અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક સુનિયોજિત ગુપ્ત ઓપરેશનમાં નકલી ચલણી નોટોના વિશાળ રેકેટનો પર્દાફાશ કર્યો છે, જેનું જાળું સુરત અને રાજકોટ સુધી ફેલાયેલું હોવાનું સામે આવ્યું છે. અમરાઈવાડી વિસ્તારમાં શંકાસ્પદ ફોર્ચ્યુનર કારને રોકી તપાસ કરતા 5 પુરુષ અને 1 મહિલા સહિત કુલ 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી રૂપિયા 500ના દરની અંદાજે 2 કરોડથી વધુ કિંમતની હાઈ-ક્વોલિટી નકલી નોટો જપ્ત કરવામાં આવી છે.તપાસ દરમિયાન સામે આવેલી વિગતો મુજબ આ સમગ્ર નકલી નોટોના રેકેટમાં ટેક્નોલોજી અને વિદેશી સ્રોતોનો સુવ્યવસ્થિત ઉપયોગ કરવામાં આવ્યો હતો. ગેંગનો મુખ્ય સૂત્રધાર મુકેશભાઈ લાખાભાઈ ઠુમ્મર હોવાનું સામે આવ્યું છે, જેણે સુરતમાં પોતાના રહેણાંક મકાનમાં જ પ્રિન્ટિંગ માટે આધુનિક સેટઅપ તૈયાર કર્યો હતો.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ નોટો સુરતમાં છાપવામાં આવી હતી અને અમદાવાદમાં હેરાફેરી માટે લાવવામાં આવી હતી. વધુ ચોંકાવનારી બાબત એ છે કે આ નોટોના પરિવહન માટે ઉપયોગમાં લેવાયેલી કાર પર “Government of India” અને “આયુષ મંત્રાલય” જેવા ઉલ્લેખો કરવામાં આવ્યા હતા, જેથી પોલીસની નજરથી બચી શકાય. ક્રાઇમ બ્રાન્ચે આ ઓપરેશનને આગળ વધારી સુરતમાં પણ દરોડા પાડ્યા, જેમાં કુલ રૂપિયા 80 લાખની નકલી નોટો, પ્રિન્ટિંગ મશીન અને અન્ય સાધનો કબ્જે કરવામાં આવ્યા છે. તપાસ દરમિયાન સામે આવ્યું કે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ધોરણ પારડી વિસ્તારમાં આવેલા સત્યમ યોગ ફાઉન્ડેશનના આશ્રમમાં નકલી નોટો છાપવામાં આવતી હતી. આ સમગ્ર રેકેટના કથિત માસ્ટરમાઇન્ડ પ્રદીપ જોટાંગીયા ઉર્ફે પ્રદીપ ગુરુજીની ધરપકડ કરવામાં આવી છે. તેમના સહયોગી મુકેશ પટેલના Suratના સરથાણા વિસ્તારમાં આવેલા ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા, જ્યાંથી નકલી નોટોનો વધુ જથ્થો અને પ્રિન્ટર સહિતની મશીનરી મળી આવી હતી. મુકેશ પટેલને પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે.
તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે આરોપીઓએ નકલી નોટોને બજારમાં ફેલાવવા માટે એક આકર્ષક પરંતુ ગેરકાયદેસર સ્કીમ ઘડી હતી, જેમાં 500 રૂપિયાની અસલી નોટ આપો અને 1500ની નકલી નોટ લો. 2 કરોડની નકલી નોટોના કન્સાઇન્મેન્ટ સામે આશરે 66 લાખની અસલી નોટ મેળવવાનો પ્લાન હતો. પોલીસના જણાવ્યા મુજબ, આ સ્કીમ લોકોમાં ઝડપી નફાની લાલચ ઉભી કરીને તેમને ગેરકાયદેસર પ્રવૃત્તિમાં ખેંચવાનો પ્રયાસ હતો. આ ઉપરાંત, આરોપીઓ દેશવ્યાપી વિતરણ નેટવર્ક ઉભું કરવા માટે એજન્ટોની ભરતી પણ કરી રહ્યા હતા. ઊંચા કમિશનની ઓફર આપીને તેઓ નકલી નોટોને દેશના વિવિધ ભાગોમાં ફેલાવવાનું આયોજન કરી રહ્યા હતા. અધિકારીઓ માને છે કે આ ગેંગ હજુ શરૂઆતના તબક્કામાં જ હતો અને સમયસરની કાર્યવાહીથી મોટા આર્થિક નુકસાનને અટકાવી શકાયું છે. પોલીસે 40,000થી વધુ નોટો જપ્ત કરી છે, જેના કારણે પંચનામાની પ્રક્રિયા એક મોટો પડકાર બની ગઈ છે. દરેક નોટના સિરિયલ નંબર નોંધવા સહિતની પ્રક્રિયા મોડી રાત સુધી ચાલી રહી છે, જે જપ્તીના વિશાળ પ્રમાણને દર્શાવે છે.
તપાસનો વ્યાપ હવે રાજકોટ સુધી પહોંચ્યો છે, જ્યાં પ્રદીપ ગુરુજીના ભાઈ અમિત જોટાંગીયાની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમના મોબાઇલ, દસ્તાવેજો અને નાણાકીય વ્યવહારોની તપાસ ચાલી રહી છે, જેથી આ નેટવર્કના વધુ તાર બહાર આવી શકે. પ્રદીપ ગુરુજીનો ભૂતકાળ પણ વિવાદાસ્પદ રહ્યો છે. 2018માં તેમણે પોતાના આશ્રમમાં ઝેરી દવા પી ને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને સાત પાનાની સ્યુસાઇડ નોટમાં આશ્રમના 10 સાધકો પર ગંભીર આરોપો લગાવ્યા હતા, જેમાં પઠાણી ઉઘરાણી, જાનથી મારવાની ધમકીઓ અને ચારિત્ર્ય હનનના મુદ્દાઓ સામેલ હતા. હાલ ક્રાઇમ બ્રાન્ચ આ સમગ્ર રેકેટના વ્યાપની તપાસ કરી રહી છે. કેટલાં પ્રમાણમાં નકલી નોટો બજારમાં પહેલેથી જ પ્રવેશી ગઈ છે, અન્ય રાજ્યો સાથેના લિંક્સ શું છે અને તેમાં વધુ કેટલા લોકો સંકળાયેલા છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, “આ માત્ર હિમશિલાનો ટોચનો ભાગ છે. અમે સમગ્ર નેટવર્કને તોડી પાડવા માટે સઘન તપાસ કરી રહ્યા છીએ.” આ સફળ ઓપરેશનથી નકલી ચલણી નોટોના મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે અને સંભવિત આર્થિક ખતરાને સમયસર અટકાવવામાં મોટી સફળતા મળી છે.