Comments

ઘરમાં ગેસનો બાટલો અને હોટલ રેસ્ટોરાંની જરૂરિયાત માટેના પુરવઠાની કટોકટીમાંથી આપણે પસાર થઈ રહ્યાં છીએ

ઇઝરાયેલ અને અમેરિકાનું ઈરાન સાથે યુદ્ધ શરૂ થવાને કારણે એક મોટી ચિંતાનો વિષય ઘરમાં તેમજ હોટલોમાં વપરાતાં રાંધણ ગેસ (એલપીજી)ના પુરવઠા ઉપર પડેલી અસર છે. જવાબદાર નાગરિક તરીકે કોઈ પણ પ્રકારના રાજકીય રાગદ્વેષ વગર ઉપલબ્ધ હકીકતો શોધી માર્ગદર્શન પૂરું પાડવાનો પ્રયાસ કરીએ. ભારત રોજના ૪૮ લાખ જેટલા ૧૪.૨ કિલો વજન ધરાવતા રાંધણ ગેસના બાટલા વાપરે છે, જે માટે ૬૮૦૦૦ ટન એલપીજી એટલે કે દેશના કુલ વપરાશનો ૮૫% એલપીજી જોઈએ.

હોટલ અને રેસ્ટોરાંમાં ૧૯ કિલોનો બાટલો વપરાય છે, જેને આપણે કોમર્શિયલ સિલિન્ડર કહીએ છીએ. આખા દેશમાં આ બાટલાની જરૂરિયાતનો અંદાજ રોજના ૬ લાખ ૩૦ હજારનો છે, જે માટે ૧૨૦૦૦ ટન એલપીજી જોઈએ. મોટા ભાગની રેસ્ટોરાં અથવા હોટલ સરેરાશ રોજના બે થી ત્રણ બાટલા વાપરે છે. આમ ભારતમાં ૮૦ થી ૮૫% કુકિંગ ગેસ તરીકે ઘરે વપરાતા બાટલામાં એલપીજીનો ઉપયોગ થાય છે જ્યારે પંદરથી વીસ ટકાનો ઉપયોગ કમર્શિયલ હેતુસર થાય છે.

જ્યાં સુધી ગુજરાતને લાગેવળગે છે ત્યાં સુધી ગુજરાત કુકિંગ ગેસ એટલે કે ૧૪.૨ કિલોનો બાટલો લગભગ ૧૦ થી ૧૫ લાખ રોજ વાપરે છે. ભારતના કુલ વપરાશ ૪૮ લાખ બાટલા સામે ગુજરાતનો હિસ્સો છ થી સાત ટકા છે. એવું માની શકાય કે હવે રીફીલ ૨૫ દિવસ પહેલાં નહીં મળે તો લગભગ માંગને પહોંચી વળે એટલો પુરવઠો આપણી પાસે છે. કમર્શિયલ સિલિન્ડરના પુરવઠામાં શૉર્ટેજ દેખાવા માંડી છે અને અત્યારે લગભગ ૧૦ થી ૧૫ દિવસનો વેઇટિંગ પિરિયડ છે.

હોર્મુઝ સ્ટ્રેટ ભારતની ક્રુડ ઓઇલ,એલપીજી અને એલએનજી (લિક્વિફાઇડ નેચરલ ગેસ)ની આયાત માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્ત્વની છે. ફારસની ખાડીના દેશોમાંથી ભારતને મળતો મોટા પ્રમાણમાં ઊર્જા પુરવઠો અહીંથી પસાર થાય છે. હોર્મુઝમાંથી ભારતની ક્રુડ ઓઇલ આયાતનો લગભગ ૫૦% ભાગ પસાર થાય છે, જે ઇરાક,સાઉદી અરેબિયા અને કુવૈત જેવા દેશોમાંથી આવે છે. હાલની પરિસ્થિતિમાં ભારત વૈકલ્પિક સપ્લાય ઊભો કરીને ૭૦% આયાત હોર્મુઝ સ્ટ્રેટની બહારથી લાવે છે જેમાં રશિયા પાસેથી મળતા પુરવઠાનો પણ સમાવેશ થાય છે. આમ છતાંય હજુ પણ હોર્મુઝના રસ્તે ૨૫ થી ૨૭ લાખ બેરલ આવે છે.

તાજેતરના સમાચાર એવા છે કે શિવાલિક અને નંદાદેવી નામના ભારતનો ધ્વજ ધારણ કરતાં ગેસ ટેન્કર હોર્મુઝ પસાર કરી ભારતના બંદરે પહોંચ્યાં. આ બંને જહાજો લગભગ ૯૨,૭૦૦ મેટ્રિક ટન એલપીજી લઈને ગુજરાતનાં મુન્દ્રા અને કંડલા બંદરે આવ્યાં. શિવાલિક ૧૬ માર્ચ ૨૦૨૬ની સવારે મુંદ્રા અને નંદાદેવી ૧૭ માર્ચ ૨૦૨૬ની સવારે કંડલા બંદરે પહોંચ્યું. આ બંને ટેન્કરનું ભારત પહોંચવું ભારતના ગેસ સંકટ દરમિયાન મહત્ત્વની ઘટના છે.

શિવાલિક અને નંદાદેવી જહાજનો એલપીજી કેટલા રસોઈ ગેસ સિલિન્ડર બનાવી શકે?
શિવાલિક અને નંદાદેવી ગેસ ટેન્કર બંનેમાં થઈને કુલ ૯૨,૭૦૦ મેટ્રિક ટન એલપીજી ગેસ છે, જેમાંથી ૧૪.૨ કિલોના ૬૫ લાખ કુકિંગ ગેસ એટલે કે રસોઈ માટેના ગેસના સિલિન્ડર બની શકે. આ જથ્થો ગુજરાત અને ભારતના રસોઈ ગેસના સંકટને કાંઈક અંશે રાહત આપશે. એક માહિતી મુજબ આ ગેસ મુન્દ્રા અને કંડલા બંદરે પહોંચ્યા બાદ ગુજરાતનાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવાં શહેરો તથા મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વેચાશે જેમાં ઘરેલું ગ્રાહકોને પ્રાથમિકતા મળશે.

ગુજરાતમાં શિવાલિક અને નંદાદેવી જહાજ આવવાના કારણે કુકિંગ ગેસની ઉપલબ્ધિમાં ઘણી રાહત મળશે. દરેકે ધીરજ રાખવી અને આવા અસામાન્ય સંજોગોમાં ભારત સરકાર તેમજ ઓઇલ અને ગેસ કંપનીઓ સાથે પૂરેપૂરો સહયોગ કરવો જોઈએ. સંઘરાખોરીથી દૂર રહેવું જોઈએ. આ બંને જહાજો ગુજરાતના કંડલા અને મુન્દ્રા બંદરે પહોંચતાં જહાજોના અનલોડીંગ અને વિતરણ નેટવર્ક દ્વારા ૯૨,૭૦૦ મેટ્રિક ટન એલપીજી ૪૮ કલાકમાં મુખ્ય શહેરોમાં પહોંચી જશે જેને કારણે ૧૮-૧૯ માર્ચ સુધીમાં પુરવઠામાં ઘણી રાહત થઈ જશે, એટલે કોઈએ ગભરાટમાં આવીને પેનિક બાઈંગ માટે દોડાદોડ કરવી નહીં.

ભારત સરકારે રિફાઇનરીઓમાં પણ ઉત્પાદન વધાર્યું છે એટલે ત્યાંથી પણ વધુ પુરવઠો મળશે. આમ હાલના સંયોગોમાં બીજું કંઈ અણધાર્યું  ન બને તો રાંધણ ગેસની અછત ઝાઝી નડશે નહીં અને પુરવઠાની સ્થિતિ સુધરશે. ચારથી આઠ અઠવાડિયાં કે તેથી લાંબો સમય પણ હોર્મુઝની કટોકટી ચાલે તો એને પહોંચી વળવા ૮ માર્ચ ૨૦૨૬થી આપણી રિફાઇનરીઓએ એલપીજીનું ઉત્પાદન ૨૫થી ૨૮% વધાર્યું છે. આ ઉપરાંત અખાતના દેશો સિવાયના દેશોમાંથી પણ ગેસ લાવવા માટે ભારત સરકાર સતત પ્રયત્નશીલ છે. એટલે ગુજરાતની ૧૦ થી ૧૫ લાખ સિલિન્ડરની રોજની જરૂરિયાત પહોંચી વળવામાં વાંધો આવવો જોઈએ નહીં. હોટલ અને રેસ્ટોરાં માટેના ૧૯ કિલોવાળા ગેસ સિલિન્ડરમાં પ્રમાણમાં પરિસ્થિતિ વધારે ખરાબ છે અને એમાં તાત્કાલિક સુધારો આવે એવું દેખાતું નથી.

આમ, વૈશ્વિક યુદ્ધની અસરો આપણા રસોડા સુધી પહોંચી તો છે, પરંતુ ભારતની વ્યૂહાત્મક તૈયારીઓ અને ‘શિવાલિક’ તથા ‘નંદાદેવી’ જેવાં જહાજોનું આગમન આશાનું કિરણ જગાવે છે. સરકાર દ્વારા રિફાઇનરીઓમાં ઉત્પાદન વધારવાનો નિર્ણય અને હોર્મુઝ સ્ટ્રેટની બહારથી સપ્લાય લાવવાના પ્રયાસો દર્શાવે છે કે આપણે આ સંકટને પહોંચી વળવા સક્ષમ છીએ. નાગરિક તરીકે આપણી ફરજ માત્ર એટલી જ છે કે આપણે અફવાઓથી દૂર રહીએ, જરૂરિયાત પૂરતો જ ગેસ વાપરીએ અને ‘પેનિક બાઈંગ’ કરીને કૃત્રિમ અછત ન સર્જીએ. જો આપણે સંયમ જાળવીશું, તો આ કટોકટીનાં વાદળો ટૂંક સમયમાં જ વિખેરાઈ જશે અને જીવન ફરી સામાન્ય ગતિએ ધબકતું થશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top