Vadodara

વડોદરામાં ત્રણ સ્કૂલોને એકસાથે બોમ્બથી ઉડાવવાની ધમકી, પોલીસ કામે લાગી

શહેરની ઊર્મિ સ્કૂલ, નાલંદા સ્કૂલ અને ડી.આર. અમીન સ્કૂલને એકસાથે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેઈલ મળતાં જ પોલીસ અને વહીવટી તંત્ર દોડતું થયું

વડોદરા:
વડોદરા શહેરમાં આજે ફરી એકવાર બોમ્બ ધમકીથી હડકંપ મચી ગયો છે. શહેરની ઊર્મિ સ્કૂલ, નાલંદા સ્કૂલ અને ડી.આર. અમીન સ્કૂલને એકસાથે બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેઈલ મળતાં જ પોલીસ અને વહીવટી તંત્ર દોડતું થયું હતું. અજાણ્યા વ્યક્તિ દ્વારા મોકલાયેલા આ ઈ-મેઈલ બાદ તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થાઓ કડક કરવામાં આવી હતી.

ધમકી મળતાની સાથે જ ત્રણેય સ્કૂલોમાં વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર રજા આપવામાં આવી હતી. સ્કૂલ પરિસરમાંથી વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવતા સ્કૂલો બહાર વાલીઓનો ભારે જમાવડો જોવા મળ્યો હતો. અચાનક ઉભી થયેલી સ્થિતિને પગલે વાલીઓમાં ભારે દોડધામ અને ચિંતા ફેલાઈ ગઈ હતી.

બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને પોલીસની વિવિધ ટીમો તાત્કાલિક ત્રણેય સ્કૂલો પર પહોંચી ગઈ હતી. સ્કૂલ પરિસર અને આસપાસના વિસ્તારોમાં ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સાથે જ સ્થાનિક પોલીસ ઉપરાંત ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર ઓપરેશન પર નજર રાખી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ વડોદરાની અનેક સ્કૂલોને આવી બોમ્બ ધમકીઓ મળી ચૂકી છે, જે બાદ મોટા ભાગે તે ખોટી સાબિત થઈ હતી. તેમ છતાં, કોઈપણ પ્રકારનો જોખમ ન રહે તે માટે પોલીસ વિભાગની તમામ એજન્સીઓ સંપૂર્ણ સતર્કતા સાથે કામગીરી કરી રહી છે. હાલ ધમકીભર્યા ઈ-મેઈલની સત્યતા તપાસવામાં આવી રહી છે અને મોકલનારની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

Most Popular

To Top