇરાની તેલની ખરીદી ચાલુ રાખી છે. અમેરિકા અને ઇઝરાયેલ બંને ઇચ્છે છે કે ઇરાન પાસેથી સંવર્ધિત યુરેનિયમ સંપૂર્ણપણે દૂર કરવામાં આવે, કારણ કે તેનો ઉપયોગ પરમાણુ બોમ્બ બનાવવા માટે થઈ શકે છે. જોકે ઇરાન સતત દાવો કરી રહ્યું છે કે તેનો પરમાણુ કાર્યક્રમ સંપૂર્ણપણે શાંતિમય હેતુઓ માટે છે અને તેનો ઉપયોગ નાગરિક ઊર્જા જરૂરિયાતો માટે કરવામાં આવે છે.

    ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પણ આ મુદ્દે કડક વલણ અપનાવ્યું છે. તેમણે કહ્યું કે ઇરાનમાંથી પરમાણુ સામગ્રી દૂર કરવાનું લક્ષ્ય હજુ પૂર્ણ થયું નથી. જો રાજદ્વારી માર્ગથી ઉકેલ નહીં આવે તો લશ્કરી કાર્યવાહી દ્વારા આ હેતુ હાંસલ કરવો પડશે. બીજી તરફ, હોર્મુઝની કટોકટીના કારણે વૈશ્વિક તેલ અને કુદરતી ગેસના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. વિશ્વભરના બજારોમાં ચિંતા વધી રહી છે કે જો મિડલ ઇસ્ટમાં તણાવ વધુ વધશે તો તેની સીધી અસર વૈશ્વિક અર્થતંત્ર પર પડશે. હવે સમગ્ર વિશ્વની નજર અમેરિકા, ઇરાન, રશિયા અને ચીન વચ્ચે ચાલતી આ જટિલ રાજદ્વારી અને સુરક્ષા ચર્ચાઓ પર ટકેલી છે.

    Most Popular

    To Top