Gujarat

નળસરોવર પક્ષી ગણતરી 2026 પૂર્ણ – 270 પ્રજાતિના 6.42 લાખથી વધુ પક્ષીઓની નોંધણી

વન વિભાગની વૈજ્ઞાનિક પહેલથી પ્રવાસી પક્ષીઓના સલામતી વધુ મજબૂત બનશે

ગાંધીનગર,તા.11
અમદાવાદ નજીક આવેલ વિશ્વવિખ્યાત રામસર સાઇટ નળસરોવર પક્ષી અભયારણ્ય ખાતે પક્ષી વસ્તી ગણતરી અભ્યાસ–2026 સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. આ દ્વિ-વાર્ષિક સર્વે અંતર્ગત આ વર્ષે કુલ 6,42,232 પક્ષીઓ નોંધાયા છે, જે 270 વિવિધ પ્રજાતિઓનું પ્રતિનિધિત્વ કરે છે. આ આંકડો નળસરોવરની સમૃદ્ધ જૈવિવૈવિધ્યતા અને જળપ્લાવિત પરિસ્થિતિતંત્રની તંદુરસ્તી દર્શાવે છે.

50 ઝોનમાં સુવ્યવસ્થિત ગણતરી
વન વિભાગે સમગ્ર અભયારણ્યને 50 સર્વે ઝોનમાં વહેંચી સવાર અને સાંજ એમ બે તબક્કામાં ગણતરી પ્રક્રિયા હાથ ધરી હતી. દરેક ઝોન માટે અનુભવી નિષ્ણાતોની અલગ ટીમ નિયુક્ત કરવામાં આવી, જેથી માહિતી સંગ્રહમાં સંપૂર્ણ ચોકસાઈ જળવાઈ રહે. એકત્રિત આંકડાઓની સઘન ચકાસણી અને પુનઃચકાસણી બાદ જ અંતિમ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે.

220 નિષ્ણાતો અને સ્થાનિક સહયોગ
આ અભ્યાસમાં કુલ 220 પક્ષીવિદો અને ઉત્સાહીઓ જોડાયા હતા, જેમાં 35 વિદ્યાર્થીઓ, 61 પક્ષી નિરીક્ષકો અને ફોટોગ્રાફરો, ગુજરાત બહારથી આવેલા 13 નિષ્ણાતો તથા વન વિભાગ અને અન્ય વિભાગોના 12 કર્મચારીઓનો સમાવેશ થાય છે. ખાસ નોંધનીય બાબત એ છે કે 99 સ્થાનિક બોટમેન અને માર્ગદર્શકોએ મેદાની કામગીરીમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.વન વિભાગ દ્વારા તમામ સહભાગીઓ માટે નિવાસ, ભોજન અને સેન્સસ કિટ્સની સુવિધા પૂરી પાડવામાં આવી તેમજ સહભાગિતાના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા.

સંરક્ષણ પ્રત્યે પ્રતિબદ્ધતા
ગણતરી દરમિયાન પક્ષીઓને કોઈ ખલેલ ન પહોંચે તે હેતુથી અભયારણ્ય બે દિવસ માટે મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવ્યું હતું. આ વ્યાપક અભ્યાસ નળસરોવરને વૈશ્વિક સ્તરે મહત્વપૂર્ણ જળપ્લાવિત વિસ્તાર તરીકે વધુ મજબૂત ઓળખ આપે છે અને પ્રવાસી પક્ષીઓના સંરક્ષણ માટે ગુજરાત વન વિભાગની પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે.નળસરોવર ફરી એકવાર સાબિત કરે છે કે કુદરતના આ ખજાનાનું જતન અને વૈજ્ઞાનિક નિરીક્ષણ બંને સમાન રીતે જરૂરી છે.

Most Popular

To Top