Vadodara

ડાકોર રણછોડરાય મંદિરે હવે અંબાજીની જેમ ગરગડીથી ધજા ચઢાવાશે

ભક્તો જાતે જ શિખર પર ધજા લહેરાવી શકશે, સુવર્ણ શિખર પર ટેકનિકલ કામગીરી શરૂ

યાત્રાધામ ડાકોરમાં શ્રદ્ધાળુઓની સુવિધા માટે મંદિર ટ્રસ્ટનો મહત્વનો નિર્ણય

પ્રતિનિધિ) નડિયાદ,તા.18
ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં બિરાજતા રાજાધિરાજ રણછોડરાયના મંદિરે આવતા લાખો ભક્તો માટે વહીવટી તંત્ર દ્વારા ધજા ચઢાવવાની પદ્ધતિમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે શ્રદ્ધાળુઓ કર્મચારીની મદદ વગર નીચેથી જ ગરગડી અને દોરડાના માધ્યમથી ભગવાનના સુવર્ણ શિખર પર ધજા ચઢાવી શકશે. આ નવી વ્યવસ્થા માટે અત્યારે મંદિરના શિખર પર જરૂરી માળખું તૈયાર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
ખેડા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં રણછોડરાયના દર્શને આવતા હજારો ભક્તો માટે મંદિર ટ્રસ્ટ દ્વારા સુવિધાલક્ષી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી ડાકોર મંદિરમાં શિખર પર ધજા ચઢાવવા માટે મંદિરના શ્રમિક કે કર્મચારીની મદદ લેવી પડતી હતી, જેમાં ભક્તો નીચે ઉભા રહીને ધજા આપતા અને કર્મચારી તેને શિખર પર જઈને લહેરાવતા હતા. જોકે હવે અંબાજી મંદિરની જેમ જ ડાકોરમાં પણ ભક્તો પોતાના હાથે જ ભગવાનના શિખર પર ધજા ચઢાવી શકે તે માટે ગરગડી અને દોરડાની સિસ્ટમ કાર્યરત કરવામાં આવી રહી છે. આ નવી ટેકનિકલ વ્યવસ્થા માટે હાલમાં મંદિરના સુવર્ણ શિખર પાસે એન્જિનિયરો અને કારીગરો દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રણછોડરાયના મંદિરે મનોરથ પૂરો કરવા અથવા બાધા પૂરી કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ધજા ચઢાવતા હોય છે. ઘણી વખત ધજા ચઢાવવા માટે ભક્તોને લાંબો સમય રાહ જોવી પડતી હતી અથવા શ્રમિકોની ઉપલબ્ધતા પર આધાર રાખવો પડતો હતો. નવી સિસ્ટમ અમલમાં આવતા આ સમગ્ર પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બનશે. આ આધુનિક વ્યવસ્થાના કારણે ભક્તો પરિસરમાં નીચે ઉભા રહીને જ દોરડાના માધ્યમથી ધજાને સીધી શિખર સુધી પહોંચાડી શકશે, જેનાથી તેમની શ્રદ્ધા અને ઉત્સાહમાં વધારો થશે. ખાસ કરીને પૂનમ જેવા મોટા તહેવારો દરમિયાન જ્યારે હજારોની સંખ્યામાં ધજાઓ આવતી હોય છે, ત્યારે આ નવી પદ્ધતિ સમયનો બચાવ કરશે.
મંદિર પ્રશાસન દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયમાં ભક્તોની સુવિધાની સાથે કર્મચારીઓની સલામતીને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. વારંવાર ઉંચાઈ પર જવાની જોખમી પ્રક્રિયામાંથી મુક્તિ મળશે અને ગરગડીની મદદથી સુરક્ષિત રીતે ધજા બદલી શકાશે. હાલમાં શિખર પર એન્જિનિયરો દ્વારા સ્ટ્રક્ચરની મજબૂતી તપાસીને દોરડા લગાવવાનું કામ ચાલી રહ્યું છે અને આગામી ટૂંકા સમયમાં જ આ સુવિધા શ્રદ્ધાળુઓ માટે ખુલ્લી મૂકવામાં આવશે. ટ્રસ્ટ દ્વારા જરૂરી તમામ પરીક્ષણો પૂર્ણ થયા બાદ સત્તાવાર રીતે ભક્તોને જાતે ધજા ચઢાવવાની મંજૂરી અપાશે, જેને લઈને ડાકોરના ભક્તોમાં ભારે આનંદની લાગણી જોવા મળી રહી છે.

Most Popular

To Top