Columns

ભૂતપૂર્વ આર્મી ચીફ નરવણેનું પુસ્તક મોદી સરકારની કાયરતા ઉજાગર કરે છે?

ભારતમાં કે દુનિયામાં ટોચના હોદ્દાઓ પર રહેલાં લોકો જો પોતાનાં સાચાં સંસ્મરણો લખે તો તેનાથી વિવાદ પેદા થયા વિના રહેતો નથી; કારણ કે પડદા પાછળ બની ગયેલી ઘણી ઘટનાઓની જાણ સામાન્ય પ્રજાને કરવામાં આવતી નથી, જેની જાણ આવાં પ્રામાણિક સંસ્મરણો વાંચીને થાય છે. ભારતના ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણે દ્વારા લખાયેલા એક અપ્રકાશિત પુસ્તક ‘ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની’ પણ આવો જ સ્ફોટક મસાલો ધરાવતું હોવાનું જણાય છે.  કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સંસદમાં આ પુસ્તકના કેટલાક વિવાદાસ્પદ ભાગો વાંચવાનું શરૂ કર્યું ત્યારે હોબાળો મચી ગયો હતો.

રાહુલ ગાંધી જે અપ્રકાશિત પુસ્તકના અંશો વાંચી રહ્યા હતા તે જાન્યુઆરી ૨૦૨૪ માં બજારમાં રિલીઝ થવાનું હતું, પરંતુ ભારતીય સેના આ પુસ્તકની તપાસ કરી રહી છે.  રાહુલ ગાંધીએ સોમવારે લોકસભામાં કહ્યું કે નરવણેજીએ કહ્યું છે કે આ તેમનું સંસ્મરણ છે, જેને સરકાર પ્રકાશિત કરવાની મંજૂરી આપી રહી નથી. હું તેમાંથી ફક્ત પાંચ પંક્તિઓ વાંચવા માંગુ છું. ભાજપના નેતાઓએ આનો વિરોધ કર્યો અને પૂછ્યું કે ‘‘અપ્રકાશિત પુસ્તકના અંશો કેવી રીતે વાંચી શકાય.’’ રાહુલ ગાંધીએ શાસક પક્ષ તરફ ઈશારો કરતાં કહ્યું કે ‘‘તેઓ કહે છે કે તેઓ આતંકવાદ સામે લડે છે, પરંતુ એક અવતરણથી ડરે છે. તેમાં એવું શું લખ્યું છે જે તેમને ડરાવી રહ્યું છે અને હું બોલી શકતો નથી. જો તેઓ ડરતા નથી તો મને તે વાંચવા દો.’’

સોમવારે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ નિયમ ૩૪૯ (૧) નો ઉલ્લેખ કરીને પૂછ્યું હતું કે ગૃહમાં કોઈ પણ પુસ્તક અથવા ઇમેઇલ પર કેવી રીતે ચર્ચા થઈ શકે છે. ગૃહમાં અખબારનાં કટિંગ કે પુસ્તકો  પર ચર્ચા કરવાની કોઈ પરંપરા રહી નથી. જાન્યુઆરી ૨૦૨૪ માં એક અંગ્રેજી અખબારે એ અહેવાલ આપ્યો હતો કે પ્રકાશક કંપની પેંગ્વિન રેન્ડમ હાઉસને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી પુસ્તકના અંશો અથવા સોફ્ટ કોપી કોઈને ન આપવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યારથી ચાલી રહેલી તપાસમાં સંરક્ષણ મંત્રાલય પણ કોઈક સ્તરે સામેલ હોવાનું જાણવા મળ્યું છે.

નરવણેના અપ્રકાશિત પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે ૨૦૨૦ માં જ્યારે ચીની સેના કૈલાશ રેન્જમાં ચાર ટેન્ક સાથે આગળ વધી રહી હતી ત્યારે ઉત્તરી સેક્ટર કમાન્ડર પાસેથી માહિતી મળ્યા બાદ આર્મી ચીફે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ પાસેથી સૂચનાઓ માંગી હતી. જ્યારે જવાબમાં વિલંબ થયો, ત્યારે તેમણે વિદેશ મંત્રી એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને ફોન કર્યો હતો. ત્યાર બાદ તેમણે ફરીથી સંરક્ષણ મંત્રીને ફોન કર્યો હતો, જેમણે વડા પ્રધાન સાથે વાત કરી અને તેમને કહ્યું કે ટોચના નેતૃત્વએ તેમને જે યોગ્ય લાગે તે કરવા સૂચના આપી છે.

તે દિવસને યાદ કરતાં તેમણે લખ્યું કે આ પછી તેમણે ઊંડો શ્વાસ લીધો હતો અને થોડી વાર શાંતિથી બેઠા હતા. તેમણે લખ્યું કે તેઓ આર્મી હાઉસમાં હતા. એક દિવાલ પર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનો નકશો હતો અને બીજી દિવાલ પર પૂર્વીય કમાન્ડનો નકશો હતો. તે અનમાર્ક નકશા હતા, પરંતુ તેમને જોતાંની સાથે જ, હું દરેક યુનિટના સ્થાનની કલ્પના કરી શક્યો હતો. અમે દરેક રીતે તૈયાર હતા, પરંતુ શું હું ખરેખર યુદ્ધ શરૂ કરવા માંગતો હતો? 

જનરલ મનોજ મુકુંદ નરવણે ડિસેમ્બર ૨૦૧૯ થી એપ્રિલ ૨૦૨૨ સુધી ભારતીય સેનાના ૨૮મા આર્મી ચીફ તરીકે સેવા આપી હતી. તેમણે એવા સમયે ભારતીય સેનાનું નેતૃત્વ કર્યું જ્યારે કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહ્યો હતો અને ભારત ગલવાન ખીણમાં ચીન સાથે સંઘર્ષનો સામનો કરી રહ્યું હતું. મનોજ નરવણેએ તેમનું પ્રારંભિક શિક્ષણ પુણેની જ્ઞાન પ્રબોધિની સ્કૂલમાં મેળવ્યું હતું. તેઓ નેશનલ ડિફેન્સ એકેડેમી, ખડકવાસલા (પુણે) અને ભારતીય લશ્કરી એકેડેમી દ્વારા ભારતીય સેનામાં અધિકારી બન્યા હતા. યુદ્ધભૂમિ ઉપરાંત, તેમને અભ્યાસ પ્રત્યે પણ ખૂબ જ ઉત્સાહ રહ્યો છે. નરવણેએ ઇન્દોરની દેવી અહિલ્યા યુનિવર્સિટીમાંથી સંરક્ષણ અને વ્યવસ્થાપન અધ્યયનમાં એમ.ફિલ.ની ડિગ્રી મેળવી છે. મનોજ નરવણેના પિતા મુકુંદ નરવણે વાયુસેનાના અધિકારી હતા. મનોજ નરવણેની પત્ની શિક્ષિકા છે. નરવણે દંપતીને બે પુત્રીઓ છે.

જનરલ નરવણેની લશ્કરી કારકિર્દીમાં સૌથી મહત્ત્વપૂર્ણ વળાંક ૨૦૨૦ નો લદ્દાખ સંઘર્ષ હતો. ઇકોનોમિક ટાઇમ્સના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે સત્તાવાર સૈન્ય રેકોર્ડ અને તેમના પોતાનાં અગાઉનાં નિવેદનો અનુસાર, જૂન ૨૦૨૦માં પેટ્રોલિંગ પોઇન્ટ ૧૪ પર તણાવ ચરમસીમાએ પહોંચ્યો હતો. ચીની સેનાએ નિયુક્ત બફર ઝોનમાંથી તેના તંબુઓ હટાવવાનો ઇનકાર કર્યો હતો. જ્યારે કર્નલ સંતોષ બાબુના નેતૃત્વમાં ભારતીય સૈનિકો તેમને રોકવા માટે આગળ વધ્યા, ત્યારે હિંસક અથડામણ થઈ હતી. જનરલ નરવણેએ ભારતની વ્યૂહરચનામાં મોટો ફેરફાર કર્યો હતો. પહેલાં ફક્ત ભારતીય સૈન્યની રક્ષણાત્મક નીતિ હતી, પરંતુ તેમણે આક્રમક સંરક્ષણ અપનાવ્યું હતું. નરવણેએ કૈલાશ રેન્જ પર ભારતીય ટેન્કો તૈનાત કરી, જેના કારણે ચીની સેનાને પીછેહઠ કરવાની ફરજ પડી હતી. તેમણે સત્તાવાર રીતે ૧૬ જૂન, ૨૦૨૦ને તેમની કારકિર્દીનો સૌથી દુઃખદ દિવસ ગણાવ્યો હતો, કારણ કે તે દિવસે ૨૦ સૈનિકો શહીદ થયા હતા.

ઈન્ડિયન એક્સપ્રેસના એક લેખમાં દાવો કરવામાં આવ્યો છે કે આ પુસ્તક ૨૦૨૦માં પૂર્વી લદ્દાખમાં ચીન સાથેના લશ્કરી સંઘર્ષ વિશે જણાવે છે. તેમાં ગલવાન ખીણની અથડામણ અને અગ્નિપથ યોજનાનો પણ ઉલ્લેખ છે. પુસ્તકમાં ૩૧ ઓગસ્ટ, ૨૦૨૦ની રાત્રે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ સાથેની વાતચીતનો પણ ઉલ્લેખ છે. એક્સપ્રેસ રિપોર્ટમાં વધુમાં જણાવાયું છે કે ડિસેમ્બર ૨૦૨૩માં સમાચાર એજન્સી પીટીઆઈએ જનરલ નરવણેના પુસ્તકમાંથી અંશો પ્રકાશિત કર્યા હતા. તેમાં ૩૧ ઓગસ્ટની સાંજની ઘટનાઓનું પણ વિગતવાર વર્ણન કરવામાં આવ્યું હતું. આ ઘટના વિશેનો એક લેખ હવે કારવાં મેગેઝિનમાં પ્રકાશિત થયો છે. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી આ લેખમાં પ્રકાશિત અંશો સંસદમાં વાંચવા માંગતા હતા.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ગૃહમાં બોલવા ઊભા થયા, ત્યારે તેમણે કહ્યું કે આ મેગેઝિનમાં નરવણેજીએ કહ્યું છે કે આ તેમનું સંસ્મરણ છે, જેને સરકાર પ્રકાશિત કરવાની મંજૂરી આપી રહી નથી. હું આ મેગેઝિનમાંથી ફક્ત પાંચ લીટીઓ વાંચવા માંગુ છું. જ્યારે રાહુલ ગાંધીએ ફરી બોલવાનું શરૂ કર્યું, ત્યારે તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિનું ભાષણ દેશની પરિસ્થિતિ, વિદેશ નીતિ અને વૈશ્વિક પરિસ્થિતિ સાથે સંબંધિત છે. એક સભ્યે કહ્યું કે અમે દેશભક્ત નથી. હું ફક્ત તેનો જવાબ આપવા માંગુ છું, કારણ કે નરવણેજીએ અહીં કંઈક કહ્યું છે. આ પછી, શાસક પક્ષ તરફ ઈશારો કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ કહે છે કે તેઓ આતંકવાદ સામે લડે છે, પરંતુ તેઓ એક અવતરણથી ડરે છે. તેમાં એવું શું લખ્યું છે જે તેમને ડરાવી રહ્યું છે અને હું બોલી શકતો નથી.

રાહુલે આરોપ લગાવ્યો કે જ્યારે સરહદ પર ગંભીર સંકટ આવી રહ્યું હતું ત્યારે રાજકીય નેતૃત્વે પોતાની જવાબદારી નિભાવવાને બદલે નિર્ણય આર્મી ચીફ પર છોડી દીધો હતો. નોંધનીય છે કે જનરલ નરવણે પહેલાં પણ ઘણા લશ્કરી અધિકારીઓએ પુસ્તકો પ્રકાશિત કર્યાં છે. તેમાં ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ (નિવૃત્ત) વીપી મલિકનું પુસ્તક કારગિલ – ફ્રોમ સરપ્રાઇઝ ટુ વિક્ટરી અને ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ (નિવૃત્ત) વીકે સિંહની આત્મકથા કોરેજ એન્ડ કન્વિક્શન: એન ઓટોબાયોગ્રાફીનો સમાવેશ થાય છે. ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ કે. સુંદરજીનું પુસ્તક બ્લાઇન્ડ મેન ઓફ હિન્દુસ્તાન: ધ ઈન્ડો-પાક ન્યુક્લિયર વોર અને ઓફ સમ કન્સિક્વન્સ: અ સોલ્જર રિમેમ્બર્સ પણ લશ્કરી અધિકારીઓ દ્વારા લખાયેલાં પુસ્તકોમાં સામેલ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top