National

નાગરિકતા પહેલા મતદાર યાદીમાં નામ? સોનિયા ગાંધીને કોર્ટનો નોટિસ, કોર્ટે એક સપ્તાહમાં જવાબ માંગ્યો

કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી સામે ચાલતા એક જૂના કેસમાં હવે એક નવો વળાંક આવ્યો છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટએ આ મામલે મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે અને સોનિયા ગાંધીના વકીલને એક સપ્તાહની અંદર જવાબ આપવા જણાવ્યું છે. કેસ મતદાર યાદીમાં તેમના નામની નોંધણી અને નાગરિકતા સંબંધિત છે. આ મામલો એ મુદ્દે છે કે સોનિયા ગાંધીનું નામ ભારતીય નાગરિકતા મળ્યા પહેલા જ મતદાર યાદીમાં કેવી રીતે સામેલ થયું. અરજીકર્તા વિકાસ ત્રિપાઠીએ કોર્ટમાં દાવો કર્યો છે કે સોનિયા ગાંધીને ભારતની નાગરિકતા 1983માં મળી હતી, પરંતુ તેમનું નામ તે પહેલા એટલે કે 1980માં દિલ્હીની મતદાર યાદીમાં સામેલ કરવામાં આવ્યું હતું.

અરજીકર્તાના જણાવ્યા મુજબ, 1980માં નામ ઉમેર્યા બાદ 1982માં તેને યાદીમાંથી દૂર કરવામાં આવ્યું હતું અને પછી 1983માં ફરીથી સામેલ કરવામાં આવ્યું હતું. તેઓનો આક્ષેપ છે કે આ પ્રક્રિયા દરમિયાન રાજકીય પ્રભાવ અને છેતરપિંડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ કારણે સોનિયા ગાંધી સામે ગુનાહિત કાર્યવાહી થવી જોઈએ એવી માંગ પણ કરવામાં આવી છે. શનિવારે થયેલી સુનાવણી દરમિયાન અરજીકર્તા તરફથી તમામ દલીલો રજૂ કરી દેવામાં આવી છે. તેમણે કોર્ટ પાસે ચૂંટણી પંચનો રિપોર્ટ રજૂ કરવાની મંજૂરી પણ માંગી છે, જેથી વધુ સ્પષ્ટતા મળી શકે. બીજી તરફ, સોનિયા ગાંધીના વકીલે આ આરોપોના જવાબ માટે સમય માંગ્યો છે, જે કોર્ટ દ્વારા સ્વીકારવામાં આવ્યો છે.

કોર્ટે હવે સોનિયા ગાંધી પક્ષને એક સપ્તાહની અંદર પોતાનો જવાબ દાખલ કરવા કહ્યું છે. આ કેસની આગામી સુનાવણી 16 મેના રોજ થશે, જેમાં વધુ ચર્ચા થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આ મામલે સપ્ટેમ્બર 2025માં પણ સુનાવણી થઈ હતી, અને ત્યારથી કોર્ટ આ મુદ્દાની કાયદાકીય રીતે તપાસ કરી રહી છે. આ કેસ રાજકીય રીતે પણ મહત્વનો માનવામાં આવે છે, કારણ કે તે દેશના મોટા રાજકીય નેતા સાથે જોડાયેલો છે. કોર્ટમાં બંને પક્ષોની દલીલો અને પુરાવાઓના આધારે નિર્ણય લેવામાં આવશે. હવે બધાની નજર આગામી સુનાવણી પર છે, જ્યાં આ કેસમાં વધુ સ્પષ્ટતા થવાની શક્યતા છે.

Most Popular

To Top