અમદાવાદ: અમદાવાદ મંડળમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ ચાલી રહેલા કામને કારણે 19 એપ્રિલ 2026ના રોજ ટ્રાફિક બ્લોક લેવામાં આવશે, જેના કારણે અનેક ટ્રેનોના સંચાલન પર અસર પડશે. પશ્ચિમ રેલવે દ્વારા ગેરતપુર–અમદાવાદ ખંડ પર પ્રીકાસ્ટેડ પોર્ટલ બીમ સ્થાપિત કરવા માટે આ બ્લોક લેવામાં આવી રહ્યો છે. આ પરિસ્થિતિમાં વેસ્ટર્ન રેલ્વે દ્વારા મુસાફરોને પૂર્વ જાણ કરવામાં આવી છે કે કેટલીક ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ/ઓરિજિનેટ કરવામાં આવશે, કેટલીક ટ્રેનો રદ રહેશે અને કેટલીક ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવશે.
રેલ્વેના સુત્રોના જણાવ્યા પ્રમાણે ટ્રેન નંબર 20902 ગાંધીનગર કેપિટલ–મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ 19 એપ્રિલના રોજ અમદાવાદથી જ પ્રારંભ થશે અને ગાંધીનગર કેપિટલ–અમદાવાદ વચ્ચે રદ રહેશે.
જ્યારે ટ્રેન નંબર 20901 મુંબઈ સેન્ટ્રલ–ગાંધીનગર કેપિટલ વંદે ભારત એક્સપ્રેસ વટવા સ્ટેશન પર સમાપ્ત કરવામાં આવશે અને આગળનો માર્ગ રદ રહેશે. તે ઉપરાંત, વટવા–વડોદરા અને વડોદરા–વટવા વચ્ચે ચાલતી મેમુ ટ્રેનો તેમજ વડોદરા–જામનગર અને જામનગર–વડોદરા ઇન્ટરસિટી ટ્રેનો પણ નિર્ધારિત તારીખે રદ રાખવામાં આવી છે. વલસાડ–અમદાવાદ ગુજરાત ક્વીન ટ્રેન વડોદરા–અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. આ સિવાય કેટલીક લાંબા અંતરની ટ્રેનો જેમ કે આસનસોલ–અમદાવાદ, હાવડા–અમદાવાદ અને સિકંદરાબાદ–રાજકોટ એક્સપ્રેસને વડોદરા મંડળમાં વિલંબ સાથે ચલાવવામાં આવશે, જેમાં અંદાજે 45 મિનિટથી 1 કલાક 40 મિનિટ સુધીનો વિલંબ શક્ય છે.