ગાંધીનગર
પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના ‘ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન’ અંતર્ગત ગુજરાતને વધુ બે મહત્વપૂર્ણ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સની ભેટ મળી છે. કેન્દ્રીય કેબિનેટે ગુજરાત માટે કુલ રૂ. 3,936 કરોડના બે નવા અત્યાધુનિક સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે, જેના પરિણામે ગુજરાત દેશના ચિપ ઉત્પાદન ક્ષેત્રે અગ્રેસર બની રહ્યું છે.વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજનમાં ક્રિસ્ટલ મેટ્રિક લીમીટેડ દ્વારા રૂ. 3,068 કરોડનું રોકાણ કરવામાં આવશે, જ્યારે સુરતમાં સુચી સેમીકોન પ્રા.લીમીટેડ દ્વારા રૂ. 868 કરોડના ખર્ચે સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ સુવિધા ઉભી કરવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં હવે દેશના કુલ 12 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સમાંથી 6 પ્રોજેક્ટ્સ કાર્યરત અથવા વિકાસાધીન છે, જે રાજ્યને દેશના સેમિકન્ડક્ટર ક્ષેત્રનું મુખ્ય કેન્દ્ર બનાવે છે. ધોલેરા, સાણંદ અને હવે સુરત પણ વૈશ્વિક ચિપ ઉત્પાદન નકશા પર પોતાની આગવી ઓળખ ઉભી કરશે.
મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતે દેશની પ્રથમ સેમિકન્ડક્ટર નીતિ જાહેર કરી હતી. તેના પરિણામે રાજ્યમાં અંદાજે રૂ. 1.24 લાખ કરોડના મોટા પ્રોજેક્ટ્સ આકાર લઈ રહ્યા છે. આ સમગ્ર વ્યવસ્થાને વેગ આપવા માટે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રોનિક્સ મિશન (GSEM) રોકાણકારોને સિંગલ વિન્ડો સુવિધા આપી રહ્યું છે.
ધોલેરામાં દેશની પ્રથમ મિની/માઇક્રો-એલઇડી સુવિધા
ધોલેરામાં ક્રિસ્ટલ મેટ્રિક લીમીટેડ દ્વારા સ્થાપવામાં આવનાર પ્લાન્ટ દેશની પ્રથમ કમ્પાઉન્ડ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન સુવિધા હશે. અહીં ગેલિયમ નાઇટ્રાઇડ ટેકનોલોજી આધારિત મિની અને માઇક્રો એલઇડી ડિસ્પ્લેનું ઉત્પાદન કરવામાં આવશે.આ પ્લાન્ટ દર વર્ષે 72,000 ચોરસ મીટર ડિસ્પ્લે પેનલ્સ અને 24,000 સેટ આરજીબી વેફર્સનું ઉત્પાદન કરશે. ભવિષ્યમાં સ્માર્ટફોન, ઇલેક્ટ્રિક વાહનોના ડેશબોર્ડ અને અદ્યતન ટેલિવિઝન સ્ક્રીનમાં ‘મેડ ઇન ગુજરાત’ ચિપ્સનો ઉપયોગ થશે.
સુરત હવે હાઇ-ટેક ચિપ ઉત્પાદનનું નવું કેન્દ્ર
હીરા અને કાપડ ઉદ્યોગ માટે જાણીતા સુરતમાં હવે હાઇ-ટેક સેમિકન્ડક્ટર ચિપ્સનું ઉત્પાદન પણ થશે. સુચી સેમીકોન પ્રા.લીમીટેડ દ્વારા ઉભી થનાર ઓએસએટી સુવિધામાં દર વર્ષે 103 કરોડથી વધુ ચિપ્સનું ઉત્પાદન કરવામાં આવશે.આ ચિપ્સનો ઉપયોગ ખાસ કરીને વાહન ઉદ્યોગ અને ઔદ્યોગિક સ્વચાલન ક્ષેત્રમાં થશે, જે દેશના ટેકનોલોજી આધારિત ઉત્પાદન ક્ષેત્રને નવી ગતિ આપશે.આ બંને પ્રોજેક્ટ્સથી રાજ્યમાં 2,230થી વધુ ઉચ્ચ તકનિકી રોજગારીની તકો ઉભી થશે. ઉપરાંત હજારો પરોક્ષ રોજગારી પણ સર્જાશે. ગુજરાત સરકાર દ્વારા જમીન, પાણી, વીજળી અને અન્ય માળખાકીય સુવિધાઓ પૂરી પાડી પ્રોજેક્ટ્સને સમયસર કાર્યરત કરવા માટે સંપૂર્ણ સહયોગ આપવામાં આવશે.મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, ગુજરાત હવે માત્ર ઔદ્યોગિક રાજ્ય નહીં પરંતુ દેશના ‘સિલિકોન સ્ટેટ’ તરીકે નવી ઓળખ સ્થાપિત કરી રહ્યું છે.