IPL 2026માં રવિવારે રમાયેલી રોમાંચક મેચ બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ના સ્ટાર બેટ્સમેન ટિમ ડેવિડ વિવાદમાં ફસાયા છે. રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ સ્ટેડિયમમાં રમાયેલી આ હાઈ-વોલ્ટેજ મેચમાં RCB એ મુંબઈ ઈન્ડિયન્સ (MI)ને 2 વિકેટે હરાવ્યું હતું. પરંતુ મેચ બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોએ નવી ચર્ચા જગાવી છે. વાયરલ વીડિયોમાં ટિમ ડેવિડ RCBના ડગઆઉટમાં જીતની ઉજવણી કરતા જોવા મળે છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે ઉજવણી દરમિયાન તેમણે બંને હાથની મિડલ ફિંગર બતાવી અશ્લીલ ઈશારો કર્યો હતો. જોકે, વીડિયોની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી અને RCB અથવા BCCI તરફથી પણ કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી.
ટિમ ડેવિડ અગાઉ ત્રણ સીઝન સુધી મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ રહી ચૂક્યો છે. તેથી ઘણા ફેન્સ આ ઘટનાને તેમની ભૂતપૂર્વ ટીમ સામેની પ્રતિક્રિયા તરીકે જોઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર વીડિયો ઝડપથી વાયરલ થતાં ક્રિકેટ ચાહકો વચ્ચે ચર્ચા તેજ બની ગઈ છે. મેચની વાત કરીએ તો RCBને જીતવા માટે 167 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. ટીમ માટે મેચ સરળ નહોતી, કારણ કે ટિમ ડેવિડ પોતે ગોલ્ડન ડકનો શિકાર બન્યો હતો. જોકે, અંતિમ ઓવરમાં ભુવનેશ્વર કુમારે મહત્વપૂર્ણ સિક્સર ફટકારી મેચનો રંગ બદલી નાખ્યો હતો. છેલ્લી બોલ પર રસીક સલામ ડારે બે રન દોડીને RCBને રોમાંચક જીત અપાવી હતી.
આ મેચમાં ક્રુણાલ પંડ્યાએ 73 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જે RCBની જીતમાં નિર્ણાયક સાબિત થઈ હતી. બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સને અંતિમ ક્ષણોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. હવે બધાની નજર BCCI પર છે. જો વાયરલ વીડિયો સાચો સાબિત થાય અને તેને આચારસંહિતાનો ભંગ માનવામાં આવે, તો ટિમ ડેવિડ સામે દંડ અથવા સસ્પેન્શન જેવી કાર્યવાહી થઈ શકે છે. જોકે, હાલમાં સમગ્ર મામલો સોશિયલ મીડિયા ચર્ચા સુધી જ સીમિત છે.