સુરત: સુરતનાં ઉમરા વિસ્તારનાં કેશવનગરમાં પરસ્ત્રી સાથે રહેતો પતિ રંગેહાથ ઝડપાયો હતો. ફોરેસ્ટ અધિકારી પત્નીએ, RTO ઈન્સપેક્ટર પતિને પારકી સ્ત્રી સાથે રંગેહાથ ઝડપી પાડી એ ઘટનાનું વિડિયો રેકોર્ડિંગ લાઈવ કરી હોબાળો મચાવ્યો હતો.
- મામલો પોલીસ સ્ટેશનમાં ગયો તો પતિએ પોતાની પત્ની,પત્ની ધર્મ નહીં નિભાવતી હોવાની વળતી ફરિયાદ કરી
આરટીઓ કચેરીમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા આ બનાવની વિગત એવી છે કે, વન વિભાગની અધિકારી પત્ની પોલીસ સુરક્ષા સાથે પતિને પારકી સ્ત્રી સાથે પકડવા પહોંચી ગઈ હતી અને બંને પક્ષ બોલાચાલી પર આવી જતાં મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચી ગયો હતો. અહીં પતિએ પોતાની પત્ની, પત્નીધર્મ નહીં નિભાવતી હોવાની વળતી ફરિયાદ કરી હતી.
વૈષ્ણવ સંપ્રદાયમાંથી આવતા આ આરટીઓ ઇન્સ્પેકટરની ફરીયાદ હતી કે, તેમની પત્ની છેલ્લા એક વર્ષથી કજિયા કરે છે. લગ્ન પછી માતાની સાથે તકરાર કરી સાથે રહેવાની ના પાડતા તેઓ પત્નીને લઈ અલગ રહેવા ગયા હતા. પણ અહીં પણ બે મહિના પછી તકારર શરૂ કરી દીધી હોવાની વાત મૂકી હતી.
RTO ઇન્સ્પેકટરે પોલીસ સમક્ષ ખુલાસો કર્યો હતો કે, તેમણે કોઈ વ્યભિચાર કર્યો નથી. એકબીજાની સહમતિથી તેઓ અન્ય હમદર્દ મહિલા સાથે રહે છે અને તેમણે કોઈ કાનૂન ભંગ કર્યો નથી.
દિવસભર ચર્ચાનું કેન્દ્ર બનેલી પતિ, પત્ની ઔર વો ની આ ઘટનાની વિગત એવી છે કે, RTOમાં ફરજ બજાવતા એક ઈન્સપેક્ટર પરિણીત હોવા છતાં પોતાની પત્ની સાથેના છેલ્લા એક વર્ષથી ચાલતા કજિયાને લીધે પત્નીને મૂકી અન્ય સ્ત્રી સાથે રહે છે.
ફોરેસ્ટ અધિકારી પત્નીએ આક્ષેપ કર્યો છે, કે તેઓના આરટીઓ ઇન્સ્પેકટર પતિ વ્યભિચારી છે અને પતિ ધર્મ નિભાવતા નથી. તેઓ સુરતના ઉમરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેશવનગરના એક ભાડાના ફ્લેટમાં અન્ય સ્ત્રી સાથે રહે છે. ઈન્સપેક્ટર પતિ આજે એક યુવતી સાથે ત્યાં હતો ત્યારે જ પત્ની પોલીસને લઈને ત્યાં પહોંચી હતી અને હોબાળો મચાવ્યો હતો.
પોલીસ પતિ અને તેની સાથે મળી આવેલી યુવતીને ઉમરા પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. પરિણીતાએ પોતાના પતિ અને સાસરિયાઓ સામે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવવાની વાત કરી હતી. પણ પોલીસે ઘટના સ્થળે સાસરિયાં ન હોવા ઉપરાંત કોઈ જાતિગત ટિપ્પણી ન થઈ હોવાથી પત્નીની અરજી લઈ તપાસ કર્યા પછી કોઈ નિષ્કર્ષ પર પહોંચવા હૈયા ધરપત આપી મામલો થાળે પાડ્યો હતો. ઘરકંકાશના કારણે દંપતી છેલ્લા એક વર્ષથી અલગ રહેતું હોવાનું સામે આવ્યું છે.
પતિ પત્ની ઔર વો નો વિડિયો વાઇરલ થતાં ભારે તમાશો થયો
સુરતના ઉમરા વિસ્તારના એક ફ્લેટમાંથી પત્નીએ, પતિને અન્ય યુવતી સાથે રંગેહાથ ઝડપી પાડ્યાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં પત્નીની સાથે પોલીસકર્મીઓ પણ જોવા મળી રહ્યા છે. પોલીસ જ્યારે પતિને લઈને બહાર આવે છે, ત્યારે પતિ પોતાની કારમાં બેસવાનો પ્રયાસ કરે છે.
પરંતુ, પત્ની તેની ચાવી લઈ લેવા સાથે પોલીસને આરટીઓ ઇન્સ્પેકટર પતિને પોલીસવાનમાં જ બેસાડવાની માગ કરતા પોલીસ પોતાના જ વાહનમાં પતિને બેસાડી દે છે. આ સમયે RTO ઈન્સપેક્ટર પતિ પણ પોલીસ અને તેની પત્ની સામે દલીલ કરતો જોવા મળી રહ્યો છે. પોલીસની હાજરીમાં પતિ, પત્ની વચ્ચે સર્જાયેલા આ વિવાદને લઈ સ્થાનિકો પણ આશ્ચર્ય પામ્યા હતા.
ઉમરા પોલીસે પતિ પત્નીનું નિવેદન લઈ બંનેને સમજી વિચારી નિર્ણય પર પહોંચવા સમજાવ્યા
દંપતીના પાંચ વર્ષ પહેલા લગ્ન થયા હતા, તેમને ચાર વર્ષનો એક બાળક પણ છે. પતિ આરટીઓમાં જ્યારે પત્ની ફોરેસ્ટ વિભાગમાં ઉચ્ચ પદે ફરજ બજાવે છે.
બંને વચ્ચે છેલ્લા એક વર્ષથી તકરાર ચાલી રહી છે. પત્નીએ દીકરા સાથે ઘરમાંથી કાઢી મૂક્યાનો પતિ પર આરોપ મૂકયો છે. ફોરેસ્ટ અધિકારી પત્નીએ જણાવ્યું હતું કે, મારા પતિ આરટીઓમાં ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. આજે મેં તેમને ઉમરા વિસ્તારના કેશવ નગરના એક ઘરમાંથી તેમની પ્રેમિકા સાથે રંગેહાથ ઝડપી પાડ્યા છે.
મારા પતિએ મને ચાર વર્ષના દીકરા સાથે ઘરમાંથી કાઢી મૂકી છે. મને ન્યાય મળે તે માટે હું ઉમરા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા માટે ગઈ હતી. મારા પતિને મેં ઘણી વાર સમજાવ્યા છે છતાં પણ તેઓ સમજી રહ્યા જ નથી. હું નીચા સમાજની છું એવું કહીને મને બહુ ટોર્ચર કરવામાં આવી છે. આ સાથે માર પણ મારવામાં આવ્યો છે.
મારા સાસુ સસરા દ્વારા પણ મને માર મારવામાં આવ્યો છે. આ માનસિક ત્રાસથી કંટાળીને મેં અડાજણ પોલીસમાં અરજી પણ કરી હતી, ત્યારે તેમણે માફી માંગીને સમાધાન કરી લીધું હતું. જો કે ત્યારબાદ ફરી જૈસે થે જેવી સ્થિતિ બની ગઈ હતી. સમાધાન થઈ ગયા બાદ પણ બે મહિના ભાડેથી રહેવા ગયા હતા ત્યાં પણ મને મારી હતી.
મહિલાની ફરિયાદના આધારે તેમના પતિને ઉમરા પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવ્યા હતા. આ મામલે મહિલા દ્વારા ઉમરા પોલીસ સ્ટેશનમાં નિવેદન પણ નોંધાવવામાં આવ્યું છે. તેમાં તેમણે હાલ કોઈ મારામારી કે તકરાર થઈ હોવાનું જણાવ્યું ન હતું. જો કે હાલ તેમના વિરુદ્ધ કોઈ કાયદેસરની કાર્યવાહી ન કરવાની હોવાથી તેમને પણ રવાના કરવામાં આવ્યા છે. ઉમરા પોલીસે પતિ પત્નીનું નિવેદન લઈ બંનેને સમજી વિચારી નિર્ણય પર પહોંચવા સમજણ આપી હતી.