એક દિવસ ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુન વિહાર કરવા નીકળ્યા, અર્જુનના મનમાં એમ હતું કે હું કૃષ્ણનો સૌથી પરમ ભક્ત અને નિકટતમ સખા છું. ભગવાન કૃષ્ણ પોતાના વ્હાલા અર્જુનના મનનો આ ગર્વ પામી ગયા હતા. ભગવાન કૃષ્ણએ અર્જુનને કહ્યું, ‘સખા, આજે તને હું એક મારા ભક્તની સાથે મેળવીશ.’ આટલું કહી પ્રભુ અર્જુનને એક નિર્ધન બ્રાહ્મણ પાસે લઈ ગયા. બ્રાહ્મણનો વર્તાવ એકદમ વિચિત્ર હતો. તે સૂકી ઘાસ થાતો હતો, કમર પર એક તલવાર લટકાવી હતી.
અર્જુને પૂછ્યું, ‘ભૂદેવ, તમે આ સૂકી ઘાસ શું કામ આરોગો છો?’ બ્રાહ્મણે કહ્યું, ‘હું અહિંસાનો પુજારી છું રાંધવાથી જંતુઓ મરી જાય એટલે રાંધ્યા વિના સૂકી ઘાસ જ આરોગું છું.’ અર્જુનને આગળ પૂછ્યું, ‘ભૂદેવજી, આપ અહિંસાના પૂજારી છો તો પછી તમે હિંસાના પ્રતિક સમી આ તલવારને શું કામ સાથે રાખી છે?’ બ્રાહ્મણે કહ્યું, ‘હું અમુક લોકોને દંડ આપવા માંગું છું. જે મારા પરમ ઇષ્ટદેવને કષ્ટ આપે છે.’
અર્જુને જિજ્ઞાસા સાથે પૂછ્યું, ‘ભૂદેવજી, તમે કોને દંડિત કરવા માંગો છો?’ ભક્ત બ્રાહ્મણ બોલ્યો, ‘હું નારદજીને શોધું છું જે સદા ‘નારાયણ નારાયણ’ કરી મારા પ્રભુને સતત જાગૃત રાખે છે… હું દ્રૌપદીને શોધું છું જે જ્યારે મુસીબત પડે ટાણે કટાણે મારા પ્રભુને મદદ માટે પોકારે છે અને પ્રભુ અન્ન નિંદ્રા ત્યાગી તેની અને પાંડવોની મદદ કરવા દોડી જાય છે. હું શબરીને શોધું છું જેણે મારા પ્રભુને એઠા બોર ખવડાવ્યા. હું પેલા ભક્ત પ્રહલાદને શોધું છું જેને કારણે મારા પ્રભુને ગરમ થાંભલામાંથી પ્રગટ થવું પડ્યું. હું અર્જુનને શોધું છું જેને મારા ભગવાનને સારથી બનાવ્યા. ભગવાનની સુવિધાનો કોઈએ ખ્યાલ ન કર્યો કેટલું કષ્ટ પડ્યું હશે મારા પ્રભુને આટલું બોલતાં નિર્ધન બ્રાહ્મણની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા.
બ્રાહ્મણની વાત સાંભળી અર્જુનનું અભિમાન ચુરચુર થઈ ગયું. તેને જાણ્યું કે પોતે અને ભગવાનના બીજા અનન્ય ભક્તો, જેને માટે ભગવાન ખડે પગે મદદ કરવા તૈયાર રહે છે તે બધાએ ભગવાનને ભક્તિના બદલામાં ઘણા કષ્ટ આપ્યા છે, ઘણી માંગણીઓ કરી છે. જ્યારે આ નિર્ધન બ્રાહ્મણ ભક્ત બધાથી જ ચઢિયાતો છે જે પ્રભુની નિસ્વાર્થ ભક્તિ કરે છે કોઈ માગણી કરતો નથી. ઈશ્વરની માત્ર ભક્તિ કરો માગણી ન કરો. શ્રદ્ધાથી સમર્પણ કરો અભિમાન ન કરો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.