World

700 ડ્રોન અને મિસાઇલથી હુમલા કરી રશિયાએ યુક્રેનને હચમચાવ્યું, 16ના મોત, 80થી વધુ ઘાયલ

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધ વધુ ખતરનાક બની રહ્યું છે. બુધવારે રાત્રે, રશિયાએ યુક્રેન પર એક વિશાળ હવાઈ હુમલો કર્યો, જેને અત્યાર સુધીનો સૌથી મોટો માનવામાં આવે છે. આ હુમલાએ યુક્રેનના અનેક શહેરોમાં વિનાશ સર્જ્યો અને નાગરિકોને ગંભીર અસર કરી. યુક્રેનિયન વિદેશ પ્રધાન એન્ડ્રી ત્સિબિહાએ જણાવ્યું હતું કે રશિયાએ આ હુમલામાં આશરે 700 ડ્રોન અને ડઝનબંધ મિસાઇલોનો ઉપયોગ કર્યો હતો. તાજેતરના દિવસોમાં આટલા મોટા પાયે આ પ્રકારનો આ પહેલો હુમલો છે. ખાસ કરીને રાજધાની કિવ પર થયેલા હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે.

કિવ પર ત્રાટકેલી મિસાઇલોમાં 12 વર્ષના બાળક સહિત ચાર લોકો માર્યા ગયા અને 50થી વધુ લોકો ઘાયલ થયા. દક્ષિણ શહેર ઓડેસા પણ ખરાબ રીતે પ્રભાવિત થયું, જેમાં નવ લોકો માર્યા ગયા. આ ઉપરાંત, ડિનીપર અને ઝાપોરિઝ્ઝિયામાં જાનહાનિ નોંધાઈ છે. જેમાં કુલ 16 લોકો માર્યા ગયા અને 80થી વધુ ઘાયલ થયા છે. રશિયાએ આ હુમલામાં ઈરાની બનાવટના “શાહેદ” ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. યુક્રેનની હવાઈ સંરક્ષણ પ્રણાલી સક્રિય રહી અને હવામાં ઘણા ડ્રોન અને મિસાઇલોનો નાશ કર્યો. યુક્રેનનો દાવો છે કે 703માંથી 667 લક્ષ્યોને તોડી પાડવામાં આવ્યા હતા. જોકે, કેટલીક મિસાઇલો અને ડ્રોન ભાંગી ગયા અને નાગરિક વિસ્તારોમાં પડી ગયા, જેના કારણે નોંધપાત્ર નુકસાન થયું છે.

હુમલા બાદ, યુક્રેનિયન સરકારે તેને યુદ્ધ અપરાધ ગણાવ્યો હતો. વિદેશ પ્રધાન ત્સિબિહાએ જણાવ્યું હતું કે નિર્દોષ લોકોને નિશાન બનાવવા અસ્વીકાર્ય છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયે આ મુદ્દા પર કડક પગલાં લેવા જોઈએ. આ ઘટનાએ સમગ્ર યુરોપમાં ચિંતાઓ ઉભી કરી છે. ઘણા દેશોને હવે ડર છે કે આ યુદ્ધ લાંબા સમય સુધી ચાલુ રહેશે. વર્તમાન પરિસ્થિતિ સૂચવે છે કે રશિયા અને યુક્રેન વચ્ચેનો સંઘર્ષ હજુ પૂરો થયો નથી, અને આગામી દિવસોમાં વધુ તણાવ વધશે એવી સંભાવના છે.

Most Popular

To Top