World

ટ્રમ્પનું નિવેદન: ઈરાન સાથે યુદ્ધ સમાપ્ત કરવાનો નિર્ણય નેતન્યાહૂ સાથે મળીને લેશું

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે ઈરાન સામે ચાલી રહેલા યુદ્ધને ક્યારે સમાપ્ત કરવું તે અંગેનો નિર્ણય તેઓ અને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે મળીને લેશે. એક ઇન્ટરવ્યુ દરમિયાન ટ્રમ્પે કહ્યું કે આ મુદ્દે બંને દેશો વચ્ચે સતત ચર્ચા ચાલી રહી છે અને યોગ્ય સમયે નિર્ણય લેવામાં આવશે. તેમણે સંકેત આપ્યો કે નેતન્યાહૂનું મત મહત્વપૂર્ણ રહેશે, પરંતુ અંતિમ નિર્ણય અમેરિકી પ્રમુખ તરીકે તેઓ લેશે. ટ્રમ્પે દાવો કર્યો કે જો તેઓ અને નેતન્યાહૂ સાથે મળીને કાર્યવાહી ન કરી હોત તો ઈરાન ઇઝરાયલ અને તેની આસપાસના વિસ્તારોને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. તેમના કહેવા મુજબ બંને દેશોએ મળીને એવા દેશ સામે કાર્યવાહી કરી છે જે ઇઝરાયલનો નાશ કરવા ઇચ્છતો હતો. તેમણે નેતન્યાહૂની પ્રશંસા કરતાં કહ્યું કે તેઓ યુદ્ધકાળના મજબૂત વડાપ્રધાન તરીકે કામ કરી રહ્યા છે.

ઈરાન સામે યુદ્ધ કેટલો સમય ચાલશે તે અંગે ટ્રમ્પે ચોક્કસ સમયરેખા આપવાનું ટાળ્યું, જોકે વ્હાઇટ હાઉસ તરફથી અગાઉ જણાવાયું હતું કે આ સંઘર્ષ ચારથી છ અઠવાડિયા સુધી ચાલી શકે છે. ટ્રમ્પે એ પણ કહ્યું કે ભવિષ્યમાં ઇઝરાયલને એકલા યુદ્ધ ચાલુ રાખવાની જરૂર પડશે એવું તેમને લાગતું નથી. આ દરમિયાન ટ્રમ્પે ઇઝરાયલના રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગ પર પણ ટીકા કરી હતી. તેમણે કહ્યું કે વડાપ્રધાન નેતન્યાહૂ સામે ચાલી રહેલા કેસમાં તેમને માફી આપવી જોઈએ, જેથી તેઓ સંપૂર્ણ ધ્યાન યુદ્ધ પર કેન્દ્રિત કરી શકે. ટ્રમ્પના મતે હર્ઝોગ દ્વારા માફી ન આપવી ખોટો નિર્ણય છે. ઇન્ટરવ્યુ દરમિયાન ટ્રમ્પે ઈરાનના આગામી નેતૃત્વ વિશે સીધી ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું. જોકે અગાઉ તેમણે સંકેત આપ્યો હતો કે જો ઈરાનના નવા નેતાને વ્હાઇટ હાઉસની મંજૂરી નહીં મળે તો તે લાંબા સમય સુધી સત્તામાં રહી શકશે નહીં.

Most Popular

To Top