દમણનો કુખ્યાત બુટલેગર સુરેશ ઉર્ફે સુખો જગુ પટેલ ઝડપાયો,આરોપી વિરુધ 10થી વધુ પ્રોહિબિશન કેસ નોંધાયેલ
દક્ષિણ ગુજરાતમાં વિદેશી દારૂના ગેરકાયદેસર સપ્લાય માટે કુખ્યાત ગણાતા દમણના બુટલેગર સુરેશ ઉર્ફે સુખો જગુ પટેલને સુરત જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ દમણમાંથી સફળ ગુપ્ત ઓપરેશન દ્વારા ઝડપી પાડ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચાલી રહેલી ખાસ કાર્યવાહી દરમિયાન આ મહત્વપૂર્ણ સફળતા મળી છે. પ્રાપ્ત માહિતી મુજબ સુરેશ જગુ પટેલ સામે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં 10થી વધુ પ્રોહિબિશન સંબંધિત ગુનાઓ નોંધાયેલા છે. તે લાંબા સમયથી દમણથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વિદેશી દારૂનો ગેરકાયદેસર જથ્થો સપ્લાય કરતો હોવાનું સામે આવ્યું છે.
ખાસ કરીને માર્ચ 2026 દરમિયાન સુરત જિલ્લાના કોસંબા વિસ્તારમાં પોલીસે અંદાજે ₹16.24 લાખનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કેસની તપાસ દરમિયાન દારૂનો સપ્લાય કરનાર તરીકે સુરેશ ઉર્ફે સુખો જગુ પટેલનું નામ બહાર આવ્યું હતું. જે બાદ દક્ષિણ ગુજરાત રેન્જના આઈજી પ્રેમવીરસિંહ દ્વારા આવા ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓને ઝડપી પાડવા ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી.તેના અનુસંધાનમાં સુરત જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ આર.બી. ભટોળ, પેરોલ-ફર્લો સ્ક્વોડ ઇન્ચાર્જ પીઆઈ એન.જી. પાંચાણી તેમજ પીએસઆઈ એ.એન. ચૌહાણ અને ટીમે દમણ ખાતે અત્યંત ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું હતું.
આ કાર્યવાહી દરમિયાન આરોપીને નાની દમણના ભીમપોર વિસ્તારના કુંડ ફળિયા ખાતે આવેલા તેના નિવાસસ્થાનેથી ગત રાત્રે ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં ગેરકાયદેસર દારૂની હેરફેર અટકાવવા માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેથી કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ પર કોઈ અસર ન પડે. પકડાયેલા આરોપી સુરેશ ઉર્ફે સુખો જગુ પટેલને વધુ કાયદેસરની કાર્યવાહી માટે કિમ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર નેટવર્ક, સપ્લાય ચેન અંગે વધુ તપાસ શરૂ કરી છે.