ગાંધીનગર : રાજ્યમાં આગામી તા. ૨૧ માર્ચ સુધી કમોસમી વરસાદની આગાહી વચ્ચે કૃષિ વિભાગે ખેડૂતોને સાવચેત રહેવા અનુરોધ કર્યો છે. હવામાન વિભાગ મુજબ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, જામનગર, મોરબી, કચ્છ, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ બદલાયેલા હવામાનને ધ્યાનમાં રાખીને ખેડૂતોના તૈયાર તેમજ ઉભેલા પાકને નુકસાનથી બચાવવા કૃષિ વિભાગે વિશેષ માર્ગદર્શિકા જાહેર કરી છે. ખેડૂતોને કૃષિ પ્રગતિ એપ્લિકેશન તથા સોશિયલ મીડિયા મારફતે પણ જરૂરી સાવચેતીના પગલાં અંગે માહિતગાર કરવામાં આવી રહ્યા છે.
કૃષિ વિભાગે જણાવ્યું છે કે, જેમણે હજી સુધી પોતાના પાકને સુરક્ષિત રાખવા માટે પગલાં લીધા નથી, તેઓ તાત્કાલિક માર્ગદર્શિકા અનુસરી જરૂરી તકેદારી રાખે, જેથી મહામૂલાં પાકને નુકસાનથી બચાવી શકાય.
ખેડૂતો માટે મહત્વના સાવચેતીના પગલાં
- કાપણી કરેલો પાક ખેતરમાં ખુલ્લો હોય તો તેને તરત જ સલામત સ્થળે ખસેડવો અથવા તાડપત્રીથી ઢાંકી દેવો.
- પાકના ઢગલાની આસપાસ માટીનો પાળો બનાવી પાણી પ્રવેશ અટકાવવો.
- પાકેલા પાકની વહેલી તકે લલણી પૂર્ણ કરવી.
- ઉભા પાકમાં પાણી ભરાઈ ન રહે તે માટે નિકાલની વ્યવસ્થા કરવી.
- વરસાદી વાતાવરણમાં પિયત અને જંતુનાશક દવાના છંટકાવથી દૂર રહેવું.
- જીરું, ઈસબગુલ અને વરિયાળી જેવા સંવેદનશીલ પાકોને પ્રાથમિકતા આપીને સુરક્ષિત રાખવા.
- APMCમાં અનાજ અને ખેતપેદાશોને શેડ હેઠળ અથવા ઢાંકીને રાખવા.
- શક્ય હોય તો વરસાદી દિવસોમાં APMCમાં વેચાણ માટે માલ લાવવાનું ટાળવું.
- ખાતર અને બિયારણને ભેજથી બચાવવા સલામત જગ્યાએ સંગ્રહ કરવો.
વધુ માર્ગદર્શન માટે ખેડૂતોને પોતાના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી અથવા તાલુકા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવા સૂચન આપવામાં આવ્યું છે. ઉપરાંત કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧ પર સંપર્ક કરી વધુ માહિતી મેળવી શકાશે.