ગાંધીનગર,તા.17
ગાંધીનગર સ્થિત એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) અને સી.આઈ.ડી. ક્રાઈમની ટીમે સંયુક્ત કામગીરી કરીને બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકા વિસ્તારમાં ગેરકાયદેસર એમ.ડી. ડ્રગ્સના વેપાર પર મોટો પ્રહાર કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, ચોક્કસ બાતમીના આધારે પોલીસ ટીમે પાલનપુર નજીક જગાણા હાઈવે પાસે નાકાબંધી ગોઠવી હતી. આ દરમિયાન મોટરસાયકલ પર જતા શંકાસ્પદ વ્યક્તિઓને રોકીને તપાસ કરતા તેમની પાસેથી એમ.ડી. ડ્રગ્સ મળી આવ્યું હતું. પકડાયેલા આરોપીઓમાં ઈરફાનખાન આશુખાન મોથલા (ઉંમર 20, રહેવાસી રાણીવાડા, ઝાલોર, રાજસ્થાન) અને સુખદેવ ઉર્ફે સુખો વગતારામ ચૌધરી (ઉંમર 21, રહેવાસી સાંચોર, ઝાલોર, રાજસ્થાન)નો સમાવેશ થાય છે.
પોલીસે આરોપીઓ પાસેથી કુલ 23 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ (કિંમત અંદાજે રૂ. 1.65 લાખ), એક મોટરસાયકલ (રૂ. 40 હજાર), ત્રણ મોબાઈલ ફોન (રૂ. 10 હજાર) અને રોકડ રૂ. 180 જપ્ત કર્યા છે. કુલ જપ્ત મુદ્દામાલની કિંમત આશરે રૂ. 2.15 લાખ થવા જાય છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ મોટરસાયકલ મારફતે એમ.ડી. ડ્રગ્સની હેરફેર કરતા હતા. આ મામલે NDPS Act, 1985ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કાર્યવાહી એ.એન.ટી.એફ.ના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. હાલ બંને આરોપીઓને વધુ પૂછપરછ માટે કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે અને ડ્રગ્સના સ્ત્રોત તથા નેટવર્ક અંગે વધુ તપાસ ચાલી રહી છે.પોલીસે જણાવ્યું છે કે રાજ્યમાં નશીલા પદાર્થોના વેપાર સામે સખત કાર્યવાહી ચાલુ રહેશે અને આવા ગેરકાયદેસર કાર્યોમાં સંડોવાયેલા તત્વો સામે કડક પગલાં લેવામાં આવશે.