ગાંધીનગર : ગુજરાતમાં ઉદ્યોગો અને વેપારીઓ પાસેથી વસૂલવાના વિવિધ વેરાનો આંકડો ચોંકાવનારો બની ગયો છે. નાણા વિભાગના સત્તાવાર આંકડા મુજબ રાજ્ય સરકારને કુલ ₹67,407.97 કરોડ વસૂલવાના બાકી છે. તેમાંથી ₹32,688.07 કરોડની રકમ વિવાદ હેઠળ હોવાથી બાકી રહી છે, પરંતુ બાકી રહેલા ₹34,720.90 કરોડ માટે પણ હજી સુધી અસરકારક અને કઠોર કાર્યવાહી થઈ શકી નથી.ચોંકાવનારી વાત એ છે કે કુલ બાકી રકમમાંથી અંદાજે ₹27 હજાર કરોડ એવી છે જે દસ વર્ષથી વધુ સમયથી વસૂલાતની રાહ જોઈ રહી છે. સરકાર દ્વારા સમયાંતરે સૂચનાઓ આપવામાં આવતી હોવા છતાં ટેક્સ વિભાગને નોંધપાત્ર સફળતા મળતી નથી અને દર વર્ષે બાકી રકમમાં વધારો થતો જાય છે.
બજેટ ડોકયુમેન્ટમાં જણાવ્યા મુજબ , વેરાવાર આંકડાઓ પર નજર કરીએ તો કેન્દ્રીય વેચાણવેરાની બાકી રકમ ₹9,760.76 કરોડ સુધી પહોંચી ગઈ છે. ગુજરાત વેચાણવેરો અને વેટ હેઠળ ₹6,125.52 કરોડ વસૂલવાના બાકી છે. સૌથી વધુ બાકી રકમ ‘અન્ય કર’ શ્રેણીમાં ₹50,031.62 કરોડની છે.
સ્ટેમ્પ અને નોંધણી ફી હેઠળ ₹462.82 કરોડ, રાજ્ય આબકારીમાં ₹136.58 કરોડ અને વાહન કર પેટે ₹749.47 કરોડ બાકી છે. વિદ્યુત શુલ્કની બાકી રકમ પણ ₹136.58 કરોડ નોંધાઈ છે. હકારાત્મક રીતે વ્યવસાય વેરો અને જમીન મહેસૂલમાં હાલ કોઈ બાકી વસૂલાત નથી.
નાણાં વિભાગના ડોકયુમેન્ટ મુજબ , પાંચ વર્ષથી વધુ સમયથી બાકી વસૂલાતનો આંકડો ₹16 હજાર કરોડથી પણ વધુ છે. ઘણા ઉદ્યોગગૃહો અને વેપારીઓ વેરા ચુકવણી ટાળવા માટે કેસોને વિવાદમાં લઈ જાય છે, જેના કારણે વર્ષો સુધી વસૂલાત અટવાયેલી રહે છે. કેટલીક કંપનીઓ સરકારના પ્રોત્સાહન અને લાભો મેળવી પછી બંધ થઈ ગઈ છે, જ્યારે કેટલીકએ નાદારી જાહેર કરી હોવાથી વસૂલાત શક્ય નથી.
માર્ચ 2025ના અંતે ઉભું થયેલું પરંતુ હજી સુધી ન વસૂલાયેલું વેરાપાત્ર મહેસૂલ રાજ્યના બજેટ દસ્તાવેજોમાં દર્શાવવામાં આવ્યું છે. ભૂતકાળમાં ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ) ના અહેવાલોમાં પણ બાકી વસૂલાતના મુદ્દે સરકારની ટીકા કરવામાં આવી હતી. ગયા વર્ષે રજૂ થયેલા અહેવાલમાં બાકી વસૂલાતનો આંકડો ₹72 હજાર કરોડ દર્શાવી સરકારને વસૂલાત પ્રક્રિયા ઝડપી બનાવવા ભલામણ કરવામાં આવી હતી.
આર્થિક બાબતોના વિશ્લેષકો માને છે કે જો બાકી વસૂલાત પ્રક્રિયા અસરકારક રીતે હાથ ધરવામાં આવે તો રાજ્યની આવકમાં મોટો વધારો શક્ય છે અને વિકાસ કાર્યો માટે નાણાકીય સંસાધનોમાં નોંધપાત્ર મજબૂતી આવી શકે છે. હાલની સ્થિતિમાં બાકી વસૂલાતનો વધતો આંકડો સરકારની નાણાકીય શિસ્ત સામે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.