PNG ગ્રાહકોને રાહત – દરરોજ 20 નવા કનેક્શન, બાયોગેસ અને LNG વિકલ્પ તૈયાર
(પ્રતિનિધિ), વડોદરા. તા.17
વડોદરા :- વૈશ્વિક સ્તરે ચાલી રહેલી યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે ઉર્જા ક્ષેત્રે અનિશ્ચિતતા વધતી હોવા છતાં વડોદરા ગેસ લિમિટેડ (VGL) દ્વારા શહેરના ગેસ ગ્રાહકો માટે રાહતના સમાચાર આપવામાં આવ્યા છે.
VGLના મેનેજિંગ ડિરેક્ટર વિનય શ્રીવાસ્તવે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, વડોદરાના ઘરેલુ PNG ગ્રાહકોએ ગભરાવાની જરૂર નથી, કારણ કે ગેસ પુરવઠો સંપૂર્ણપણે નિયમિત અને સુરક્ષિત રાખવા માટે આગોતરા આયોજન કરવામાં આવ્યું છે
શ્રીવાસ્તવે વધુમાં જણાવ્યું કે, આવી પરિસ્થિતિમાં ઉર્જા સ્ત્રોતો પર દબાણ વધતું હોવા છતાં VGL દ્વારા મજબૂત વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. હાલમાં શહેરના આશરે 1500 ઘરોમાં પાઈપલાઈન દ્વારા ગેસ સપ્લાય પહોંચાડી દેવાયો છે. વધતી માંગને ધ્યાનમાં રાખીને દરરોજ 20 નવા ગેસ કનેક્શન આપવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. હાલ અંદાજે 5000 અરજીઓ પેન્ડિંગ છે, જેને વહીવટી મંજૂરી મળતા જ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે.
ઔદ્યોગિક ક્ષેત્રે પણ સકારાત્મક પ્રવૃત્તિ જોવા મળી રહી છે અને મોટી ઈન્ડસ્ટ્રીઝ તરફથી પાંચ જેટલી નવી ઇન્ક્વાયરી પ્રાપ્ત થઈ છે. વૈશ્વિક પરિસ્થિતિને કારણે કમર્શિયલ સપ્લાયમાં શક્ય અડચણોને ધ્યાનમાં રાખીને VGL દ્વારા બાયોગેસ અને LNG નો વિકલ્પ તૈયાર રાખવામાં આવ્યો છે. હાલમાં શહેરમાં 3 LNG સ્ટેશન કાર્યરત છે, જેના આધારે આગામી 3 મહિના સુધી ગેસ પુરવઠામાં કોઈ વિક્ષેપ નહીં પડે તેવી ખાતરી આપવામાં આવી છે.
યુદ્ધની અસર સામે ‘બાયોગેસ અને LNG’ બનશે ઢાલ
વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિમાં ગેસના આંતરરાષ્ટ્રીય બજાર પર અસર થવાની શક્યતા રહેતી હોય છે, પરંતુ વડોદરાના નાગરિકોને તેની અસરથી બચાવવા VGL સજ્જ છે. કંપનીના જણાવ્યા મુજબ, કમર્શિયલ સપ્લાયમાં કોઈ ખલેલ પડે તો બાયોગેસ અને LNG ના મિશ્રણ દ્વારા પુરવઠો જાળવી રાખવામાં આવશે. આગામી 90 દિવસ માટેનો બેકઅપ પ્લાન તૈયાર હોવાથી શહેરમાં ગેસ સપ્લાય અવિરત ચાલુ રહેશે.