ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલના હુમલા પછી એક પખવાડિયાથી પણ ઓછા સમયમાં ઘણી આવશ્યક ચીજ વસ્તુઓના ભાવ વધી ગયા છે અથવા તો પુરવઠો ખોરવાઈ ગયો છે. હોર્મુઝની સામુદ્રધુનીનો માર્ગ બંધ થવાથી ઑઇલ અને ગૅસના ભાવમાં તાત્કાલિક વધારો થયો અને ભારત જેવા દેશોમાં ઔદ્યોગિક વપરાશ માટે ગૅસની ‘અછત’ પેદા થઈ છે.કોઇપણ યુદ્ધ વખતે સોનાના ભાવ ઉછળતા હોય છે અને હાલમાં પણ સોનાના ભાવ વધેલા છે.
આ સિવાય પણ ઘણી એવી ચીજો છે જેના ભાવ વધી ગયા છે અથવા વધારો થવાની પૂરી શક્યતા છે. અહીં એવી ચીજો વિશે વાત કરી છે જેના માટે ભારતીયોએ પહેલાં કરતાં વધુ રૂપિયા ચુકવવા પડે છે અથવા તો આવનારા દિવસોમાં વધુ ખર્ચ કરવાની તૈયારી રાખવી પડશે. ઈરાન સંઘર્ષ શરૂ થતાની સાથે જ ક્રૂડઑઇલનો ભાવ વધી ગયો જેના કારણે આ અઠવાડિયે ભારત સહિત દુનિયાભરનાં શૅરબજારોમાં કડાકો આવ્યો હતો.
ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલના વ્યાપક બૉમ્બમારા અને ઈરાનના વળતા ડ્રૉન હુમલાના કારણે ગયા સોમવારે ઑઇલનો ભાવ પ્રતિ બેરલ 120 ડૉલર સુધી પહોંચ્યો હતો, એટલે કે 2022ના મધ્યની તુલનામાં ઑઇલ 25 ટકા વધી ગયું હતું. ત્યાર પછી ભાવ નરમ થઈને થોડો નીચે આવી ગયો હતો, પરંતુ ગુરુવારે ફરીથી ગલ્ફમાં કાર્ગો શિપ પર નવા હુમલાના અહેવાલ પછી ઑઇલ 100 ડૉલર પ્રતિ બેરલે પહોંચી ગયું હતું.
રાંધણગૅસની જેમ જ ખાદ્યતેલ પણ ભારતીય રસોડામાં મહત્ત્વની કૉમોડિટી છે. મધ્યપૂર્વની કટોકટીના કારણે ખાદ્યતેલના ભાવો પણ વધ્યા છે. એક અહેવાલ પ્રમાણે વેજિટેબલ ઑઇલ અને ફ્રેઇટ રેટમાં વધારો થયો છે. ખાસ કરીને પામઑઇલ, સૂર્યમુખીના તેલ અને સોયાતેલનો જથ્થો મધ્યપૂર્વની કટોકટીના કારણે ફસાઈ ગયો છે. જેને કારણે તેનો જથ્થો ભારત પહોંચવામાં વિલંબ થઈ શકે છે. એક તજજ્ઞના જણાવ્યા અનુસાર ઈરાન સંઘર્ષ શરૂ થયા પછી તરત કહ્યું હતું કે ‘ભારતમાં ખાદ્યતેલનો પુરવઠો મોટા પાયે આયાત પર નિર્ભર છે. મોટા ભાગનું ઑઇલ સુએઝ કૅનાલ અને હોર્મુઝની સામુદ્રધુનીના માર્ગેથી આવે છે. તેમાં કોઈ વિક્ષેપ સર્જાય તો ભાવમાં ટૂંકાગાળા માટે વધારો થઈ શકે છે. આ ઉપરાંત ફ્રેઇટ અને વીમાનો ખર્ચ વધવાથી પણ તેલ મોંઘું થઈ શકે છે.’
ભારત એ વેજિટેબલ ઑઇલનું સૌથી મોટું આયાતકાર છે. ભારત મુખ્યત્વે આર્જેન્ટિના અને બ્રાઝિલ પાસેથી સોયાતેલ ખરીદે છે જ્યારે રશિયા અને યુક્રેન પાસેથી સૂર્યમુખીના તેલની ખરીદી કરે છે. સાઉથ અમેરિકાથી સમુદ્રમાર્ગે ભારત સુધી તેલનો જથ્થો પહોંચાડવામાં સામાન્ય રીતે છ સપ્તાહ લાગી જાય છે. એક વેપારીના જણાવ્યા અનુસાર મધ્યપૂર્વથી આવતા ખાદ્યતેલના પુરવઠાને અવરોધ નડી રહ્યો હોવાથી તમામ ખાદ્યતેલના ભાવમાં કિલો દીઠ ત્રણથી ચાર રૂપિયાનો વધારો થયો છે, પરંતુ આવી સ્થિતિ લાંબો સમય રહેશે તો ભાવ હજુ વધી શકે છે. ઈરાન સંઘર્ષના કારણે દવા ઉત્પાદનનો ખર્ચ વધી જશે તેમ માનવામાં આવે છે.
એક ડ્રગ ઉત્પાદકના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં જે અસર જોવા મળી તે મોટા ભાગે નિકાસ માટેના કાર્ગોની ઉપલબ્ધતા અને રેટ સુધી સીમિત છે. શિપિંગનાં જહાજ હાલમાં નિયમિત રીતે સફર નથી કરતાં. આ ઉપરાંત યુદ્ધના કારણે ઇન્શ્યૉરન્સ ખર્ચ વધી ગયો છે. આગામી સમયમાં સ્થિતિ સ્થિર થશે તો આ માત્ર ટૂંકા ગાળા પૂરતી અસર રહેશે. તેમણે કહ્યું કે, આપણે ત્યાં લગભગ ચારથી સાડા ચાર મહિનાનો રૉ મટિરિયલનો સ્ટૉક હોય છે.
તેથી ફૉર્મ્યુલેશન ઉત્પાદકો સુધી કોઈ અસર નથી આવી. પરંતુ યુદ્ધ ત્રણથી ચાર મહિના ચાલે તો તેમાં અસર પડી શકે છે. ડૉલર સામે રૂપિયાના ઘસારા અંગે એક નિકાસકારના જણાવ્યા અનુસાર ફાર્માસ્યુટિકલ્સ એ નેટ ઍક્સપૉર્ટર ઉદ્યોગ છે. ગયા વર્ષે 30.47 અબજ ડૉલરની નિકાસ કરી છે. રૂપિયો અનુકુળ હોય ત્યારે ફાર્મા ઉદ્યોગ વધારે સ્પર્ધાત્મક બને છે. મધ્યપૂર્વ કટોકટી વચ્ચે ઈંધણ મોંઘું થવાના કારણે વિમાનની ટિકિટના દર પહેલેથી વધી ગયા છે અને હજુ પણ તેમાં વધારો થવાનો છે. વિદેશમાં ભણવા જવું હોય કે વૅકેશન ગાળવા જવું હોય, દરેક જગ્યાએ પહેલાં કરતાં વધારે રૂપિયા આપવા પડશે.
ભારતની અગ્રણી ઍરલાઇન ઍર ઇન્ડિયાએ ઈંધણના ભાવમાં થયેલા વધારાના પગલે પ્રવાસીઓ પાસેથી ફ્યુઅલ સરચાર્જ વસુલવાનો નિર્ણય લીધો છે, જેના કારણે ઍર ટિકિટ મોંઘી થશે. 12મી માર્ચથી ઍર ઇન્ડિયા ડૉમેસ્ટિક ફ્લાઇટ માટે દરેક નવા બુકિંગ પર 399 રૂપિયા ફ્યુઅલ સરચાર્જ વસુલ કરશે, જ્યારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ માટે 10થી 50 ડૉલર વધારાના ચુકવવા પડશે. ઍર ઇન્ડિયાનું કહેવું છે કે ઍર ઇન્ડિયાના સંચાલકીય ખર્ચમાં એટીએફ (ઍવિયેશન ટર્બાઇન ફ્યુઅલ)નો લગભગ 40 ટકા જેટલો હિસ્સો હોય છે. તાજેતરમાં ઑસ્ટ્રેલિયાની ક્વેન્ટાસ ઍરવેઝ, સ્કેન્ડિનેવિયાની SAS અને ઍર ન્યૂઝીલૅન્ડે પણ ઍર ટિકિટના ભાવમાં વધારો જાહેર કર્યો હતો. હૉંગ કૉંગ ઍરલાઇન્સે પણ ફ્યુઅલ સરચાર્જમાં વધારો કર્યો છે.