એક સપ્તાહમાં બીજી વાર ભાવવધારો થતાં સામાન્ય જનતા પર મોંઘવારીનો વધુ બોજ
વડોદરા: દેશવાસીઓ પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર પ્રતિ લીટર 90 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. એક જ સપ્તાહમાં ઇંધણના ભાવમાં થયેલો આ બીજો વધારો હોવાથી સામાન્ય નાગરિકોની ચિંતા વધી ગઈ છે.
નવી કિંમતો લાગુ થતા વાહનચાલકોને વધુ ખર્ચનો સામનો કરવો પડશે. નિષ્ણાતોના મતે પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થવાથી પરિવહન ખર્ચમાં વધારો થશે, જેની સીધી અસર રોજિંદા જીવનમાં ઉપયોગી ચીજવસ્તુઓના ભાવ પર પણ પડી શકે છે.
ખાસ કરીને મધ્યમવર્ગ અને રોજિંદા વાહનવ્યવહાર પર આધારિત લોકો માટે આ ભાવવધારો મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. ટ્રાન્સપોર્ટ, કૃષિ અને નાના વેપારીઓ પર પણ તેની અસર જોવા મળશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઇંધણના વધતા ભાવોને લઈને લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે અને સરકાર સામે ભાવ નિયંત્રણ માટે માંગ ઉઠી રહી છે.