વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક નિવેદન બાદ દેશના શેરબજારમાં જ્વેલરી સેક્ટરમાં ભારે ઉથલપાથલ જોવા મળી હતી. 11 મેના રોજ જ્વેલરી કંપનીઓના શેરોમાં મોટો ઘટાડો નોંધાયો હતો. પીએમ મોદીએ હૈદરાબાદમાં યોજાયેલા એક જાહેર કાર્યક્રમ દરમિયાન લોકોને એક વર્ષ સુધી સોનું ન ખરીદવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે દેશનું વિદેશી મુદ્રા ભંડાર બચાવવા માટે સોનાની આયાત ઘટાડવી જરૂરી છે. આ નિવેદન બાદ રોકાણકારોમાં ગભરાટ ફેલાયો અને જ્વેલરી કંપનીઓના શેરોમાં ભારે વેચવાલી શરૂ થઈ ગઈ.
દેશની સૌથી મોટી જ્વેલરી કંપની ટાઇટનના શેરમાં સૌથી વધુ અસર જોવા મળી. શેર બજાર ખુલતા જ ટાઇટનનો શેર તેના અગાઉના બંધ ભાવ 4517 રૂપિયાથી ઘટીને 4350 રૂપિયા પર આવી ગયો. થોડા જ સમયમાં તેમાં 7 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો અને શેર લગભગ 4150 રૂપિયાના સ્તરે પહોંચી ગયો. આ ઘટાડાના કારણે ટાટા ગ્રુપની આ કંપનીની માર્કેટ વેલ્યુમાં પણ મોટો ઘટાડો થયો હતો. માત્ર ટાઇટન જ નહીં, અન્ય જ્વેલરી કંપનીઓના શેરોમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો હતો. કલ્યાણ જ્વેલર્સ અને સેન્કો ગોલ્ડના શેર લગભગ 10 ટકા સુધી તૂટી ગયા હતા. પીએન ગાડગિલના શેરમાં 8 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે થંગમયિલ જ્વેલરી અને પીસી જ્વેલર જેવા અન્ય શેરોમાં પણ 5થી 6 ટકાની નબળાઈ જોવા મળી હતી. ગોલ્ડિયમ ઇન્ટરનેશનલનો શેર પણ 5 ટકાથી વધુ તૂટી ગયો હતો.
પીએમ મોદીએ પોતાના ભાષણ દરમિયાન લોકોને સોનાની ખરીદી ટાળવાની સલાહ આપી હતી. તેમનો મત હતો કે ભારત દર મહિને સોનાની આયાત પાછળ અબજો ડોલર ખર્ચે છે, જેના કારણે દેશના વિદેશી મુદ્રા ભંડાર પર ભાર પડે છે. તેમણે દેશના નાગરિકોને સ્થાનિક રોકાણ અને ઉત્પાદન આધારિત અર્થતંત્રને મજબૂત બનાવવામાં સહયોગ આપવા અપીલ કરી હતી. આ નિવેદન બાદ બજારમાં એવી ચર્ચા પણ શરૂ થઈ કે સરકાર ટૂંક સમયમાં સોનાની આયાત પરની ડ્યુટી વધારી શકે છે. સેન્કો ગોલ્ડના મેનેજિંગ ડિરેક્ટર સુવંકર સેનએ એક મીડિયા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જો સરકાર ગોલ્ડ ઇમ્પોર્ટ ડ્યુટી વધારશે તો સોનાની માંગમાં 10થી 12 ટકા સુધીનો ઘટાડો આવી શકે છે.