Vadodara

ડીજેના આઈસર ટેમ્પોમાં ઘૂસી જતા બાઈક સવારનું ટૂંકી સારવાર દરમિયાન મોત

( પ્રતિનિધિ )વડોદરા,તા.26

રસ્તા પર અવરોધ રૂપ ડીજે વાહનોનો ખડકલો જામતા અકસ્માત સર્જાયો હતો. શહેરના કિશનવાડી ગધેડા માર્કેટથી મહાવીર હોલ ચાર રસ્તા તરફ ભાથુજી ચોક પાસે વાહન પર નિયંત્રણ ગુમાવતા રોડ સાઈડ પર પાર્ક થયેલા ડીજે મુકેલા આઈસર ટેમ્પોમાં બાઈક સવાર ઘુસી જતા ઈજાગ્રસ્ત થયો હતો. જેને તાત્કાલિક સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું હતું.

વડોદરામાં અકસ્માતોની વણથંભી વણઝાર અટકવાનું નામ લઈ રહી નથી. ત્યાંતો વધુ એક અકસ્માતની ઘટના બની હતી. શહેરના ગધેડા માર્કેટ ચાર રસ્તા નજીક ભાથુજી ચોક પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં રોડ સાઈડ પર ઉભેલી આઇસરમાં બાઇલ ચાલક પાછળના ભાગે ઘુસી ગયો હતો. સર્જાયેલા અકસ્માતમાં ચાલકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક સ્થાનિક લોકો દ્વારા 108 મારફતે તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું. સ્થાનિકોના આક્ષેપ મુજબ બાઈક સવાર નશો કરેલી હાલતમાં હતો. જેમાં કારણે તેણે નિયંત્રણ ગુમાવતા અકસ્માત થયો હતો.બનાવ અંગે સ્થાનિક પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે. જોકે, કિશનવાડી ગધેડા માર્કેટ ચાર રસ્તાથી માંડી મહાવીર હોલ ચાર રસ્તા સુધી જાહેર માર્ગ પર અનેક દબાણો ઉભા થઇ ગયા છે. ખાસ કરીને ડીજેના સંચાલકો પોતાના મોટા વાહનો આ માર્ગ પર પાર્ક કરે છે તેમજ અમુક લારીઓના દબાણો ઉભા થયા છે. જેના કારણે રસ્તો સાંકડો બન્યો છે. આ માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનોની અવર જવર રહેતી હોય છે. જેના કારણે અગાઉ પણ ઘણી વખત અકસ્માતોના બનાવો બન્યા છે. ત્યારે, આ માર્ગ પરથી અવરોધ રૂપ દબાણો હટાવવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.

Most Popular

To Top