ચીફ ઓફિસર અને કોન્ટ્રાકટરનાં નામે નગરમાં ગરમાગરમી!
ડભોઇ:;ડભોઈ નગરપાલિકામાં હાલ વિકાસ કરતાં વધારે તકતી ચર્ચામાં છે. સ્થાનિક સ્વરાજ્યના નિયમોને જાણે “હોલ્ડ” પર મૂકીને વહીવટ ચાલતો હોય એમ, ચીફ ઓફિસરના એક પછી એક નિર્ણયોએ નગરસેવકો અને નગરજનોને વિચારમાં મુકી દીધા છે.
ડભોઈ શહેરમાં અંદાજે પોણા ત્રણ કરોડના ખર્ચે તૈયાર થયેલો સરદાર બાગ ધારાસભ્યના હસ્તે ભવ્ય રીતે નગરજનો માટે ખુલ્લો મુકાયો. કાર્યક્રમમાં પ્રાદેશિક કમિશ્નર સુરભી ગૌતમની ઉપસ્થિતિ પણ હતી. પરંતુ ઉદ્ઘાટન બાદ મુકાયેલી યાદગાર તકતીએ સૌને ચોંકાવી દીધા. કારણ કે તેમાં ધારાસભ્ય શૈલેષ મહેતા, નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, વિવિધ સમિતિના ચેરમેન સાથે–સાથે ચીફ ઓફિસર જયકિશન તડવી અને કોન્ટ્રાકટર વી.એસ. પઠાણ (છોટાઉદેપુર)નાં નામ પણ ઝળહળતા દેખાયા!
નગરજનો પૂછે છે—આ પહેલાં ક્યારેય સરકારી બાગની તકતી પર ચીફ ઓફિસર અને કોન્ટ્રાકટરનાં નામ જોયાં છે? ઠંડીમાં ચર્ચાના ચમકારાં એવા પણ છે કે કોન્ટ્રાકટરે નફો લીધો નથી? કે પછી નફો બાગમાં ‘દાન’ કરી દીધો છે? જો એવું હોય તો વિગતો જાહેર થવી જ જોઈએ—એવો સવાલ ઉઠી રહ્યો છે.
અહીં વધુ રસપ્રદ મુદ્દો એ છે કે પ્રાદેશિક કમિશ્નરની હાજરી છતાં આ બધે મૌન કેમ? શું નિયમવિરોધી નામો હટાવી નવી તકતી મુકવાનો આદેશ આવશે? કે પછી “હોતા હૈ, ચલતા હૈ”ના સિદ્ધાંતને સમર્થન મળશે?
આજે ડભોઈમાં નવા સરદાર બાગ કરતાં તકતી વધારે ચર્ચામાં છે. શાણી જનતા પોતાનો વિરોધ સમયસર દર્શાવશે એ નક્કી છે. હવે જોવાનું એ રહ્યું કે ડભોઈ નગરપાલિકા ભૂલ સુધારશે કે પછી ‘વાડ જ ચિભડાં ગળે’ જેવી સ્થિતિને આગળ વધવા દેશે?